News of Tuesday, 17th September 2024
શહેરમાં રસ્તાઓ-ખાડાઓ તાત્કાલીક રીપેર કરોઃ રજૂઆત
નવરાત્રી પૂર્વે પેચવર્ક સહિતની સમસ્યા ઉકેલવા શહેર કોંગ્રેસ દ્વારા માંગ

રાજકોટ તા. ૧૭ :.. શહેરના ત્રણેય ઝોનમાં ભાંગેલા રસ્તાઓ, ખાડાઓની ગટરના ઢાંકણાઓ બેસી ગયેલી પાણીની વાલ્વ ચેમ્બરો તાત્કાલીક મરામત કરવા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે શહેરમાં રસ્તા પરના સર્વેમાં શહેરના ૧ર,૦૦૦ ખાડાઓની નોંધણી થયેલ છે. ત્યારે અગાઉના સમયમાં નવરાત્રીના પ્રારંભ પહેલા દરેક ગરબી ચોક અને દરેક જાહેર માર્ગો પરના ખાડાઓ ડામ પેચવર્ક દ્વારા બુરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવરાત્રી પૂર્વે ગરબી ચોકમાં ડામર પેચવર્ક અંગેની આ કામગીરી બંધ કરવામાં આવી છે.
આગામી તા. ૩ ઓકટોબર ર૦ર૪ થી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આધુનિક પધ્ધતીથી વસાવવામાં આવેલ જેક પેચર મશીન દ્વારા તાત્કાલીક શહેરભરના ખાડાઓ અંગે અને જે જગ્યાએ ગરબીઓ થતી હોય તે ગરબીના ચોકમાં પેચવર્કની કામગીરીનો સર્વે કરાવી તાત્કાલીક કાર્યવાહી કરવા તથા શહેરમાં ડ્રેનેજના તૂટી ગયેલા ઢાંકણાઓ કે ઉપસી ગયેલી કે નીચે બેસી ગયેલી પાણીની વાલ્વ ચેમ્બરોનો પણ સર્વે કરાવી ત્રણેય ઝોનમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.
(3:20 PM IST)










