<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

રાતે યુવતિ કપડા બદલી રહી હતી ત્‍યારે વિકૃત ઢગા વિજય પારખીયાએ મોબાઇલથી વિડીયો ઉતારી લીધો!

બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી માર્ક મિડીયા નામે કામ કરતાં શખ્‍સને દબોચ્‍યોઃ એક દિકરીનો પિતા છેઃ અગાસીએ ઉભો હોઇ બારીમાંથી શુટીંગ કરી લીધુ હતું: યુવતિને શંકા ઉપજતાં આ શખ્‍સને તેના જ ઘરના કેમેરા ચેક કરવાનું કહેતાં ન કરવા દીધાઃ પોલીસ બોલાવતાં મોબાઇલમાંથી વિડીયો મળ્‍યો

રાજકોટ તા. ૨૩: અન્‍ય શહેરમાં રહેતી અને મેકઅપ આર્ટીસ્‍ટને લગતું કામ કરતી યુવતિ રાજકોટ પોતાના પરિવારને ત્‍યાં આવી હોઇ અહિ રવિવારે રાતે ઉપરના રૂમમાં કપડા બદલી રહી હતી ત્‍યારે એક વિકૃત ઢગાએ અગાસી પરથી આ યુવતિનો બારીમાંથી ચોરીછુપીથી પોતાના મોબાઇલ ફોનમાં વિડીયો ઉતારી લેતાં તેણીને શંકા ઉપજતાં પોલીસને જાણ કરતાં પોલીસે આવી આ શખ્‍સનો મોબાઇલ ફોન ચેક કરતાં તેમાંથી વિડીયો મળી આવતાં ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. ઝડપાયેલો શખ્‍સ એક દિકરીનો પિતા છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સત્‍યાવીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી વિજય વલ્લભભાઇ પારખીયા (ઉ.વ.૩૮) નામના શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસ કલમ ૭૭, ૩૨૯ (૩) મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. ભોગ બનનાર યુવતિએ પોલીસને જણાવ્‍યું છે કે હું બીજા શહેરમાં રહી મેકઅપ આર્ટીસ્‍ટ તરીકે કામ કરુ છું. થોડા દિવસ પહેલા રાજકોટ નાકની સારવાર માટે આવી હતી. ડોક્‍ટરને બતાવ્‍યા બાદ માતાના ઘરે આરામ કરવા રોકાઇ હતી. ૨૨/૯ના સાંજે છએક વાગ્‍યે હું અને મારી બહેન તથા બહેનપણી બહાર ગયા હતાં. રાતે સાડા દસેક વાગ્‍યે પરત આવ્‍યા બાદ  આશરે અગિયારેક વાગ્‍યે હું ઉપરના રૂમમાં કપડા બદલવા ગઇ હતી. તે વખતે બારીમાં મારી નજર પડતાં કોઇ વાંકડીયા અને મોટા વાળવાળી વ્‍યકિત મોબાઇલ ફોનથી મારો વિડીયો ઉતારતો હોય તેવું લાગતાં હું ફટાફટ કપડા બદલી પરિવારજનોને નીચેના રૂમમાં જાણ કરવા ગઇ હતી.

એ પછીઅગાસીએ જઇને જોતાં કોઇ જોવા મળ્‍યું નહોતું. એ પછી પડોશી વિજયભાઇને અવાજ કરી મારા ઘરના લોકોએ બોલાવતાં તે થોડીવાર સુધી બહાર ન આવતાં મને શંકા ગઇ હતી કે વિડીયો ઉતારનાર વિજય જ છે. એ પછી વિજય બહાર આવતાં મેં તેના ઘરે સીસીટીવી કેમેરા હોઇ તેને કહેલું કે અમારી અગાસી પર કોઇ શંકાસ્‍પદ આવ્‍યું હતું જેથી કેમેરા ચેક કરવા છે. પણ આ સાંભળી વિજયએ મારા કેમેરા બરાબર ચાલતા નથી, ચોંટે છે તેમ કહેતાં મને વધુ શંકા ઉપજી હતી.

આ પછી અમે પોલીસને ફોન કરતાં  પોલીસ આવી ગઇ હતી. પોલીસ વેનના ઇન્‍ચાર્જ દ્વારા વિજયનો ફોન ચેક કરતાં તેમાં હું કપડા બદલતી હોય તેવો વિડીયો મળી આવ્‍યો હતો. આ પછી અમે ફરિયાદ નોંધાવી હતી. વિજયએ મકાનની કોમન દિવાલ ટપી અગાસીએ આવી અમારા ઘરની બારીમાંથી વિડીયો ઉતારી લીધો હતો. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં  ગુનો દાખલ કરવામાં આવતાં વધુ તપાસ પીએસઆઇ પી. એચ. પરમારે હાથ ધરી છે. આરોપીને પોલીસે સકંજામાં લીધો છે. તે માર્ક મિડીયા વર્કસ નામે ધંધો કરે છે અને તેને સંતાનમાં એક દિકરી છે.

(1:18 PM IST)