<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

કુવાડવા રોડ ડી-માર્ટમાં રૂા. ૭૧ હજારના સામાનની ચોરી કરનાર ત્રીપુટી ઝડપાઇ

ત્રણ લેપટોપ બેગ, કાજુ, બદામના પેકેટ, ટીશર્ટ, શર્ટ, જીન્‍સ વગેરે સામાન ઉઠાવી ગયા'તાઃ પીપરડી ગામના રવી મેર તેનો ભાઇ રાજુ મેર અને કિશન કુમારખાણીયાને બી ડીવીઝન પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર આવેલ ડી-માર્ટ મોલમાં છેલ્લા વીસ દિવસ દરમ્‍યાન અલગ-અલગ સમયે રૂા. ૭૧,૩૯૬ની કિંમતની જુદી-જુદી ચીજ વસ્‍તુની ચોરી કરનારા ત્રણ શખ્‍સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં કેવલ દ્રષ્‍ટી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦ર માં રહેતા જતીનભાઇ ભરતભાઇ પાટણવાડીયા (ઉ.વ. ૩૮) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં વિંછીયાના પીપરડી હાલ આજીડેમ ચોકડી પાસે રહેતો રવી રમેશભાઇ મેર તેનો ભાઇ રાજુ રમેશભાઇ મેર અને પીપરડી ગામમાં રહેતો મિત્ર કિશન હંસરાજભાઇ કુમારખાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. જતીનભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે કુવાડવા રોડ પર આવેલ ડી-માર્ટમાં છેલ્લા ૧ વર્ષથી આસીસ્‍ટન્‍ટ સ્‍ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૩ના રોજ બપોરે પોતે મોલમાં છેલ્લા દસેક દિવસના હાજર માલનો સ્‍ટોક અને દરરોજ વહેંચાયેલા માલના સ્‍ટોક વચ્‍ચે વેરીયેશન આવતું હોઇ તેથી મોલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા. તે દરમ્‍યાન ત્રણ અજાણ્‍યા શખ્‍સો કાજુના કાઉન્‍ટર પાસે શંકાસ્‍દપ પ્રવૃતી કરતા દેખાયા હતા. તેથી પોતે ત્‍યાં ચેક કરવા ગયા ત્‍યાં જઇને ત્રણેય શંકાસ્‍પદ શખ્‍સેને ચેક કરતા તેની પાસે રહેલા કાળા કલરનું લેપટોપ બેગને તેના ઘરેથી લઇ આવ્‍યા હોઇ, જે મોલના નીતીનીયમ મુજબ તે બેગમાં મોલની બહશારથી જ સીલ મારેલું હોઇ, છે તે સીલ ખોલીને તેમાં એક કિલોના ત્રણ કાજુના પેકેટ, ૧ કીલો બદામના બે પેકેટ મળી આવતા તેની પૂછપરછ કરતા ત્રણેય કાજુ-બદામના પેકેટ ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસમાં જાણ કરતા બી-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એ. વી. બકુત્રા સહિતે સ્‍થળ પર પહોંચી મોલના મેનેજર જતીનભાઇની ફરીયાદ દાખલ કરી ચોરી કરનાર વિંછીયાના પીપરડી ગામ હાલ આજીડેમ ચોકડી પાસે રહેતા રવી રમેશભાઇ મેર તેનો ભાઇ રાજુ રમેશભાઇ મેર અને પીપરડી ગામમાં રહેતો મિત્ર કિશન હંસરાજભાઇલ કુમારખાણીને પકડી લઇ ત્રણેયની પુછપરછ કરતા ત્રણેયે છેલ્લા વીસ દિવસમાં મોલમાંથી રૂા. ૭૧,૩૯૬ની ચીજ વસ્‍તુની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:48 PM IST)