તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th September 2024
શિવમ કોમ્પલેક્ષના ઓફીસ ધારકો યાજ્ઞીક રોડથી અવરજવર કરી શકે એ રીતે મ્યુ.કોર્પો.નાલુ બનાવવા પતરાની આડશો મુકે
કોર્પોરેશન નવુ નાલુ ભલે બનાવે પણ પાડાના વાંકે પખાલીને ડામ ન લાગે તે જોવા રજુઆત : કોમ્પ્લેક્ષથી દૂર યાજ્ઞિક રોડથી કાર, સ્કૂટરની અવરજવર થઈ શકશે તો નાના ધંધાર્થીઓ ધંધો કરી શકશે

રાજકોટ, તા.૨૫: ગયા વર્ષે ગણપતિ ઉત્સવ દરમ્યાન થયેલી દુર્ઘટના બાદ યાજ્ઞીક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકના શિવમ કોમ્પ્લેક્ષનો સ્લેબ તુટી પડતા કોર્પોરેશન દ્વારા સમગ્ર કોમ્પ્લેક્ષ સીલ કરી દેવામાં આવ્યા બાદ હવે એક વર્ષ બાદ રીનોવેશન-સ્ટેબીલીટીની તમામ ફોર્માલીટી પૂર્ણ થયે તંત્ર દ્વારા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનો અને ઓફીસો ખોલવા પરવાનગી આપી દેવામાં આવતાં કોમ્પ્લેક્ષના ૨૦૦ જેટલા ઓફીસ ધારકોમાં આનંદની લાગણી પ્રસરી છે અને હવે ટુંક સમયમાં બન્ને કોમ્પ્લેક્ષ ધમધમતા થઈ જશે પરંતુ કોમ્પલેક્ષના ઓફીસ ધારકોની માંગણી છે કે કોર્પોરેશન દ્વારા ચોકમાં નિર્માણ પામનાર નાલા માટે પતરાની આડશો એવી રીતે મુકાવી જોઈએ કે ઓફીસ ધારકો અને ગ્રાહકો યાજ્ઞીક રોડ પરથી પણ અવર જવર કરી શકે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યાજ્ઞીક રોડ ક્રોસ કરી નાગરિક બેંક સુધી ચોકની મધ્યમાંથી નાલુ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ટેન્ડર પણ મંજુર થઈ ગયા છે અને ટુંક સમયમાં આ માટેની કાર્યવાહી પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે ત્યારે આ કોમ્પલેક્ષના ધારકોની માંગણી છે કે કોર્પોરેશન દ્વારા નાલુ બનાવવા માટે સલામતી અર્થે પતરાની આડશો બિલ્ડીંગથી દૂર વાહનો આવી શકે તે રીતે રાખવા સુચન છે કે જેથી યાજ્ઞીક રોડ પરથી પણ કોમ્પ્લેક્ષમાં પ્રવેશ લઈ શકાય અને યાજ્ઞીક રોડથી કાર, સ્કૂટર વગેરે ચાલી શકે. એવી પણ માંગણી છે કે એક વર્ષથી આ કોમ્પ્લેક્ષના ધંધાર્થીઓ નવરા ધૂપ બેઠા હતા અને તેઓને ઘણું નુકસાન થયુ છે અને હવે નવરાત્રિ અને દિવાળીના દિવસો આવી રહયા છે અને તેમાં કમાણી થઈ શકે તેમ છે તેથી આડશો એવી રીતે મુકવામાં આવે કે યાજ્ઞીક રોડનો ટ્રાફીક પણ આ કોમ્પલેક્ષ તરફ આવી શકે. યાજ્ઞીક રોડ તરફનો રસ્તો ખુલ્લો હશે તો જ ગ્રાહકો આવી શકશે.
શિવમ કોમ્પલેક્ષના ઓફીસ ધારકોની એવી પણ માંગણી છે કે કોર્પોરેશન જયારે પણ નાલુ બનાવવાનું શરૂ કરે તો તેનું કામ પણ વ્હેલીતકે પૂર્ણ થાય તે તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરે કે જેથી ઓફીસ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઓફીસ ધારકોની એવી પણ માંગણી છે કે સર્વેશ્વર ચોકની આન, બાન અને શાન ફરી પ્રસ્થાપિત થવી જોઈએ.
(3:59 PM IST)










