<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ત્રંબામાં રૈયાણી પરિવારના ઘરમાં લાખોની ચોરી

ખેડુત હરેશભાઇ રૈયાણી અને પત્‍નિ જ્‍યોત્‍સનાબેન રૈયાણી જે રૂમમાં સુતા હતાં ત્‍યાં જ ચોર ત્રાટક્‍યોઃ કંઇક સુંઘાડી બેશુધ્‍ધ કર્યાની શક્‍યતા : ચોર ભાગતી વખતે સેટીમાં અથડાતાં જ્‍યોત્‍સનાબેન જાગી ગયાઃ દેકારો થતાં ચોર વંડી ઠેંકી ઓરડીના પતરા પર કૂદકો મારી ભાગ્‍યોઃ સાતેક તોલા સોનુ અને ગાય વેંચતા આવેલા ૫૦ હજાર રોકડા ચોરાયાઃ આજીડેમ પોલીસે આરંભે શંકાસ્‍પદ જણાતી ઘટનાની તપાસ શરૂ કરી : હરેશભાઇના પુત્ર સાગરે કહ્યું-રાતે ઉંઘ ન આવતી હોઇ દોઢેક વાગ્‍યે હું બજારે ચા પીવા ગયો હતો, પોણા બે પછી ઘરે આવ્‍યો હતોઃ ત્‍યારબાદ ચોરી થઇ

જ્‍યાં ચોરી થઇ તે હરેશભાઇ રૈયાણીનું મકાન, વેરવિખેર કબાટ અને સામાન જોઇ શકાય છે, તસ્‍વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા. ૨૫: શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે મધરાતે રૈયાણી પરિવારના ઘરમાં ચોર ત્રાટક્‍યો હતો. ખેડુત અને તેમના પત્‍નિ સુતા હતાં એ રૂમમાંથી જ ચોર તેમની ઉંઘમાં ખલેલ પાડયા વગર રોકડા-દાગીના મળી લાખોની મત્તા ચોરી ગયાનું જાહેર થતાં આજીડેમ પોલીસે પહોંચી તપાસ શરૂ કરી હતી. ખેડુતના પુત્રએ જણાવ્‍યું હતું કે હું બીજા રૂમમાં સુતો હતો અને માતા-પિતા જે રૂમમાં સુતા હતાં તેનો દરવાજો અમે મોટે ભાગે ખુલ્લો રાખીએ છીએ. ચોરે કંઇક પદાર્થ સુંઘાડી દેતાં કદાચ માતા-પિતાની ઉંઘ ઉડી નહોતી. પણ ચોર ભાગવા ગયો ત્‍યારે મારા માતાની સેટી સાથે અથડાતાં તે જાગી ગયા હતાં અને ચોર ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ત્રંબા ગામે રહેતાં ખેડુત હરેશભાઇ જાદવભાઇ રૈયાણી (ઉ.વ.૫૫)ના ઘરમાં ચોરી થયાની જાણ થતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જનકસિંહ જી. રાણા સહિતની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી.

વધુ માહિતી મુજબ ખેડુત હરેશભાઇ રૈયાણીના પુત્ર સાગર રૈયાણી ગામમાં કપડાની દૂકાન ચલાવે છે. તેણે માહિતી આપતા કહ્યું હતું કે મારો મોટો ભાઇ બરોડા રહે છે. મારા પિતા ખેતી કરે છે. રાતે દોઢેક વાગ્‍યે મને ઉંઘ આવતી ન હોઇ હું બજારમાં ચા પીવા ગયો હતો. બે પોણા બે વાગ્‍યે પાછો આવી સુઇ ગયો હતો. એ પછી ત્રણેક વાગ્‍યે મારા રૂમનો દરવાજો ખખડાવાતાં જાગીને જોતાં મારા પિતા હતાં અને ચોરી થયાનું કહેતાં હું તેમના રૂમમાં જતાં મારા માતા રડતાં દેખાયા હતાં.

કબાટના દરવાજા ખુલ્લા હતાં. અંદરના ખાનાનું લોક કોઇપણ રીતે ખોલીને ચોર સાતેક તોલા સોનાના દાગીના જેમાં મંગલસુત્ર, બુટી, વીટી, લટ સહિતના હતાં તે તથા થોડા દિવસો પહેલા અમે ગાય વેંચી હોઇ તેના ૫૦ હજાર આવ્‍યા હતાં તે રકમ રાખી હતી તે ગાયબ હતી. મારા પિતાને પેશાબની તકલીફ હોઇ રાતે પાંચ છ વખત ઉઠવું પડતું હોઇ જેથી કબાટ જે રૂમમાં છે ત્‍યાં જ બાથરૂમ હોવાથી આ રૂમને અમે તાળુ મારતાં નથી. આ રૂમમાં ચોર ઘુસી ગયો હતો. માતા પિતાને કદાચ કંઇક સુંઘાડયું હોઇ શકે, જેના કારણે તેઓ ચોરી થઇ ત્‍યાં સુધી જાગ્‍યા નહોતાં. પણ ચોર ભાગતો હતો ત્‍યારે માતા માતાની સેટીમાં પગ અથડાતાં તેઓ જાગી ગયા હતાં અને બૂમાબૂમ કરતાં મારા પિતા પણ જાગી ગયા હતાં.

બહાર ભાગેલા ચોર તરફ દોટ મુકી હતી પણ તે વંડી ઠેંકી ઓરડીના પતરા પર ઠેકડો મારી ભાગી ગયો હતો. પતરાનો અવાજ પણ પડોશીઓએ સાંભળ્‍યો હતો. બાજુમાં જ મારા મોટા બાપુ સહિતના રહેતા હોઇ તે પણ જાગી ગયા હતાં. આરંભે શંકાસ્‍પદ જણાઇ રહેલી ઘટના અંગે આજીડેમ પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી. ઘટના સ્‍થળે કે આસપાસમાં સીસીટીવી કેમેરા નથી. આ ઘર જે રસ્‍તા પર આવે છે ત્‍યાં આગળ કોઇ કેમેરા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. 

(11:47 AM IST)