News of Monday, 16th September 2024
જંગલેશ્વરમાં એસઓજીનું ઓપરેશનઃ ૫૧ કિલો ગાંજો સુત્રધાર જાવેદનો હતોઃ બે સાગ્રીત પડીકીઓ બનાવી સપ્લાય કરતાં
સમગ્ર શહેરમાં બંધાણીઓને જંગલેશ્વરમાંથી ગાંજો પુરો પાડવામાં આવતો હોવાની વિગતો ખુલીઃ રૂપિયા ૫.૧૮ લાખના માદક પદાર્થ સાથે જાવેદના સાગ્રીતો રફીક અને અસલમને દબોચી લેવાયાઃ વજનકાંટા, રોકડ પણ કબ્જે : એક સમયની મહિલા બુટલેગર રમાનો પતિ જાવેદ જુણેજા હાથમાં ન આવ્યોઃ જાવેદ ગોંડલના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવતો હતો : હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલાની સફળ બાતમી : પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ હરિયાણી, પીએસઆઇ કામળીયા, એએસઆઇ ખેરની ટીમો ઓચીંતી ત્રાટકી : ૧૦૦, ૨૦૦, ૩૦૦ ગ્રામની પડીકીઓ ગ્રાહક માંગે એ મુજબ બનાવીને વેંચતા હતાં: પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાએ ટીમોને અભિનંદન આપ્યા

રાજકોટ તા. ૧૬: શહેરમાં માદક પદાર્થોની બદ્દીને નાબુદ કરવા અને સે નો ટુ ડ્રગ્સની ઝુંબેશને સફળ બનાવવા શહેર એસઓજીના નવનિયુક્ત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમ આગળ ધપાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ એમડી ડ્રગ્સ, ગાંજાના ત્રણ કેસ કરીને માદક પદાર્થના ધંધાર્થીઓને પડકાર ફેંક્યો છે. ગઇકાલે વહેલી સવારે શહેર એસઓજીએ ગાંધીગ્રામમાં દરોડો પાડી એક શખ્સને બે કિલો ગાંજા સાથે પકડયો હતો. એ પછી મોડી સાંજે પાક્કી બાતમીને આધારે જંગલેશ્વરમાં ત્રાટકી પાંચ લાખથી વધુની કિંમતનો ૫૧ કિલો ગાંજો ઝડપી લઇ બે શખ્સોને દબોચી લીધા હતાં. મુખ્ય સુત્રધાર જુની બુટલેગર રમાનો પતિ જાવેદ જુણેજા જોકે હાથમાં આવ્યો નહોતો. તેના બે સાગ્રીતો અલગ અલગ વજનની પડીકીઓ બનાવી શહેરભરના બંધાણીઓને સપ્લાય કરતાં હોવાનું ખુલ્યું છે. અગાઉ પણ જંગલેશ્વરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો હતો. ગત સાંજે અલગ અલગ ટીમોએ ઓચીંતા ત્રાટકી ઓપરેશન પાર પાડયું હતું. મુખ્ય સુત્રધારને ગોંડલનો શખ્સ આ માદક પદાર્થનો જથ્થો પહોંચાડી ગયાની વિગતો પણ ખુલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અને વેંચાણ થતું અટકાવવા તેમજ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સે નોટ ટુ ડ્રગ્સ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના ભાગ રૂપે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે જંગલેશ્વરમાં શેરી નં. ૬માં હુશેની ડેરીવાળી શેરીમાં આવેલી ઓરડીમાં ગાંજાનો મોટો જથ્થો ઉતર્યો છે. આ બાતમીને આધારે પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ખુબ જ સતર્કતા પુર્વક અને સાવધાનીથી એક ટીમને ત્યાં પહોંચવા રવાના કરી હતી અને બીજી ટીમને પણ પાછળ તૈયાર રાખી હતી.
બાતમી મુજબની ઓરડીમાં ટીમ પહોંચતા જ બે શખ્સ મળી આવ્યા હતાં. તેમજ અલગ અલગ કોથળા ભરેલા અને ખુલ્લા જોવા મળ્યા હતાં. બંને શખ્સોની પુછતાછ થતાં પોતાના નામ રફિક યુસુફભાઇ જુણેજા (ઉ.વ.૩૫-રહે. જંગલેશ્વર-૧૬) તથા અસ્લમ ગુડ્ડુભાઇ સૈયદ (ઉ.વ.૨૧-રહે. હુશેની ડેરીવાળી શેરી નં. ૬) જણાવ્યા હતાં. કોથળાઓમાં જે પદાર્થ હતો તે ગાંજો હોવાનું જણાતાં એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં તે ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં બંને વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ બંનેના કબ્જામાંથી રૂા. ૫,૧૮,૬૦૦નો ૫૧.૮૬૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ૫ હજારનો એક મોબાઇલ ફોન, રોકડા રૂા. ૫૬૦૦, એક વજન કાંટો પણ કબ્જે લીધા હતાં. પ્રાથમિક પુછતાછમાં આ બંનેએ એવુ રટણ કર્યુ હતું કે આ ગાંજો જંગલેશ્વરના જ સુત્રધાર જાવેદ જુણેજાનો છે. જાવેદ આ ગાંજો ગોંડલ તરફથી મંગાવે છે. ઉલ્લેખનિય છે કે જાવેદ એ મહિલા બુટલેગર રમાનો પતિ થાય છે. ઝડપાયેલા બંને શખ્સો રફીક અને અસલમ જાવેદના સાગ્રીતો છે. તે શહેરભરમાં બંધાણીઓને જરૂરીયાત મુજબનો ગાંજો સપ્લાય કરે છે. આ બંને ઓરડીમાં બેસી ૧૦૦, ૨૦૦, ૩૦૦ ગ્રામની પડીકીઓ બનાવતાં અને અને ગ્રાહકોને સપ્લાય કરતાં હતાં.
સુત્રધાર જાવેદ ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવશે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એચ. વી. હરિયાણી, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ ધર્મેશભાઇ ખેર, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, જયદિપસિંહ ચોૈહાણ, અરૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલા, રાજેશભાઇ બાળા, યુવરાજસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, દિપકભાઇ ડાંગર, હાર્દિકસિંહ પરમાર, અનોપસિંહ ઝાલા, રવિરાજભાઇ પટગીર, નાઝનીનબેન સોલંકી, ડ્રા. હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શ્યામભાઇ સુસરાની ટીમે આ કામગીરી કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ આ કામગીરી બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
બીજા દરોડામાં ગાંધીગ્રામ નજીક ભારતીનગરમાં રહેતો નામચીન રણજિત માદક પદાર્થનો વેપલો કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડી બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ તેની ધરપકડ કરી તેની પાસેથી ૨૦ હજારની કિંમતનો ગાંજો અને મોબાઇલ સહિતની મતા કબજે કરી હતી. પીએસઆઇ માજીરાણા સહિતના સ્ટાફે હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલ, કિરીટસિંહ ગોહિલ, હાર્દીકસિંહ પરમારની બાતમી પરથી ભારતીનગરમાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી રૂ.૨૦૮૮૦ની કિંમતનો ૨.૦૮૮ કિલો ગાંજો મળી આવતા પોલીસે રણજિત નારૂભા રત્નુની અટકાયત કરી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રણજિત દોઢેક વર્ષથી સુરત નજીકથી ગાંજો લાવી વેચતો હોવાનું રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
પ્રતિબંધીત વિદેશી સિગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો
શહેરમાં કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે ડ્રીમ પોઇન્ટ નામની દુકાને પ્રતિબંધીત સિગારેટનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા રૂ.૨૦ હજારની કિંમતના ૪૩ સિગારેટના બોક્સ મળી આવતા પોલીસે વેપારી એવરેસ્ટ પાર્કમાં રહેતા પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેસરિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી. આમ શહેર એસઓજીએ માદક પદાર્થના ધંધાર્થીઓમાં સોંપો પાડી દીધો છે. આ કામગીરી આગળ પણ યથાવત રહેશે.
(3:55 PM IST)










