<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની તુરતમાં જાહેરાત : સ્‍થાનીક તમામ મુરતીયાઓની બાદબાકી

કુલપતિના પ્રતિષ્‍ઠીત પદ માટે સ્‍થાનીક ઉમેદવારોનું ભારે લોબીંગ છતાં અન્‍ય યુનિવર્સિટીની જેમ બહારના શિક્ષણકારોની નિમણુંકની શક્‍યતા વધી

રાજકોટ તા. ૨૩ : છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યકારીઓના સહારે ચાલતી બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને હવે ટુંક સમયમાં કાયમી કુલપતિ મળનાર હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ ૨૦૨૧માં કુલપતિ પદેથી ડો. પેથાણીની નિમણુંક બાદ છેલ્લા ત્રણ વર્ષથી ગીરીશ ભીમાણી, નિલાંબરીબેન દવે અને હાલમાં ડો. કમલ ડોડીયા કાર્યકારી ધોરણે કુલપતિ પદે રહીને સેવા આપી રહ્યા છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કુલપતિ શોધ કમિટિની લાંબા સમય બાદ તાજેતરમાં બેઠક મળી હતી.

વીસી સર્ચ કમિટિની બેઠકમાં કુલપતિ પદ પામવા ઇચ્‍છુક ૮૦થી વધુ મુરતિયાઓનો બાયોડેટા ચેક કરવામાં આવ્‍યો હતો. જેમાં રાજકોટના ડો. કમલ ડોડીયા, ડો. નિલાંબરીબેન દવે, ડો. ગીરીશ ભીમાણી, કમલેશ જાની, ડો. ભરત રામાનુજ, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, અતુલ ગોસાઇ સહિતના નામો ચર્ચામાં હતા. જેમાં સંઘ પરિવાર દ્વારા ભરત રામાનુજ, ડો. કમલ ડોડીયા અને અતુલ ગોસાઇના નામ ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી વીસી સર્ચ કમિટિએ રાજકોટ તેમજ સ્‍થાનિક મૂરતિયાઓનો બાયોડેટા તપાસ્‍યા બાદ અને અગાઉ સ્‍થાનિક કુલપતિઓની કામગીરી વિવાદાસ્‍પદ રહેતા સ્‍થાનિક મુરતિયાઓની બાદબાકી કરી અન્‍ય વિદ્વાન અધ્‍યાપકોની નિમણુંક કુલપતિ તરીકે કરવા નજર દોડાવી છે.

જાણકાર સૂત્રોના જણાવ્‍યા મુજબ કુલપતિ પદે સ્‍થાનિકને બાદ કરતા બહારના કોઇ કેળવણીકારની ટુંક સમયમાં નિમણુંક થવાના ઉજળા સંજોગો પ્રવર્તે છે

(3:37 PM IST)