<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

રેસકોર્ષ રીંગ રોડ પર એસટી બસની ઠોકરે ચડેલા રેલનગરના ૨૪ વર્ષના નૈમિષ હિરાણીએ દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

સવારે સારવારમાં મૃત્‍યુ થતાં આઘાતમાં પિતા બેભાન થઇ જતાં દાખલ કરવા પડયાઃ ગઇકાલે નૈમિષ મોર્નિંગ વોકમાં નીકળ્‍યો ત્‍યારે બસની ઠોકરે ફૂટબોલની જેમ ઉછળીને પટકાયો હતોઃ બસ ચાલક સામે ગુનો દાખલ

તસ્‍વીરમાં અકસ્‍માત સર્જનાર એસટી બસ, ઘટના સ્‍થળ, સીસીટીવી ફૂટેજનું દ્રશ્‍ય અને મૃત્‍યુ પામનાર નૈમિષનો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર અકિલા સર્કલથી કનકાઇ હોટેલવાળા રોડ ગઇકાલે સવારે વોકીગમાં નીકળેલો રેલનગરનો ૨૫ વર્ષનો યુવાન એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. આજે સવારે આ યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. જુવાનજોધ દિકરાના મૃત્‍યુને પગલે પિતા આઘાતને કારણે બેભાન થઇ જતાં તેમને સારવાર માટે દાખલ કરવા પડયા હતાં. બનાવથી પરિવારજનોમાં પણ કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર કણાવતી સ્‍કૂલ નજીક ખોડિયાર હોટેલ પાસે રહેતો નેમિષભાઇ દિલીપભાઇ હિરાણી (ઉ.વ.૨૪) ગઇકાલે સવારે આઠેક વાગ્‍યે જીલ્લા પંચાયત-અકિલા સર્કલથી કિસાનપરા તરફ કનકાઇ હોટેલ પાસે ચાલીને જતો હતો ત્‍યારે એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૮૮૨૭ની ઠોકરે ચડી જતાં ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર ફંગોળાતાં ગંભીર ઇજાઓ થતાં રોડ પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને પોલીસ દોડી ગઇ હતી. ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે  એ-ડિવીઝનમાં જાણ કરી હતી. આ બનાવમાં એએસઆઇ કાજલબેન કે. માઢક અને કુલદિપસિ઼હે નૈમિષના પિતા રેલનગર અમૃતા શેરી નં. ૩ ખોડિયાર હોટેલ સામે મોમાઇ કૃપા ખાતે રહેતાં દિલીપભાઇ શાંતિલાલ હિરાણી (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો.  સારવાર દરમિયાન આજે સવારે નૈમિષે દમ તોડી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર નૈમિષ બે ભાઇમાં નાનો હતો. તે સવારે આઠથી બે સુધી રૈયા રોડ કનૈયા ચોકમાં રામદેવ ડેરીમાં નોકરી કરતો હતો અને બાદમાં બપોરે બે વાગ્‍યે છુટીને ત્‍યાંજ રહેતો હતો. ત્‍યાંથી સીધો સાંજે ચાર વાગ્‍યે  રેસકોર્ષ રીંગ રોડ પર રાજદિપ આઇસ્‍ક્રીમ નામની દુકાનમાં રાતના બાર સુધી નોકરી કરતો હતો. ગઇકાલે સવારે તે વોકીંગ કરતો નીકળ્‍યો હતો અને રેસકોર્ષ રીંગ રોડ પર એક તરફનો રસ્‍તો બંધ હોઇ તે કનકાઇ હોટેલ તરફના રસ્‍તા પર જવા ડિવાઇડર ઠેંકીને રસ્‍તો ઓળખંતો હતો તે વખતે એસટીબસની ઠોકરે ચડી ગયો હતો. આ બસ જામનગર-સુરત રૂટની હતી. સવારે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન નૈમિષનું મૃત્‍યુ થતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. આઘાતમાં પિતા બેભાન થઇ ગયા હતાં. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ વહેતા થયા હતાં. જેમાં નૈમિષ બસની ઠોકરે ઉછળી પડતો દેખાઇ રહ્યો છે.

(2:32 PM IST)