<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ગુંદાવાડીના સોની વેપારી પરિવારના સામુહિક આપઘાતના પ્રયાસમાં ડીડી લેવડાવવામાં આવ્‍યું

ઘરમાં એફએસએલ અધિકારીને સાથે રાખી દવાના સેમ્‍પલ લેવામાં આવ્‍યાઃ જાણવા જોગ નોંધની ભક્‍તિનગર પોલીસ અને અન્‍ય તપાસ એ-ડિવીઝન તથા ક્રાઇમ બ્રાંચ કરશે

રાજકોટ તા. ૨૩: શહેરના ગુંદાવાડી વિસ્‍તારમાં રહેતા આડેસરા પરિવારના નવ સભ્‍યએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટનામાં ભક્‍તિનગર પોલીસે તમામ સભ્‍યોના મામલતદાર સમક્ષ ડીડી લેવડાવી તેમજ ઘરમાંથી એફએસએલ નિષ્‍ણાંતો સાથે રાખી દવાના નમુના લેવડાવ્‍યા છે.  આગળની તપાસ એ-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચની પોલીસ કરી રહી છે.

ગુંદાવાડીના ગોવિંદપરામાં રહેતા લલિતભાઇ વલ્લભદાસ આડેસરા સહિત પરિવારના નવ સભ્‍યે શુક્રવારે રાત્રે ઊધઇ મારવાની દવા સાથે ગટગટાવી હતી. બાદમાં તેમના માતા, પિતા, પત્‍નિ, પુત્ર, ભાઇ, નાના ભાઇના પત્‍નિ, ભત્રીજા અને ભત્રીજીએ પણ દવા પી લીધી હતી. આ બધા શનિવારે બપોરે સારવાર માટે હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતાં. મુંબઇના બે વેપારીએ સોનાના ઘરેણાંના વ્‍યવહારના રૂ.૧.૯૫ કરોડ નહીં ચૂકવતા આર્થિક ખેંચ સર્જાઇ હતી અને તે કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું હતું. આ મામલે પોલીસે આગામી દિવસોમાં મુંબઇના બંને વેપારીની પૂછપરછ કરવામાં આવશે. દવા પીવાની ઘટના ભક્‍તિનગર પોલીસની હદમાં બની હોઇ જાણવા જોગ નોંધ કરી પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં જરૂરી નિવેદન લેવાયા હતા. તેમજ મામલતદારને બોલાવી ડીડી લેવડાવાયું હતું. આ ઉપરાંત ઘરમાંથી પણ એફએસએલ અધિકારીને સાથે રાખી વિઝીટ કરી દવાના નમુના લીધા હતાં.

સોનાના દાગીનાની લેતીદેતીનો વ્‍યવહાર સોની બજારમાં થયો હોઇ તે અંગે એ-ડિવીઝન પોલીસ તપાસ કરશે. જ્‍યારે વેપારીએ અરજી કરી હોઇ તેની તપાસ ક્રાઇમ બ્રાંચ કરશે. હોસ્‍પિટલના બિછાનેથી ચેતનભાઇ આડેસરાએ કહ્યું હતું કે, પોતે સોની બજારમાં પેઢી ધરાવે છે અને મુંબઇના કાલબાદેવી વિસ્‍તારમાં પેઢી ધરાવતાં -શાંત પોસ્‍ટુરે અને મુંબઇ ઝવેરી બજારમાં માહી ગોલ્‍ડ નામે પેઢી ધરાવતાં વિજય કૈલાશજી રાવલને ૩ ઓગસ્‍ટ ૨૦૨૩થી ૧૫ ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીમાં ૬૪૮૧ ગ્રામ સોનાના દાગીના મોકલ્‍યા હતા. જેના બદલામાં તેમને રૂ.૩૪૭૮ ગ્રામ ઘરેણાંના નાણાં મળ્‍યા હતા, પરંતુ બાકીના રૂ.૧,૯૫,૪૯,૩૪૭ નહીં ચૂકવતા આડેસરા પરિવાર આર્થિક સંકડામણમાં ફસાયો હતો અને અંતે કંટાળીને સામૂહિક આપઘાતની કોશિશ કરી હતી.

ચેતનભાઇ આડેસરાએ ચાર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી અને તેમાં મુંબઇના ઉપરોક્‍ત બંને વેપારીએ રૂ.૧.૯૫ કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાનું લખ્‍યું હતું. હોસ્‍પિટલમાંથી બધાને રજા અપાયે વિશેષ નિવેદન નોધાશે તેમ જણાવાયું હતું.

(4:44 PM IST)