<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

લોકનાયક નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ મંગલમય શુભકામનાઓ પાઠવતા રાજુ ધ્રુવ : દેશની એકતા અખંડીતતા જાળવવામાં નરેન્દ્રભાઇનો સિંહ ફાળો

રાજકોટ તા. ૧૬ : ગુજરાતનાં સપૂત અને ભારતમાતાના લાડલા પુત્ર  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે તેમના દીર્ઘદ્રષ્ટા દીર્ઘકાલીન નેતૃત્વમાં દેશ પૂર્ણ વિકસિત બને અને પરમાત્મા સુખી સંતોષી ૧૦૦ વર્ષ  તંદુરસ્ત દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.

તેઓએ જણાવ્યુ છે કે આજે ગુજરાત અને ભારતની પ્રગતિ અને સર્વાંગીણ વિકાસમાં વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઈ મોદીનો ફાળો અતુલ્ય-અમૂલ્ય છે. નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુર્ષાવાદી અને પરાક્રમી દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્વમાં દેશને સંપૂર્ણ પ્રજાલક્ષી સુશાસનનો લાભ મળી રહ્યો છે. તેમના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશકિત-સંકલ્પશકિત  જોઈ શકાય છે.

છેલ્લાં ચાર વર્ષથી દિવસ-રાત નરેન્દ્રભાઈ મોદી ૧૪૦ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. એ અગાઉ જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારે પણ વિશ્વ ફલક પર તેમણે ગુજરાતને ખરા અર્થમાં દેશના ગૌરવવંતા રાજ્ય તરીકેની ઓળખ અપાવી રોલ મોડેલ સ્ટેટ બનાવ્યું હતું. ગુજરાતને પ્રત્યેક ક્ષેત્રમાં યશ અને કીર્તિ વિકાસ અપાવવામાં નરેન્દ્રભાઈનો ફાળો અમૂલ્ય છે.

સંઘર્ષ  અને પ્રચંડ પુરુસાર્થ દ્વારા શરૂઆતથી શિખર સુધીની સફર ખેડનાર નરેન્દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ છે. રાજનેતા અને લોકનેતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફકત એક રાજનેતા માની લેવાની ભૂલ કોઈ કરી શકે નહિ કારણ કે તેમણે એકથી વધુ વખત પોતે એક લોકનેતા હોવાનું પુરવાર કરેલું છે. નરેન્દ્રભાઈ એક એવા નેતા પુરવાર થયા છે જેમણે રાષ્ટ્ર અને લોક કલ્યાણ ખાતર પોતાની જાત ઘસેલી છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાનું સપનું ફકત જોયું જ નહિ પણ ખરા અર્થમાં તેને વિકાસના પાટે બુલેટ ટ્રેનની ઝડપે દોડતું પણ કરી દીધું અને તેના ફળ સ્વરૂપે જ આજે ગુજરાત વાયબ્રન્ટ છે. ગુજરાતમાં કરેલો આ વિકાસ યજ્ઞ તેમણે પ્રધાનમંત્રી પદે બિરાજમાન થયા પછી રાષ્ટ્રીય સ્તરે હાથ ધર્યો અને તેમના ત્રીજા કાર્યકાળમાં આ અશ્વમેધ યજ્ઞના ફળ પણ મળવાની શરૂઆત થઈ ચૂકી છે. આજના ભારત અને દોઢ દાયકા પહેલાંના ભારત વચ્ચે પણ દેખીતો સકારાત્મક ફરક જોવા મળે છે.

એક સમય એવો હતો જ્યારે ભારતના નેતાઓને અમેરિકા સહિતના દેશો સામે મદદનો હાથ લંબાવવો પડતો હતો. જે ચિત્ર આજે સદંતર બદલાયું છે નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી. આજે રશિયા - યુક્રેનના ઘર્ષણની સ્થિતિ હોય કે ઇઝરાયલ - હમાસ વચ્ચે ટકરાવ, ભારત કોઈ પહેલ કરે તો સ્થિતિ સુધરવાનો આશાવાદ આખી દુનિયાને છે અને દુનિયા એના માટે ભારતને અનુરોધ કરતી થઈ ગઈ છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતનું સ્થાયી સભ્યપદ હવે બહુ દૂર નથી તો એનું કારણ નરેન્દ્ર મોદીની આગવી વિદેશનીતિ છે.

અમેરિકાથી લઈને જાપાન સુધીના વિકસિત અર્થતંત્રની હાલત ડામાડોળ છે અને મંદી આવે તેવી દહેશત ચારેકોર ફેલાયેલી છે તેવા સમયે ભારતમાં વૃદ્ધિનો દર નવા શિખરો સર કરતો જાય છે. છેલ્લા  વર્ષોમાં અને એ પણ કોરોના જેવી ભયાનક મહામારી પછી હરણફાળ ભરીને નવા શિખરો સર કરતી જતી ભારતીય શેરબજાર તેની સાક્ષી પૂરે છે.

કૃષિ હોય કે ઔધોગિક ઉત્પાદન, સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, સ્વનિર્ભરતા હોય કે સીમા સુરક્ષા, ભારત આજે તમામ મોરચે સક્ષમ અને સશકત રાષ્ટ્ર ઉપસી આવ્યું હોય તો તેમાં નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની જબરદસ્ત ભૂમિકા રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય એટલે કે અંતિમ વ્યકિત સુધી સેવા પહોંચાડવાના આશયથી સરકારી યોજનાનાં કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ પ્રત્યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે. તેઓનાં દરેક કાર્ય અને વિચાર પાછળ માત્રને માત્ર દેશહિત અને લોકસેવા રહેલી હોય છે.

નરેન્દ્રભાઈ મોદી એક પ્રજાપ્રિય લોકનાયક છે. તેઓ  સમાજ અને દેશના વિકાસને અવરોધતી દરેક સમસ્યાઓને દૂર કરવા માટે તડામાર તૈયારી સાથે  જહેમત ઉઠાવી રહ્યા છે. વડાપ્રધાન તરીકે મોટા ભાગનો સમય તેઓ લોકોની વચ્ચે રહ્યા છે. તેમના જેવું પ્રામાણિક અને પારદર્શી વ્યકિતત્વ દેશને મળવું એ સૌભાગ્યની બાબત છે.

પુરુષાર્થવાદી રાજપુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પરમાત્મા યશસ્વી દીર્ઘાયુષ્ય આપે અને તેનો લાભ ભારતને મળતો રહે એવુ જણાવી તેમનાં સ્વાસ્થ્યની મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે તેઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:34 PM IST)