News of Wednesday, 25th September 2024
રેલનગરમાં લિવ ઇનમાં રહેતાં બ્યુટીશીયન તૃપ્તીબેન અને પ્રેમી અક્ષય કલોલીયાએ ફાંસો ખાઇ મોત મેળવ્યું
અગાઉ ગુરૂપ્રસાદ ચોકમાં રહેતી તૃપ્તીબેન અને અક્ષય સાતેક દિવસથી રેલનગરમાં ભાડેથી રહેતાં હતાં: મહિલાએ અનેક લોકો પાસેથી ઉછીના નાણા લીધા હતાં: એક પરિચીતને થોડા દિવસ પહેલા જ વ્યાજે નાણા અપાવવાનું કહેતાં તેણે મદદ કરવા પંદર હજાર ઉછીના દીધાની અને મુદ્દત વિત્યે પરિચીતે નાણા પાછા માંગતા બ્લોક લિસ્ટમાં મુકી દીધાની ચર્ચા : પ્રેમી અક્ષય રાતે બહારથી ઘરે આવ્યો તો પ્રેમિકા લટકતી હતી, આ જોઇ તેણે મિત્રને વોઇસ મેસેજ કરી કહ્યું કે-તૃપ્તિ હવે રહી નથી, હું પણ રહી નહિ શકું, આપઘાત કરુ છું: મિત્રએ પોલીસને જાણ કરતાં બધા રેલનગર પહોંચ્યાઃ જ્યાં બંને લટકતા મળ્યાઃ પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરીઃ ચંદ્રેશનગરમાં રહેતાં તૃપ્તિબેનના માવતરે અંતિમવિધી માટે મૃતદેહ સ્વીકાર્યોઃ અક્ષય કલોલીયા કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતો હતો, અકે બહેનથી નાનો અને અટીકામાં પિતા સાથે કારખાનુ ચલાવતો હતોઃ અમદાવાદ કામે જવાનું કહીને થોડા દિવસ પહેલા નીકળી જઇ તૃપ્તિબેન સાથે રહેતો હતોઃપંદર વર્ષ પહેલા પોતાની જ્ઞાતિમાં લગ્ન થયા બાદ તૃપ્તિબેને છુટાછેડા લીધા પછી ગેરેજ સંચાલક ભાવેશ ધ્રાંગધરીયા સાથે લવમેરેજ કર્યા'તાઃ એક દિકરાની માતા બન્યા પછી તેની સાથે છુટાછેડા લીધા હતાં: ભાવેશની જ જ્ઞાતિના અક્ષય કલોલીયા સાથે દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવી હતીઃ આર્થિક ભીંસથી પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે પોલીસની તપાસ

તસ્વીરમાં જ્યાં આપઘાતની ઘટના બની તે રેલનગર શ્રીજી રેસિડેન્સી તથા આપઘાત કરનાર તૃપ્તિબેન અને અક્ષયભાઇના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે
આપઘત કરનાર અક્ષય કલોલીયાનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૨૫: શહેરના રેલનગરમાં લિવ ઇન રિલેશનશીપથી રહેતી ત્યકતા મહિલા અને કુવંારા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે. બ્યુટી પાર્લરનું કામ કરતી ૩૭ વર્ષિય ત્યકતા મહિલાને ઇન્સ્ટાગ્રામ થકી ૨૭ વર્ષના કુંવારા યુવાન સાથે સંપર્ક થતાં દોઢેક વર્ષથી બંને એક બીજાના પ્રેમમાં હતાં. અગાઉ ગુરૂપ્રસાદ ચોકમાં રહેતી આ મહિલા અને કુંવારા યુવાને સાતેક દિવસ પહેલા જ રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. ગત રાતે પ્રેમી યુવાન બહારથી ઘરે પહોંચ્યો ત્યારે પ્રેમિકાને લટકતી જોતાં હેબતાઇ ગયો હતો. એ પછી તેણે પોતાના મોબાઇલથી મિત્રને વોઇસ મેસેજ કરી પોતાની સાથે રહેતી પ્રેમિકાએ આપઘાત કર્યો છે, હવે પોતે પણ મરી જાય છે તેમ કહેતાં મિત્રએ આ વોઇસ મેસેજની જાણ પોલીસને કરતાં મિત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચતા બંનેના મૃતદેહ લટકતા મળ્યા હતાં. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે તપાસ થઇ રહી છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ પરેશભાઇ નામની વ્યકિતએ પોલીસને ફોન કરી જાણ કરી હતી કે રેલનગર શ્રીજી રેસિડેન્સી બી-૧૦માં તેનો મિત્ર અક્ષય શૈલેષભાઇ કલોલીયા (ઉ.વ.૨૯) તેની પ્રેમિકા તૃપ્તીબેન સાથે રહે છે અને અક્ષયએ મને વોઇસ મેસેજ કરીને જાણ કરી છે કે તે બહારથી રાતે એકાદ વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે પ્રેમિકા લટકતી જોવા મળી છે અને હવે હું પણ તેના વગર રહી શકું તેમ નથી જેથી હું પણ આપઘાત કરુ છું...પોલીસને પરેશભાઇએ આ પ્રકારની જાણ કરતાં પ્ર.નગરના પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમ, એએસઆઇ ચંદ્રસિંહ ઝાલા, મનિષભાઇ ચાવડા સહિતના ફોન કરનાર પરેશભાઇને લઇને રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં બીજા માળે બી-૧૦માં પહોંચ્યા હતાં. પોલીસે અંદર જઇ જોતાં તૃપ્તિબેન (ઉ.વ.૩૭) અને અક્ષય શૈલેષભાઇ કલોલીયા (ઉ.વ.૨૯) બંનેએ ચુંદડીથી ફાંસો ખાઇ લીધો હોવાનું અને બંનેની લાશ લટકતી હોવાનું જણાતાં જરૂરી કાર્યવાહી કરી પંચનામુ કરી મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતાં. પોલીસે વિશેષ તપાસ કરતાં તૃપ્તિબેન ભાવેશભાઇ ધ્રાંગધરીયાના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં એવી વિગતો જાણવા મળી હતી કે આપઘાત કરનાર તૃપ્તિબેન બ્યુટી પાર્લરને લગતું કામ કરતાં હતાં. તેના પ્રથમ લગ્ન તેમની જ્ઞાતિમાં સોળ વર્ષ પહેલા થયા હતાં. જો કે એ લગ્ન તુરત જ તૂટી ગયા હતાં. ત્યારબાદ દસેક વર્ષ પહેલા તૃપ્તિબેનનો સંપર્ક ગુરૂપ્રસાદ ચોક નજીક કૃષ્ણનગર આસપાસ રહેતાં ગેરેજ સંચાલક ભાવેશભાઇ ધ્રાંગધરીયા સાથે થયો હતો. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં અને એક દિકરાના માતા-પિતા બન્યા હતાં.
એ પછી આજથી પાંચેક વર્ષ પહેલા તૃપ્તિબેને ભાવેશભાઇ સાથે પણ છુટાછેડા લઇ લીધા હતાં અને પોતાની રીતે એકલા રહેતાં હતાં. દિકરો ભાવેશભાઇએ પોતાની પાસે રાખ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતાં એવી વિગતો પણ જાણવા મળી હતી કે તૃપ્તિબેનના માવતર ચંદ્રેશનગર-૧૧મૉ રહેતાં હોવાનું જાણવા મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી. પિતાનું નામ મહેન્દ્રસિંહ પરમાર હોવાનું પોલીસને જાણવા મળતાં બનાવની જાણ ત્યાં કરી હતી. પરિવારે દિકરી સાથે વર્ષોથી નાતો તોડી નાખ્યાનું કહેવાયું હતું. તેણી બે ભાઇ અને એક બહેનમાં ચવેટ હતી. જો કે પરમાર પરિવારના સ્વજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી તૃપ્તિબેનનો મૃતદેહ અંતિમવિધી માટે સ્વીકાર્યો હતો. સામાજીક કાર્યકર રમણીકભાઇ પરમાર મારફત અંતિમવિધી કરાવવા તજવીજ કરી હતી.
તૃપ્તિબેન અને અક્ષય કેવી રીતે સંપર્કમાં આવ્યા તેની તપાસ પોલીસે હાથ ધરતાં અક્ષયના મિત્ર મારફત માહિતી મળી હતી કે ભાવેશભાઇ અને અક્ષય એક જ જ્ઞાતિના હોઇ એક બીજાથી પરિચીત હતાં. દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત અક્ષય અને તૃપ્તિબેન એક બીજાના સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો. અક્ષય કલોલીયા છુટક કામ કરતો હતો. તે એક બહેનથી નાનો અને કુંવારો તથા પરિવારનો આધારસ્તંભ હતો. તે પિતા સાથે અટીકામાં ડાઇ બનાવવાનું કારખાનુ ચલાવતો હતો. થોડા દિવસો પહેલા અક્ષય પોતાની ઘરે એવું કહીને ગયો હતો કે પોતે અમદાવાદ કામ માટે જઇ રહ્યો છે. તેના પિતા પણ હાલ ડાઇના માલની ડિલીવરીના કામે વાપી તરફ ગયા હતાં.
દરમિયાન તૃપ્તિબેન અને અક્ષયએ અઠવાડીયા પહેલા જ રેલનગર શ્રીજી પાર્કમાં મકાન ભાડેથી રાખ્યું હતું અને અહિ સાથે રહેતાં હતાં. અક્ષયએ આપઘાત પુર્વે મિત્રને કરેલા વોઇસ મેસેજને આધારે પોલીસ એવા તારણ પર પહોંચી હતી કે અક્ષય રાતે બહારથી ઘરે આવ્યો ત્યારે તેણે તૃપ્તિબેનની લટકતી લાશ જોઇ હતી, એ પછી આઘાતમાં તેણે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
દરમિયાન એવી વિગતો પણ જાણવા મળી છે કે તૃપ્તિબેન થોડા દિવસો પહેલા ગુરૂપ્રસાદ ચોકમાં રહેતાં હોવાનું તેને ગત તેરમીએ ઉછીના પંદર હજાર રૂપિયા આપનાર વ્યકિતએ કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હું બ્યુટી પાર્લરના કેમ્પ કરતો હોઉ અને તૃપ્તિબેન પણ બ્યુટી પાર્લરનું કામ કરતાં હોવાથી અમે અનેક વખત સાથે કેમ્પમાં જતાં હતાં. ગત તેરમીએ તેણે મને કહેલુ કે કોઇ પાસે વ્યાજે પૈસા મળે તો ગોઠવી આપો. મેં તેને કેટલા જોઇએ છે? કહેતાં તેણે પંદર હજારનું કહેતાં મેં તેને ઉછીની આ રકમ આપી હતી અને વીસમીએ પાછા આપી દેશે તેમ કહ્યું હતું. પરંતુ વીસમીએ ફોન કરતાં ફોન ઉપાડ્યો નહોતો. પછી ગુરૂપ્રસાદ ચોકમાં તેના ઘરે જતાં ત્યાં પડોશીએ કહ્યું હતું કે એ બીજે જતાં રહ્યા છે, અહિ ઘણા લોકો ઉઘરાણીએ આવે છે. આ જોતાં આર્થિક ભીંસ કારણભુત હોવાની પણ શકયતા છે. પોલીસે તપાસ યથાવત રાખી હતી.
(3:46 PM IST)










