<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

આવતીકાલે સાત સ્‍થળોએ ગણેશ વિસર્જનઃ ૩ ડીસીપી, ૭ એસીપી, ૧૮ પીઆઇ સહિત ૧૫૦૦થી વધુનો બંદોબસ્‍ત

૪૮ પીએસઆઇ, તેમજ હેડકોન્‍સ્‍ટેબલ, કોન્‍સ્‍ટેબલ સહિતના કર્મચારીઓ સવારથી બંદોબસ્‍તમાં જોડાશેઃ રેપીડ એક્‍શન ફોર્સ, એસઆરપીની ટૂકડી પણ રહેશે તૈનાતઃ નક્કી કરેલા સ્‍થળોએ જ વિર્સજન કરવું

 રાજકોટ તા. ૧૪: આવતી કાલે શ્રીગણેશ ઉત્‍સવના સમાપન સાથે વિસર્જન કરવામાં આવશે. વાજતે ગાજતે વિસર્જન માટે અલગ અલગ મંડળ, સોસાયટી સહિતના આયોજકો વિસર્જન માટે નીકળશે. આ દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને શાંતિપુર્વક વિસર્જન થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાએ ચાંપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. ૦૩ ડીસીપી, ૦૭ એસીપી  અને ૧૮ પીઆઇ સહિત ૧૫૦૦થી વધુ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો બંદોબસ્‍તમાં સામેલ થશે. આયોજકોએ નક્કી કરેલા સ્‍થળોએ જ ગણપતિ વિસર્જન કરવા અને પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરવા અનુરોધ કરાયો છે.

બંદોબસ્‍તમાં પોલીસની સાથે સાથે એક રેપડી એક્‍શન ફોર્સની ટીમ અને એક એસઆરપીની ટૂકડી પણ સામેલ હશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ પ્રસિધ્‍ધ કર્યું હતું. જેમાંપ્રતિમા વિસર્જન, તેના સ્‍થળો તેમજ વિસર્જન પૂર્વે હાર, ફૂલ, વષાો, શણગાર વગેરે દૂર કરવા તેમજ સિન્‍થેટીક લાઈનર વાપરવા તેમજ વિસર્જન વખતે બીજા લોકોને અડચણ ન થાય તે રીતે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવા સહિતના નિયમો જણાવાયા હતાં.  આ જાહેરનામામાં ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે  તેમ જણાવાયું હતું.

વિસર્જન માટેના સ્‍થળો નક્કી કરાયા છે તેમાં (૧) આજી ડેમ ઓવરફલો પાસે  ચેક ડેમ ખાણ નં.૧, (૨) આજી ડેમ ઓવર ફલો ખાણ નં. ૨, (૩) આજીડેમ ઓવર ફલો ચેકડેમ, (૪)પાળ ગામ જખરા પીર દરાહ પાસે, મવડી ગામથી આગળ (૫) ન્‍યારાના પાટીયા પાસે ખાણમાં જામનગર રોડ, (૬) બાલાજી વેફર્સ સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ અને (૭) એચપીના પેટ્રોલ પંપ સામે રવિારી બજારવાળુ ગ્રાઉન્‍ડ આજીડેમ પાસે ભાવનગર રોડનો સમાવેશ થાય છે.

જાહેરનામા મુજબ  વિસર્જનની જગ્‍યાએ તળાવો, ખાણ, નદીમાં સિન્‍થેટીક લાઈનર (કપડું) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના ૪૮  કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાંખવાની રહેશે.  વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ, લોકો પર રંગ છાંટી શકાશે નહીં, ગણેશોત્‍સવ સ્‍થળે ધ્‍વનિ પ્રદુષણ નિયંત્રણનું ધ્‍યાન રાખવાનું રહેશે, અર્થાત્‌ ઘોંઘાટ પર પ્રતિબંધ રહેશે, વોલ્‍યુમ ધીમુ રાખવાનું રહેશે. ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં, વિસર્જીત થયેલી મૂર્તિને કોઈ પણ વ્‍યક્‍તિ દ્વારા બહાર કાઢી શકાશે નહીં, ધાર્મિક લાગણી, સદભાવના જળવાય અને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્‍યાન રાખવા સહિતના નિયમો દર્શાવાયા છે. જેનો ભંગ કરનારા સામે બીએનએસની કલમ ૨૨૩, ગુજરાત પોલીસ એક્‍ટની કલમ ૧૩૧, ૧૩૫ મુજબ કાર્યવાહી થશે. ૧૫૦૦થી વધુનો બંદોબસ્‍ત આવતી કાલે રાખવામાં આવ્‍યો છે.

(3:31 PM IST)