તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
માં આશાપુરાના ધામ માતાના મઢ કચ્છ ખાતે નવરાત્રી ઉત્સવ : ર ઓકટોબરે ઘટસ્થાપન : ૧૦ મીએ હોમાદિક ક્રિયા
‘સદાય સહાય રહો માં આશાપુરા સન્મુખ રહો ગણેશ, રક્ષા કરો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ' : માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે : તા. ૧૦ ના રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે શ્રીફળ હોમવિધિ અને તા. ૧૧ ના શુક્રવાર સવારે ૯.૩૦ કલાકે મહારાજકુમાર હનુમંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રીતીદેવી દ્વારા માં આશાપુરાને સવારે જાતર (પત્રી) ચડાવાશે : નવરાત્રી દરમિયાન દર્શનનો સમય સવારે પ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધીનો રહેશે

રાજકોટ : ભક્તિ અને શક્તિનો અનુપમ સંગમ એટલે નવરાત્રીપર્વ! કચ્છની ધન્ય ધરામાં દેશદેવી માં આશાપુરાનું ભવ્ય મંદિર આવેલુ છે. જે ૧૪મી સદીનું ભવ્ય તીર્થધામે છે. જયાં આસો નવરાત્રી તથા ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. મા આશાપુરાનું સ્વરૂપ અજોડ અને એલોકિક છે. જ્યા આસો નવરાત્રી તા. ૨ ઓકટોબરના બુધવાર ભાદરવા વદ અમાસના રાત્રે ૨ વાગ્યે ઘટસ્થાપન થશે. આશોસુદ ૧ ના તા.૩ના ગુરૂવારથી નવરાત્રી પ્રારંભ થશે. તા. ૧૦ના આસો સુદ ૭ ના રાત્રે ૧૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવીધી ગોર મહારાજશ્રી મુળશંકર જોષી સમગ્ર પૂજાવિધી, શ્લોકશ્રળતિ પાઠ કરાવશે. રાજવી પરિવારના સભ્યો માઇભકતો આમંત્રિતો ઉપસ્થિત રહેશે.
હવનમાં ફૂલ ફળથી આહુતિ અપાશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૦૧.૧૫ કલાકનો છે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે. આસો સુદ આઠમ તા. ૧૧ ના શક્રવારે કચ્છ રાજપરિવાર તથા ભાયાતો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં વિધિવિધાન રાજપરિવાર મારા રાજવી મહારાજકુમાર હનુમંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રીતીદેવી મા આશાપુરા માતાજીને જાતરાપત્રી સવારે ૯ ક્લાકે ચડાવાશે. સમગ્ર્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માં આશાપુરામા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતરપત્રીનો પ્રસાદ આપે છે. આ રીતે કળયુગમાં પણ ચમત્કાર જોવા મળે છે. જેને પત્રી પ્રસાદ કહેવાય છે. મા આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક યાચના કરે છે સમગ્ર દેશમાં વસતા માઇભકતોની રક્ષા કરશો. મા આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશો. મા આશાપુરાના ભુવા દિલાવરસિંહ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ ચૌહાણ, ગજુભા ચૌહાણ, મનુભા ચૌહાણ પરિવાર ભુવા તરીકે વર્ષોથી સેવા કરે છે. માં આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ જપતાં અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે હાથ લાગ્યું તે વાહન લઇ મા આશાપુરાના દર્શન કરવા સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે ઉમટી પડે છે.
ભાવિકો મા આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણી અને મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે મા આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્યાન લાખો ભાવિકો માં આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે. સમગ્ર કચ્છ માં આશાપુણના નાદથી ગુંજી ઉઠે છે. કચ્છ ભુમી મૈમાવંતી છે. અહીં જંગડુશાની દાતારી, ભિખા કંકણની રાજભક્તિ, રામકળષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણાદાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત આત્મસમર્પણ આ ધરાને અજવાળી છે.
કચ્છી માડુ રણને ઝરણ બનાવે, રજને રજત, કચ્છનું ઝમીર ખુમારવતી પ્રજા માં આશાપુરાના દર્શન કરવા પગપાળા આવતા ભાવિકોની વિના મૂલ્યે વિના સંકોચે સેવા એજ ધર્મના ઉદેશથી નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો નાતજાતના ભેદભાવ વગર ૨૪ કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન અહીં શ્રીફળ વધેરવાની મનાઇ હોય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા જમવાની વિના મુલ્યે સંગવડ પુરી પાડવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા ખંત પૂર્વક સેવા આપે છે. માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. મા આશાપુરાની જય, બોલો રે, માવડી મઢવાળીની જય!
- વિનોદભાઇ પોપટ (મો.૯૯૭૯૯ ૦૭૨૧૮)
(3:49 PM IST)










