તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th September 2024
ન્યુડ વિડીયો કોલ, ટાસ્ક અને સેલિબ્રીટીના ફોટા લાઇક કરી કમાણી કરવાના નામે ઠગાઇઃ ૫.૨૫ લાખ સાયબર ક્રાઇમ પોલીસે પાછા અપાવ્યા
ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ બી. બી.જાડેજા, આર. જી. પઢીયાર, કે. જે. મકવાણા અને ટીમોની કામગીરી

રાજકોટ તા. ૨૪: સાયબર ફ્રોડની ઘટનાઓમાં ગઠીયાઓ રોજ લોકોને શિકાર બનાવતાં રહે છે. દરમિયાન શહેર સાયબર ક્રાઇમ પોલીસે અલગ અલગ રીતે છેતરાયેલા પાંચ લોકોને રૂા. ૫,૨૫,૦૦૦ની રકમ પરત અપાવી છે. જેમાં ન્યુડ વિડીયો કોલને આધારે બ્લેકમેઇલ કરી પડાવાયેલા નાણા, ટાસ્કમાં કમાણીના નામે, સેલિબ્રીટીના ફોટા લાઇક કરવાના નામે, હોટેલ બૂકીંગના નામે ઠગાઇ થઇ હતી.
એક અરજદારને ન્યુડ વિડીયો કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી પોલીસ કેસની ધમકી આપી રૂા. ૯૩ હજાર પડાવી લેવાયા હતાં.ત ેને ૨૪૮૪૪ કોર્ટ મારફત પરત અપાવાયા છે. બીજા અરજદારને ટાસ્ક પુરા કરવાથી નફો થશે, ઘરે બેઠા આવક થશે તેમ કહી અલગ અલગ ટ્રાન્જેકશનથી રૂ. ૯૫ હજારનું ફ્રોડ કરાયું હતું. જેને રૂા. ૯૭૧૦૭ પરત અપાવાયા છે. ત્રીજા બનાવમાં સેલિબ્રીટીઝના ફોટા-વિડીયો લાઇક કરો અને કમાણી કરો એવા પ્રીપેઇડ ટાસ્કના બહાને ૧,૪૪,૦૦૦ પડાવી લેવાયા હતાં, તેને રૂા. ૧,૨૯,૮૦૦ પરત અપાવાયા છે. ચોથા બનાવમાં એક અરજદારના ભાઇને જયપુર ફરવા જવું હોઇ ઓનલાઇન ગૂગ્લ પર હોટેલ બૂકીંગ સર્ચ કરતાં લેમન હોટેલ ટ્રીમાંથી બોલુ છું તેમ કહી ગઠીયાએ બૂકીમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટની લાલચ આપી ક્રેડીટ કાર્ડ મારફત રૂા. ૨,૮૭,૫૪૩ની ઠગાઇ કરી હતી. આ પૈકી રૂા. ૨,૦૯,૩૦૦ની રકમ પરત અપાવાઇ છે. પાંચમા બનાવમાં એક અરજદારને ગઠીયાએ ટાસ્ક પુરા કરવાથી ઘરે બેઠા કમાણી થશે તેમ કહી વળતરની લાલચ આપી ૯૫૦૦૦ ઉપાડી લીધા હતાં. જેમાંથી રૂા. ૮૩૧૦૭ પરત અપાવાયા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ બી. બી. જાડેજા, પીઆઇ કે. જે. મકવાણા, પીઆઇ આર. જી. મકવાણા, એએસઆઇ ફિરોઝભાઇ એ. શેખ, હેડકોન્સ. એમ. એમ. ટંકારીયા, દેવેન્દ્રભાઇ બાબરીયા, હરિભાઇ સોંદરવા, કોન્સ. અલ્પાબેન ડાંગર, રાજેશભાઇ, જયપાલસિંહ નકુમ, સત્યજીતસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી. લોકોને કોઇપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઓનલાઇન અપાતી લાલચોથી બચવા અને સાયબર ક્રાઇમનો ભોગ બનો તો તુરત હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:59 PM IST)










