<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગુજરાતી મચ્‍છુ કાઠિયા જ્ઞાતિના હોદ્દેદારોએ અધૂરી માહિતી સાથે આપેલા આવેદનપત્રનો ફિયાસ્‍કો

જ્ઞાતિજનોની જાણ બહાર મળતીયાઓને સાથે રાખી આવેદન પાઠવનાર હોદ્દેદારો સામે સમાજમાં વિરોધનો સૂરઃ સમાજના આગેવાન તરીકે ન શોભે એવા અભદ્ર શબ્‍દોનો ઉપયોગ, ખૂનની ધમકી અંગે અગાઉ ફરિયાદ પણ થઇ હતીઃ વિમલ ચાવડાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી

રાજકોટ તા. 25: રાજકોટ સ્‍થિત મચ્‍છુ કાઠિયા જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી મનસ્‍વી રીતે વહિવટ કરતા હોવાની સમાજમાં ભારે ટીકા થઇ રહી છે. આવા ગેરવહિવટ અંગે ફરિયાદો થતાં બની બેઠેલા હોદ્દેદારો દ્વારા જ્ઞાતિજનોની જાણ બહાર સમાજના સભ્‍યોને કહ્યા વિના પોતાના મળતીયા કહી શકાય એવા અંદરો અંદરના લોકોને સાથે રાખીને પોલીસ કમિશનરને આવેદન પાઠવ્‍યું હતું. અધૂરી માહિતી સાથે અપાયેલા આવેદન પત્રમાં રજૂ કરેલી માહિતી સત્‍યથી વેગળી અને પાયા વિહોણી હોવાથી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સમાન કળત્‍ય અંગે સમાજના પ્રતિષ્ઠિત દાતા વિમલભાઇ ચાવડા દ્વારા ઉપરોક્‍ત હદ્દેદિાર વિરૂધ્‍ધ થયેલા પોલીસ કેસ સહિતની કાનૂની કાર્યવાહીના સજ્જડ પૂરાવા પ્રેસ કોન્‍ફરન્‍સમાં રજૂ કરતા સમાજના બની બેઠેલા કથિત હોદ્દેદારોના મલિન ઇરાદાનો ફિયાસ્‍કો થયો છે. સાથો સાથ સમાજને ગેર માર્ગે દોરનારા આવા હોદ્દેદારોએ ત્‍વરીત રાજીનામા આપવા જોઇએ તેવો સૂર ઉઠ્‍યો છે.

મચ્‍છુ કાઠિયા જ્ઞાતિના પ્રતિષ્ઠિત દાતા વિમલભાઇ ચાવડાએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું કે, તેમના સમાજના બની બેઠેલા આગેવાનો વિરૂધ્‍ધ અગાઉ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. સમાજના વિશાળ હિતને ધ્‍યાને લઇને કહેવાતા હોદ્દેદારો સાથે કોર્ટમાં શરતી સમાધાન કર્યું હતું. પરંતુ વાંદરો ગુલાંટ ન ભૂલે એમ કથિત હોદ્દેદારોએ કોર્ટની શરતોનો ભંગ કર્યો હતો. તેમજ જ્ઞાતિના આગેવાન તરીકે ન શોભે એવા અભદ્ર વાણી વિલાસ અને ખૂન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પણ આઇપીસીની કલમ 506 (2) મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો હતો. આમ બની બેઠેલા હોદ્દેદારોનો અસલી ચહેરો સામે આવી જતાં અને કાનૂની રીતે ચોતરફથી ભીંસમાં ઉભી થતાં ક્રિમીનલ માઇન્‍ડ ધરાવતા હોદ્દેદારોએ તેમની વિરૂધ્‍ધ કમિટીના બીજા સભ્‍યો નવા કેસ કરશે એવી ગંધ આવી જતાં તમામ સભ્‍યોએ રાજીનામા ધરી દીધા છે. અને હવે દોષનો ટોપલો નવી કમિટી પર નાખવાનો પ્રયાસ કર્યો હોવાની સમાજના પ્રબુધ્‍ધ લોકોમાં ખુલ્લમખુલ્લી ચર્ચા થઇ રહી છે.

સમાજના આગેવાન તરીકે સમાજનો ઉત્‍કર્ષ કઇ રીતે કરવો, લોકોને કઇ રીતે આગળ વધારી શકાય એવા પ્રયાસ કરવાના બદલે સમાજને દરેક કદમ પર ખભે ખભા મિલાવીને તન,મન,ધનથી પૂરે પૂરો સહકાર આપતા દાતાઓનું ઘોર અપમાન કરવાની એક પણ તક જતી નથી કરતા. જ્ઞાતિજનો સાથે પણ અયોગ્‍ય વર્તન કરતા હોવાથી જ્ઞાતિના વડિલોમાં પણ આવા હોદ્દેદારો સામે વિરોધનો સૂર ઉઠ્‍યો છે.

સમાજના દાતા વિમલભાઇ ચાવડા દ્વારા આગામી દિવસોમાં ઉપરોક્‍ત હોદ્દેદારો વિરૂધ્‍ધ આઇપીસીની કલમ 500 મુજબ બદનક્ષીની ફરિયાદ નોંધાવાયા તેવી શકયતા પણ જણાવી હતી.

(3:30 PM IST)