News of Tuesday, 17th September 2024
રોડ પર ઝેરી દવા પી લેનારા કૃષ્ણનગરના વાસણના વેપારી વિજયભાઇએ દમ તોડયો
ભક્તિનગર સર્કલ પાસે પગલુ ભર્યુ હતું: કારણ અકળઃ પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૧૭: પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગરમાં રહેતાં વિજયભાઇ હસમુખભાઇ કોટક (ઉ.વ.૪૦) નામના યુવાને ગઇકાલે સવારે ભક્તિનગર સર્કલ પાસે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં ભક્તિનગરના હેડકોનસ. પી. એચ. ગોહિલ અને ઘનશ્યામભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. વિજયભાઇએ ગઇકાલે ભક્તિનગર સર્કલ પાસે ઘઉમાં રાખવાની ટીકડી પી લીધી હતી. દવા પીધા બાદ નાના ભાઇને ફોન કરીને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં અને સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ સાંજે તેમણેદમ તોડી દીધો હતો. વિજયભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે મવડી રોડ પર વાસણની દુકાન ચલાવતાં હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
(11:46 AM IST)










