News of Tuesday, 24th September 2024
ગુજરાતમાં ભાજપના ૭૪ લાખ સભ્યો નોંધાયાઃ બે દિ'માં વિક્રમ સર્જવાનો સંકલ્પ
ગયા વખતના ૧.૧૯ કરોડ કરતાં વધુ સદસ્યો નોંધાશેઃ પ્રદેશ સંયોજક કે. સી. પટેલની અકિલા સાથે વાતચીત : આજે અને આવતીકાલે ખાસ ઝુંબેશઃ દરેક બુથ પર ૧૦૦ થી પ૦૦ સભ્યો નોંધવાનો પ્રયાસઃ મો.નં. ૮૮૦૦૦ ૦ર૦ર૪ ઉપર મિસ્ડ કોલ કરો

રાજકોટ તા. ર૪: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સંગઠન માટે અંતર્ગત ગુજરાતમાં તા. ર સપ્ટેમ્બરથી સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઇકાલ સાંજ સુધીમાં રાજયમાં મોબાઇલ ફોન (મિસ્ડ કોલ) આધારિત પધ્ધતિથી ૭૪ લાખ જેટલા સભ્યો નોંધાય ગયા છે. પાર્ટીની ઇચ્છા રાજયમાં બે કરોડ સભ્યોની નોંધણી થાય તેવી છે. સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરેને સભ્ય નોંધણી માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. આજે અને કાલે નોંધણીની વિશેષ ઝુંબેશ છે. બે દિવસમાં વિક્રમસર્જક સંખ્યામાં સભ્યો નોંધાય તેવા પ્રયાસો છે. મો. નં. ૮૮૦૦ ૦૦ર૦ર૪ ઉપર મિસ્ડ કોલ કરવાથી પ્રાથમિક સભ્ય તરીકે નોંધવાની પ્રક્રિયા થઇ શકે છે.
રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજ સુધીમાં ૩.૮૯ લાખ સભ્યો નોંધાયા છે.
દરમિયાન સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે. સી. પટેલએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગુજરાતમાં કાર્યકરો દ્વારા સદસ્યતા અભિયાન ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૭૪ લાખ સભ્યો નોંધાઇ ચુકયા છે. ગયા વખતે સંગઠન પર્વમાં રાજયમાં ૧.૧૯ કરોડ સભ્યો નોંધાયા હતા. આ વખતે તેનાથી ઘણા વધુ સભ્યો નોંધાશે. તા. ર૪ અને રપ સપ્ટેમ્બરે બુથમાં સભ્ય નોંધણીનું વિશેષ અભિયાન છે. બે દિવસમાં બુથ દિઠ ૧૦૦ થી પ૦૦ સભ્યો અને કુલ લાખોની સંખ્યામાં સભ્યો નોંધાય તેવી નેમ છે. અગાઉના કોઇ એક કે બે દિવસમાં ન નોંધાવ્યા હોય તેટલા મોટી સંખ્યામાં સભ્યો આ બે દિવસમાં નોંધાશે ૧પ ઓકટોબર સુધી સદસ્યતા અભિયાન ચાલશે.
(4:18 PM IST)










