હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આશા વર્કરનું મૃત્યુ ડેન્ગ્યુથી ? કોર્પોરેશનમાં બહેનો ઉમટયાઃ રજા ન મળવાથી તબિયત લથડતા જીવ ગુમાવ્યાનો આક્ષેપ
આરોગ્ય અધિકારી કહે છે રજા ન મળવાથી મૃત્યુ થયાનો આક્ષેપ પાયા વગરનો

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આશા વર્કર બહેનના મૃત્યુના મુદ્દે દેખાવ કરી રહેલા કર્મચારી-બહેનોની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૬)
રાજકોટ તા. ૨૩: મહાનગરપાલિકાના આશા વર્કર મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી થયાનું બહાર આવેલ છે. તેને રજાની જરૂર છતાં કોર્પોરેશન દ્વારા રજા ન અપાતા જીવન ગુમાવતા આક્ષેપ સાથે આજે મહિલાઓને કોર્પોરેશન કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. જો કે કોર્પોરેશન આરોગ્ય અધિકારીએ મીટીંગ તા. ૧ર મીએ બોલાવ્યા પછી આશા વર્કરનું મૃત્યુ તા. ૧૯ મીએ થયાનું જણાવી રજા ન મળવાથી મૃત્યુ થયાના આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો છે.
શહેરમાં ચોમાસાની વિદાય થઈ રહી છે ત્યારે જ એડિસ મચ્છરોએ હાહાકાર મચાવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેંગ્યુ વિરોધી કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. લોકોની સુખાકારી માટે આરોગ્ય વિભાગ સતત દોડધામ કરી રહ્યું છે.પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ પોતાના વિભાગમાં જ અમલવારી ન કરી ડેંગ્યુ હોવા છતાં રજા ન આપતા આરોગ્યલક્ષી કામગીરી કરતા એક આશાવર્કર મહિલાનું ડેંગ્યુના કારણે મોત નિપજ્યું છે. અને આશાવર્કરોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે દાખવો કરી મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ઉગ્ર રજૂઆત કરી હતી.
રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી રોજે રોજ કરવામાં આવી રહી છે. જેમાં અગત્યનો ફાળો આશાવર્કરોનો રહ્યો છે. મામુલી પગારમાં ધોમ તડકામાં ઘરે ઘરે જઈને રોગચાળા વિરુદ્ધ કામગીરી કરતા આશાવર્કર બહેનોની અનેક માંગણીઓ આજ સુધી પુરી થઈ નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાની પણ ફરિયાદો અનેક વખત ઉઠી છે. આરોગ્ય વિભાગમાં આશાવર્કર તરીકે કામ કરતા નયનાબેન મોલિયાને તા. ૧૩ના રોજ શંકાસ્પદ ડેંગ્યુ થયાનો રિપોર્ટ આવ્યો હતો. જેની જાણકારી ઉચ્ચ અધિકારીઓને હોવા છતાં નયનાબેનને તા. ૧૪ના રોજ યોજાયેલ મિટીંગમાં ફરજિયાત બોલાવવામાં આવ્યા હતાં. તેઓએ ડેંગ્યુ હોવાથી રજા આપવા વિનંતી કરેલ છતાં તેમને ડોર ટુ ડોર કામગીરીમાં જોતરી દેવાતા અશક્તિ અને સતત તાવના કારણે તેમને તા. ૧૮ના રોજ ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું મોત નિપજતાં આશાવર્કરોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમ જાણવા મળે છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા સેંકડો આશાવર્કર બહેનો ટાઢ તડકો જોયા વગર સતત આરોગ્યલક્ષી કામગીરી કરતા હોય છે. હાલ ચોમાસા બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા આશાવર્કર બહેનો દ્વારા ડોર ટુ ડોર કામગીરી કરી ડેંગ્યુ તેમજ અન્ય રોગચાલાની વિગતો મેળવવામાં તેમજ ફોગીંગ અને પોરાનાશાક કામગીરી કરવામાં આવી છે. પરંતુ જ્યારે કોઈ આશાવર્કર બહેન બિમાર પડે ત્યારે ખુદ આરોગ્ય વિભાગ પણ તેની તકેદારી લેતું નથી. તેવું આજે જોવા મળ્યું હતું. જેમાં નયનાબેન મોલિયા નામના આશાવર્કરને પણ શંકાસ્પદ ડેંગ્યુનો રિપોર્ટ આવવા છતાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા તેઓને મીટીંગમાં બોલાવી કામ સોંપવામાં આવતા તેમનું મોત નિપજતા આશાવર્કરોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે ન્યાય માટેની માંગણી કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી માંદગી સબબ રજા આપવાનો નિયમ હોવા છતા શા માટે નયનાબેનને રજા આપવામાં ન આવી તે સહિતના ધારદાર પ્રશ્રો ઉઠાવી ન્યાય માગ્યો હતો.










