News of Wednesday, 25th September 2024
નાર્કોટીક્સની પ્રવૃતિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની મિટીંગ યોજાઇઃ યુવા વર્ગમાં જાગૃતિ લાવવા લંબાણ પુર્વક ચર્ચા
જેસીપી મહેન્દ્ર બગડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડીસીપી, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના એચઓડી, વિવિધ વિભાગો, એજન્સીઓના અધિકારીઓ, પ્રતિનિધીઓ હાજર રહ્યા

રાજકોટઃ શહેરમાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે કાર્યરત જુદા જુદા વિભાગો અને એજન્સીઓ પરસ્પરના સંકલનમાં રહી સંયુક્ત રીતે કામ કરી શકે તે માટે ‘નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર -એનસીઓઆરડી' મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં નાર્કોટીક્સને લગતા ગુના અટકાવવા શહેર પોલીસે જનજાગૃતિ માટે કરેલી કામગીરીની સમિક્ષા તથા માદક પદાર્થોના સેવન, વેંચાણની પ્રવૃતિઓ અટકાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો મારફત સંબંધીત વિભાગો દ્વારા કરવાની થતી પ્રવૃતિઓની વિસ્તૃત ચર્ચા થઇ હતી. ઇન્ટરનેટના માધ્યમથી પણ હાલમાં માદક દ્રવ્યોના સેવનનું પ્રમાણ વધી રહ્યું હોઇ યુવા વર્ગમાં આ અંગે વધુ જાગૃતિ આવે અને આવા પદાર્થનું સેવન અટકે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી રીતે કરી શકાય? તેની બેઠકમાં લંબાણપુર્વક ચર્ચા થઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં જેસીપી મહેન્દ્ર બગડીયાની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ મહેક જૈન, વિમલકિર્થ ચક્રવર્તી, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના એચઓડી ડો. ભગીરથસિંહ માંજરીયા, જીએસટી ઓફિસર હાર્દકુમાર ઠાકર, મારવાડી યુનિવર્સિટીના પ્રતિનિધિ નિતીન ચવણ, ડ્રગ ઇન્સ્પેક્ટર તેજલ મહેતા, દર્શન યુનિવર્સિટીના હાર્દિક આચાર્ય, જીલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ પરમાર, આસી. સોશિયલ વેલફેર ઓફિસર શિવાલી લાંબા, માહિતી અધિકારી રાજકુમાર સાપરા, આત્મીય યુનિવર્સિટીના ડો. હિરેન કવઠીયા, સિવિલ હોસ્પિટલના ડો. કે. જે. નથવાણી, કલેક્ટર કચેરીના પ્રતિનિધિ વર્ષાબેન વેગડા, તોલમાપ અધિકારી એમ. એસ. નિનામા, કે. આર. વરૂ, એફએસએલ અધિકારી આર. એ. જાદવ, સમાજ સુરક્ષા અધિકારી ડો. મિલનકુમાર પંડીત, આરકે યુનિવર્સિટીના ડો. હર્ષલ બી. તથા આરએમસીના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણી ઉપસ્થિત રહ્યા હતાં.
(3:50 PM IST)










