News of Monday, 16th September 2024
સાંઢીયા પુલની માઠીઃ ૩ માસમાં તોડવાનું કામ માત્ર ૩૦ ટકા
મનપા દ્વારા હોળાષ્ટક ઉતરતા જ કામનો ધમધમાટ : બ્રીજના ૧૪૦ પ્રિ-કાસ્ટ ગર્ડરની ડીઝાઇન આર એન્ડ બીની મંજુરીની રાહમાં : દિવાળી સુધીમાં માંડ પ૦ ટકા ડીમોલેશન થવાની શકયતા

રાજકોટ, તા., ૧૬ : મનપા દ્વારા શહેરના જુના સાંઢીયા પુલને તોડીને નવો બ્રીજ બનાવવા ૩ મહિના પહેલા કામ શરૂ કરી દેવાયું હતું. ૯૦ દિવસ વિતી ગયા છતા જુના પુલને તોડવાનું કામ માત્ર ૩૦ ટકા જ પુરૂ થયું છે. ડાયમંડ કટરથી ચોસલા કરી ભાગ તોડવાની શરૂઆત કરવાની હતી ત્યાંજ રેલ્વેના એન્જીનીયરની બદલી થતા હવે એક પણ ટ્રેન પસાર ન થતી હોય તેવા સમયનું શેડયુલ તૈયાર કરી વચલા ભાગનું ડીમોલેશન કરાશે ઉપરાંત ૧૪૦ પ્રિ કાસ્ટ ગર્ડરની ડીઝાઇન પણ હજી આર એન્ડ બી વિભાગની મંજુરીની રાહે છે. આમ જુના પુલના ડીમોલેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ થવામાં દિવાળી આવી જવાની શકયતાઓ નકારાતી નથી. મનપા તંત્ર દ્વારા હોળાષ્ટક ઉતરતાની સાથે જ શહેરના સૌથી જુના બ્રીજ સાંઢીયા પુલનું નવનિર્માણ ૬૨ કરોડથી વધુના ખર્ચે એપ્રીલથી તોડવાનું શરૂ કરવામાં આવ્યુ છે. હજુ ચાર માિહનામાં પ૦ ટકા જુનો પુલ તુટયો નથી. દિવાળી સુધીમાં માંડ અડધો જુનો પુલ જમીન દોસ્ત થયા બાદ નવા નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.
શહેરના સૌથી જુના પુલને તોડીને બનાવવાનો હોવાથી તેમાં ૧૮ને બદલે ૧૪ મહિનાનો સમય લાગશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્યુડી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ૪ દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી. મનપા દ્વારા તમામ અડચણો દુર થતાં સાંઢીયા પુલના નવનિર્માણનો માર્ગ મોકળો બન્યો હતો.
(3:31 PM IST)










