તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th September 2024
એલસીબી ઝોન-૨નો દરોડોઃ દારૂ-બીયર ભરેલી રિક્ષા સાથે પાર્થ અને અજય પકડાયા
માધાપર ચોકડીથી મોરબી રોડ બાયપાસ તરફ પુલ નીચે દરોડો : પાંચ ગુનાઓમાં સામેલ જય મકવાણાનું નામ ખુલ્યું: ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૪: દારૂ-જૂગારની પ્રવૃતિને ડામવા માટે શહેર પોલીસ દ્વારા થઇ રહેલી કાર્યવાહી અંતર્ગત એલસીબી ઝોન-૨ ટીમે માધાપર ચોકડી બાયપાસ પૂલ નીચેથી બે શખ્સને દારૂ-બીયરનો જથ્થો ભરેલી રિક્ષા સાથે પકડી લીધા હતાં. જ્યારે સપ્લાયર તરીકે એક રીઢા શખ્સનું નામ ખુલ્યું હતું.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ અને હેમેન્દ્રભાઇ વાધીયા તથા કોન્સ. ધર્મરાજસિંહ ઝાલાને બાતમી મળતાં મોરબી બાયપાસ પૂલ નીચે વોચ રાખી જીજે૦૩એએક્સ-૨૦૮૩ નંબરની રિક્ષા આંતરી તપાસ કરતાં અંદરથી રૂા. ૩૬૦૦ની એઇટ પીએમની ૯ બોટલ, રૂા. ૧૪૪૦૦ની ઓફિસર્સ ચોઇસની ૩૬ બોટલ તથા રૂા. ૧૮૦૦ના કિંગ ફિશરના ૧૮ બીયર મળતાં તે તથા ૫૦ હજારની રિક્ષા મળી કુલ રૂા. ૬૯૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષામાં બેઠેલા બે શખ્સો પાર્થ રાકેશભાઇ જેઠવા (ઉ.વ.૧૯-રહે. નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. ૧૭ ત્રીજો માળ) તથા અજય વજુભાઇ સરસાવડીયા (ઉ.વ.૨૨, રહે. માધાપર વૃંદાવન સોસાયટી-૫, ચામુંડા પાનવાળી શેરી)ને પકડી લીધા હતાં.
પુછતાછમાં આ બંનેએ દારૂ જય અતુલભાઇ મકવાણા પાસેથી લાવ્યાનું કબુલતાં જયની શોધખોળ થઇ રહી છે. આ શખ્સ લોધીકા, યુનિવર્સિટી, પ્ર.નગર, આજીડેમમાં દારૂ, હત્યાની કોશિષ, મારામારી, રાયોટીંગ સહિત પાંચ ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર એલસીબી ઝોન-૨ના પીએઅસાઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(3:55 PM IST)










