News of Thursday, 19th September 2024
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબોને ૧૯મી સુધી સ્ટાઇપેન્ડ ચુકવવામાં ન આવતાં કચવાટ
નિયમ અનુસાર પાંચ તારીખ સુધીમાં મળી જવું જોઇએઃ છેલ્લા કેટલાક મહિનાથી તકલીફઃ આ વખતે પણ ધાંધીયા સર્જાતા ૨૫૦ રેસિડેન્ટ તબિબો સ્ટાઇપેન્ડથી વંચીતઃ રજુઆત કરતાં મળી જશે એવો દિલાસો અપાયો

રાજકોટ તા. ૧૯: શહેરની પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબોને છેલ્લા કેટલાક મહિનાથી નિયમાનુસાર દર મહિનાની પાંચમી તારીખે સ્ટાઇપેન્ડ ચુકવી દેવાને બદલે દિવસો સુધી ચુકવાતું ન હોઇ અને આ વખતે પણ ૧૯મી તારીખ આવી ગઇ હોવા છતાં રેસિડેન્ટ તબિબોને સ્ટાઇપેન્ડની રકમ ન મળતાં તબિબોમાં કચવાટની લાગણી ઉભી થઇ છે. આ અંગે એકાઉન્ટ વિભાગમાં અને અધિકારીઓને રજૂઆત કરતાં બસ હવે ઝડપથી થઇ જશે...એવો જવાબ અપાતો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાતની મેડિકલ કોલેજોના રેસિડેન્ટ તબિબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે આ વધારો પણ ઓછો હોવાની લાગણી સાથે અમદાવાદમાં રેસિડેન્ટ તબિબોએ હડતાલનો આરંભ કર્યો હતો. જો કે બે દિવસ બાદ સમાધાન થઇ ગયું હતું. જો કે વધારો થયેલુ સ્ટાઇપેન્ડ તો ઠીક જુનુ હતું એ મુજબનું સ્ટાઇપેન્ડ પણ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબોને છેક આજે ૧૯મી તારીખ સુધી પણ ચુકવાયુ ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
નેશનલ મેડિકલ કમિશનના નિયમ અનુસાર દરેક સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબોને દર મહિનાની પાંચમી તારીખે સ્ટાઇપેન્ડ ચુકવી દેવાનું હોય છે. પરંતુ પીડીયુ મેકિડલ કોલેજમાં કેટલાક મહિનાથી સ્ટાઇપેન્ડ ચુકવવામાં ધાંધીયા સર્જાતા હોઇ રેસિડેન્ટ તબિબોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. રાજકોટ પીડીયુના રેસિડેન્ટ તબિબોમાં ઉઠેલી ફરિયાદ મુજબ રાજ્ય સરકાર દ્વારા બે અઠવાડીયા પહેલા સ્ટાઇપેન્ડમાં વધારો થયો હતો. જો કે ઓગષ્ટ માસનું સ્ટાઇપેન્ડ ૨૩૦ જેટલા રેસિડેન્ટ તબિબોને હજુ ઓગણીમી સપ્ટેમ્બર થઇ છતાં મળ્યું નથી. બીજી તરફ કોલેજના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓને સમયસર પગાર મળી ગયો છે. રેસિડેન્ટને સ્ટાઇપેન્ડ ચુકવવામાં શા માટે વિલંબ થઇ રહ્યો છે? તે સમજાય તેવું નથી. આ બાબતે સંબંધીતો સત્વરે યોગ્ય કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે.
(3:27 PM IST)










