<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સારવાર સંબંધેનો વ્‍યાજબી ખર્ચ વિમા કંપની નક્કી કરી શકે નહિઃ ગ્રાહક તકરાર ફોરમે આપેલ મહત્‍વનો ચુકાદો

વિમા કંપનીએ આંખની સર્જરીની ખર્ચની પુરી રકમ નહિ ચુકવતાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ થયેલ હતી

રાજકોટ,તા. ૨૭: ગ્રાહક તકરાર નિવારણ કમીશન- રાજકોટ દ્વારા ગ્રાહક તરફે તર્કબધ્‍ધ ચુકાદો આપ્‍યો હતો કે, સારવાર સંબંધેના વાજબી ખર્ચ વિમા કંપની નક્કી કરે શકે નહીં વિમા કંપનીએ આંખની કેટરેકટ સર્જરીના ખર્ચની પુરી રકમ ન ચુકવતા ફરીયાદ દાખલ થયેલ હતી. જેમાં મહત્‍વનો ચુકાદો ગ્રાહક ફોરમે આપેલ છે.

રાજકોટના ચિરાગ નટવરલાલ જસાણી છેલ્લા ૧૧ વર્ષથી વધારે સમયથી ઓરીએન્‍ટલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીની મેડીક્‍લેઈમ પોલીસી ધરાવતા હતા. વર્ષ ૨૦૨૩ માં તેમને જમણી તથા ડાબી આંખમાં ઓછું દેખાતુ હોવાની તકલીફ થતા પ્રાથમિક નિદાન કરાવેલ જેમાં આંખમાં ઓછુ દેખાતુ હોવાને લઈ જમણી તથા ડાબી આંખમાં કેટરેકટ ની સારવાર કેશુભાઈ મહેતા આઈ હોસ્‍પિટલમાં સારવાર મેળવેલ હતી. અને બંને આંખની સારવાર પાછળ કુલ રૂા.૧,૭૭,૦૯૭/- અંકે રરુપિયા એક લાખ સૈત્‍યોતેર હજાર સતાણું પુરા નો ખર્ચ થયેલ હતો. વિમા કંપનીએ જમણી તથા ડાબી આંખના મળી માત્ર ક્‍લેઈમના રૂા.૪૮,૦૦૦/- અંકે રૂપિયા અડતાલીસ હજાર પુરા મંજુર કરેલ હતા વિમાં કંપનીની TPA દ્વારા મુખ્‍યત્‍વે૨૪,૦૦૦નો ખોટો અને ઉપજાવી કાઢેલ હવાલો દઈ ક્‍લેમની રકમ રુપિયાઃ ૧,૨૯,૦૯૭ અંકે ખોટી અને ગેરકાયદેશર રીતે નામંજૂર/કપાત કરેલ જેથી ચિરાગ નટવરલાલ જસાણી દ્વારા તેમના એડવોકેટ શેલેન્‍દ્રસિંહ આર. જાડેજા મારફત રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન- અધિક સમક્ષ વિમા કંપની વિરુધ્‍ધ કલેઇમની રકમ મેળવવા ફરીયાદ દાખલ કરેલ હતી.

વિમા કંપનીએ તેમના બચાવમાં પોલીસીની શરતો મુજબ વાજબી અને રુઢીગત ખર્ચથી મેળવેલ સારવારનો ખર્ચ વધારે હોય તેવુ કારણ ધરી કલેઇમની પુરી રકથ ચુકવેલ ન હતી. ફરીયાદીની મુખ્‍ય રજુઆત એવી હતી કે સારવારમાં રીઝનેબલી અને કસ્‍ટમરી ચાર્જ કોને કહેવાય તેનો પોલીસીમાં કોઇ સ્‍પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ ન હતો તેમજ રીઝનેબલી અને કસ્‍ટમરી ચાર્જ કેટલો રાખવો તે વિમા કંપનીને નક્કી કરવા કોઇ હકક, અધિકાર કે સતા નથી બીજી બાજુ વિમા કંપની પણ ફરીયાદી દ્વારા સારવારમાં કરવામાં આવેલ ખર્ચ વધારે હોય તેવુ સાબીત કરી શકયા ન હતા.વાજબી,રુઢીગત અને જરુરી ખર્ચ અંગે નામદાર કમીશન દ્વારા માર્ગદર્શક સિધ્‍ધાંતો પ્રસ્‍થાપિત કરેલ છે, ત્‍યારે વિમા કંપની દ્વારા કરવામાં આવેલ કપાત તદ્દન ખોટી રીતે કરવામાં આવેલ છે. અને વિમા કંપનીએ સેવામાં ખામી સર્જેલ હોવાનું પ્રસ્‍થાપિત થાય છે તેવુ ફોરમે માન્‍ય રાખ્‍યુ હતુ.ગ્રાહક કમીશને ફરીયાદીની ખોટી અને ગેરકાયદેશર રીતે નામંજૂર/કપાત કરેલ રકમ વાર્ષિક ૯ ટકા વ્‍યાજ તથા ફરીયાદ ખર્ચના રુપિયા ૫૦૦૦ સાથે દિવસ-૩૦ માં ચુકવી આપવા રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન- અધિક ના પ્રમુખ જજ સાહેબ શ્રી કે.એમ.દવે તથા સભ્‍ય શ્રી ટી.જે.સાંકલા દ્વારા હુકમ ફરમાવેલ છે. ફરીયાદી ચિરાગ નટવરલાલ જસાણી વતી લોમેટીકસ એસોશીયેટ ના એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા, સંદિપ આર.જોષી,કેતન વી. જેઠવા, શુભમ આર.જોષી, દેવેન્‍દ્રસિંહ એસ. જાડેજા રોકાયેલ હતા.

(2:27 PM IST)