News of Monday, 16th September 2024
રાજકોટથી સિદસર પદયાત્રાનું પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ૧ર૬મા પ્રાગટય દિન પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું ગઇકાલે વહેલી સવારે ૪:૩૦ કલાકે સંસ્થાની રાજકોટ ઓફિસેથી સાંસદ પરસોતમભાઇ રૂપાલા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉમિયાધામના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉદ્યોગપતિ મનસુખભાઇ પાણ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, ઉમિયા પરિવારના રજનીભાઇ ગોલે આરતીનો લ્હાવો લીધો હતો. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભૂપતભાઇ જીવાણી, તેમજ ટ્રસ્ટી રાજેશભાઇ ત્રાંબડીયા, કાન્તીભાઇ કનેરીયા કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ બરોચીયા એ પદયાત્રાનું દબદબાભેર પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રિકો ઢેબર રોડ, પી. ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, ક્રિષ્ના પાર્ક જેવા વિસ્તારમાં થઇ વેરાવળ (શાપર) મુકામે પદયાત્રિકોનું સામૈયા સાથે સ્વાગત કરાયું હતું. દાતા મનસુખભાઇ પાણ અને અરવિંદભાઇ પાણે માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. પદયાત્રીકો બપોરે દાળેશ્વર મંદિર, તથા રાત્રે કડવા પટેલ સમાજ ગરનાળા મુકામ કર્યો હતો. આજે બપોરે જામકંડોરણા તથા રાત્રે કડવા પટેલ સમાજ જામટીંબડી ખાતે રોકાણ કરશે. મંગળવારે કડવા પટેલ સમાજ સાજઢીયાળી, બપોરે ભાયાવદર પ્રસાદી લઇ સાંજે સિદસર પહોંચશે.
(3:46 PM IST)










