News of Thursday, 19th September 2024
આગામી ૫ ઓકટોબરે ૫૫થી વધુ ઉદ્યોગકારોના કેસો અંગે એડી. કલેકટર સમક્ષ સુનાવણી : ચેમ્બર ખાતે કાર્યવાહી
અગાઉના ૪ હિયરીંગમાં ૧૨૪ કેસોમાં સુનાવણી થઇ : ૯૫ કેસોમાં ૨ કરોડ ૬૯ લાખથી વધુનું સેટલમેન્ટ

રાજકોટ તા. ૧૯ : રાજ્ય સરકારે ઉદ્યોગકારોના સેટલમેન્ટ અંગે (MSEFC) માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસીલીટેશન કાઉન્સીલની રચના કરી છે, તેના ચેરમેન રાજકોટના એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી છે, અન્ય સભ્યોમાં રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ, રાજકોટ જીલ્લા ઉદ્યોગ અધિકારી, ગર્વમેન્ટ પ્લીડર વિગેરે છે, આ કાઉન્સીલ એમએસએમઇ ઉદ્યોગકારોના પૈસાના સેટલમેન્ટ અંગેના કેસોની ખાસ સુનાવણી હાથ ધરે છે, ૫૦ લાખ કે તેથી નીચેની રકમના કેસોમાં સુનાવણી થાય છે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર - કચ્છના ૭ થી ૮ જિલ્લાના ઉદ્યોગકારોએ ગુજરાત તથા ગુજરાત બહારના ઉદ્યોગકારો પાસેથી લેવાની થતી રકમ અંગે ઉપરોકત કાઉન્સીલે અત્યાર સુધીમાં ૪ સુનાવણી હાથ ધરી હતી.
હવે આગામી ૫મી ઓકટોબરે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે સવારે ૧૧ વાગ્યાથી એડીશ્નલ કલેકટર શ્રી ચેતન ગાંધી અને કાઉન્સીલ સમક્ષ ૫૫ કે તેથી વધુ કેસોની સુનાવણી હાથ ધરાશે. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છના ઉદ્યોગકારો સામે ગુજરાત અને ગુજરાત બહારના ઉદ્યોગકારો વચ્ચે સેટલમેન્ટ અંગે સુનાવણી થશે, જે ઉદ્યોગકારો હાજર નહિ રહે તે અંગે ઓનલાઇન કાર્યવાહી થશે.
અત્રે એ નોંધનિય છે કે, અગાઉ ૪ હિયરીંગમાં ૧૨૪ કેસોની સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં ૧લી સુનાવણીમાં ૧૦ કેસ, બીજીમાં ૨૫, ત્રીજીમાં ૩૦ તથા ચોથી સુનાવણીમાં ૫૯ કેસો હાથ ઉપર લેવાયા હતા, આ કુલ ૧૨૪ કેસોમાંથી ૯૫ કેસોમાં સુનાવણી બાદ સેટલમેન્ટ થયું હતું, અને તેમાં માતબર કહી શકાય એવી કુલ ૨ કરોડ, ૬૯ લાખ, ૨૨ હજાર અને ૮૫૨ની વસૂલાત પણ થઇ છે.
(2:54 PM IST)










