<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાજકોટ એરપોર્ટને ‘‘કેશુભાઇ''નું નામ આપો : નેતાલોગ ‘‘બાપા''ને ભૂલ્‍યા

પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. કેશુભાઇ પટેલના પૂત્ર ભરતભાઇ પટેલ સનસનાટી મચાવે છે : ખોડલધામ-ઉમીયાધામે ‘‘બાપા''નો ભરપુર ઉપયોગ કર્યોઃ અમરેલી અને રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા પરંતુ હવે તેમને ભૂલી ગયા છે : દિવ્‍ય ભાસ્‍કર સાથેની મુલાકાતમાં ભરતભાઇએ વેદના ઠાલવી : ર૭ ઓકટોબરે પાટીદારોને એક કરવા રાજકોટમાં કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા. ૨૭: અમરેલી અને રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા પરંતુ હવે તેમને ભૂલી ગયા છે. રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઇનું નામ આપો. બાપાને પદ્મભૂષણ એવોર્ડ આપ્‍યો એ ઓછું કહેવાય. આદર આપવાથી શું થવાનું છે? ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ વેદના છે ગુજરાત ભાજપના ભીષ્‍મ પિતામહ કેશુભાઇ પટેલના પુત્ર અને ભાજપના સભ્‍ય ભરત પટેલની.

૨૯મી ઓક્‍ટોબરે કેશુભાઇ પટેલની પુણ્‍યતિથિ છે. તેમને સ્‍મરણાંજલિ આપવા માટે અને પાટીદારોને એક કરવા માટે ૨૭મી ઓક્‍ટોબરે રાજકોટમાં એક કાર્યક્રમ યોજાવાનો છે. ટીમે કાર્યક્રમના આયોજકોની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. આ દરમિયાન અમે આયોજકોને પૂછયું કે કાર્યક્રમ કેશુબાપાને લગતો છે તો શું તમે તેમના પરિવારની સહમતી લીધી છે? આયોજકોએ હા, પાડતા અમે કેશુભાઇના પરિવારનો સંપર્ક કર્યો હતો.

કેશુબાપાના પુત્ર ભરત પટેલ સાથે વાત કરી હતી. તેમણે વાતચીતમાં સહજ રીતે પોતાની હૈયાવરાળ ઠાલવી છે. ભરત પટેલે જણાવ્‍યું કે, આ કાર્યક્રમ માટે મારે કુર્મી સેના સાથે ટેલિફોનિક વાતચીત થઇ છે અને મેં હા પણ પાડી છે. મને પણ આમંત્રણ આપવાના છે. મારો પ્રયાસ રહેશે કે હું એ કાર્યક્રમમાં હાજર રહું. કેશુબાપાનું ઘણું મોટું યોગદાન છે. તેમને વીસરી જવા એ પણ એક મોટી અને ખોટી વાત છે.

તેઓ આગળ કહે છે કે, અમરેલીના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા, રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇ અને ચીમનભાઇની નીચે તૈયાર થયા હતા પણ હવે તેઓ ભૂલી ગયા છે. કોઇ વટવળક્ષ હોય તેના છાંયડામાં બેઠા હોઇએ તો તેને યાદ તો કરવું પડે ને કે અમે આ વટવળક્ષના છાંયડામાં બેઠા હતા. સ્‍વાર્થનું રાજકારણ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોટા મોટા એરપોર્ટ ખૂલ્‍યાં, બ્રિજ બન્‍યા પરંતુ કોઈને કેશુભાઈ પટેલનું નામ અપાયું નથી. સામે ચાલીને નામ આપવું જોઈએ જેથી નવી પેઢી અને જૂના લોકોને બાપા યાદ રહે પણ આવું કોઈએ કર્યું નથી.

કેશુભાઇને મળેલા પદ્મભૂષણ એવોર્ડનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, પદ્મભૂષણ એવોર્ડ આપ્‍યો એ સારી વાત છે, કેશુભાઇનું સન્‍માન જાળવ્‍યું પણ એ ઓછું કહેવાય. તેમણે પોતાની જિંદગીના ૭૫થી ૮૦ વર્ષ રાજકારણ માટે ખર્ચી નાખ્‍યા હતા. તેમણે આજીવન યોગદાન આપ્‍યું હતું.

તેમણે જણાવ્‍યું કે, ખોડલધામ અને ઉમિયાધામ કેશુભાઇને આગળ નથી કરી રહ્યા તેવું લાગે છે. જ્‍યારે જરૂર હતી ત્‍યારે કેશુભાઇનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ખોડલધામનો વિચાર જ કેશુભાઇનો હતો. તેઓ જણાવે છે, રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલનું નામ આપવું જોઇએ. ગોકુળિયું ગામ, ચેક ડેમ જેવી યોજનાઓને હાઇલાઇટ કરીને લોકો સુધી પહોંચાડવી જોઇએ તો જ નવી પેઢીને કેશુબાપાના યોગદાન વિશે ખબર પડે.

તેમણે ઉમેર્યું કે, મારી કોઈ માંગ પણ નથી આ એક સામાન્‍ય વાત છે. બાપાનું ગુજરાત અને રાજકોટમાં બહુ મોટું યોગદાન છે. આજે કોઈ તેમને યાદ કરવા માંગતા હોય તો મારે સાથ આપવો જોઈએ. જે કાર્ય કુર્મી સેના કરે છે તેને મારું સમર્થન છે. એ લોકોનો કોઈ પોલિટિકલ એજન્‍ડા નથી.

 અહેવાલ બાદ રાજ્‍યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ભરત પટેલની માગનું સમર્થન કર્યું છે. તેમણે સોશ્‍યલ મીડિયા પર કરેલી પોસ્‍ટમાં લખ્‍યું છે કે, રાજકોટના હિરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલનું નામ આપવાની ભરત પટેલની માગનું હું સમર્થન કરૂં છું. કેશુભાઇ પટેલ સૌરાષ્‍ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્‍યમંત્રી પણ રહી ચૂકયા છે. તેમના નામે એરપોર્ટનું નામકરણ કરવું એ ગર્વની વાત હશે.

કેશુબાપાના પુત્ર ભરત પટેલ પ્રદેશ ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્‍ય છે. તેઓ કેશુબાપાની સીટ વિસાવદર પરથી ચૂંટણી પણ લડી ચૂકયા છે.જેની છત્રછાયામાં ગુજરાતમાં ભાજપનો પાયો નખાયો, ગામડાઓ ખૂંદીને જેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો તે કેશુભાઇ પટેલ સંઘના પ્રચારકથી ગુજરાતના મુખ્‍યમંત્રીની ખુરશી સુધી પહોંચ્‍યા હતા.

કાર્યક્રમનો કોઇ મુખ્‍ય ચહેરો નથી તેવા દાવા સાથે તેઓ કહે છે કે, પાટીદાર સમાજનો નાનામાં નાનો વ્‍યક્‍તિ અમારા માટે મહત્ત્વનો છે એટલે કોઈ મુખ્‍ય કે કોઈ નાના વ્‍યક્‍તિ નથી બધા જ મુખ્‍ય કહેવાય. નામ લઈ કોઈને મનદુઃખ થાય કે વિવાદ થાય તેવું કરવું નથી. લોકો માટે જાહેર કાર્યક્રમ કરવાના છીએ પછી એમાંથી કોઈ વિવાદ થાય એવું ઇચ્‍છતા નથી. જાહેર આમંત્રણ આપ્‍યું છે છતાં પણ રાજકોટની આજુબાજુ જેટલી પણ પાટીદાર સમાજની નાની મોટી સંસ્‍થાઓ ચાલે છે એ સંસ્‍થાના દરેક આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે અને અમે તેમને આમંત્રણ આપીશું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત બહારની વાત કરીએ તો બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર કુર્મી છે, આંધ્રના મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ કુર્મી છે. શરદ પવાર પણ કુર્મી સમાજના છે. તેમણે વધુમાં કહ્યું કે, શકય હોય તો અમારે મર્યાદિત કાર્યક્રમ કરવો છે પરંતુ લોકો ઇચ્‍છતા હશે કે બહારથી મોટા આગેવાનોને બોલાવવા જોઈએ તો અમે તેમનો સંપર્ક કરીશું. કેશુબાપાને સારામાં સારી રીતે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકાય તેવો કાર્યક્રમ હશે. અમે સાહિત્‍યકાર બોલાવીશું. કેશુબાપાએ જે કામ કર્યા તેની માહિતી સમાજને અને યુવાનોને આપીશું. તેમના પુસ્‍તકનું પણ વિમોચન કરીશું એવું પણ પ્‍લાનિંગ છે. કેશુબાપાએ કરેલાં કામો અને તેમનું યોગદાન લોકો સુધી લઈ જઇશું.

કાર્યક્રમની તારીખ અંગે તેમણે જણાવ્‍યું કે, આમ તો બાપાની તિથિ ૨૯ ઓક્‍ટોબરે આવે છે પણ એ દિવસે ધનતેરસ હોવાથી અમે બે દિવસ પહેલાં એટલે કે ૨૭મી ઓક્‍ટોબરે કાર્યક્રમ કરીશું. રાજકોટ તો નિમિત્ત માત્ર છે. જે લોકો આ કાર્યક્રમમાં નહીં આવી શકે તેમનો પણ સંપર્ક કરીશું. ગામડે ગામડે ચાલતાં અમારા પાટીદાર સંગઠનોને જાણ કરીશું કે તમે હાજર ન રહી શકો તો તમારા વિસ્‍તારમાં આવા કાર્યક્રમનું આયોજન કરો.

ચિરાગ પટેલે કહ્યું કે કેશુભાઈ ફક્‍ત પાટીદાર સમાજના જ નહીં પરંતુ સર્વ સમાજના નેતા હતા. ગુજરાતના વિકાસનું કામ કેશુભાઈ સરકારથી ચાલુ થયું હતું એટલે દરેક લોકોની ફરજ બને છે કે તેમને શ્રદ્ધાંજલિ આપે. જે પણ લોકો કેશુબાપાને માન-સન્‍માન આપવા માંગે છે તે દરેકે કાર્યક્રમ કરવો જોઈએ. જે લોકો કેશુબાપાની આંગળી પકડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના સિંહાસન પર બિરાજે છે તે લોકો કે બીજા રાજકીય લોકોએ કેશુબાપાને યાદ નથી કર્યા. એટલે સમાજના મોભી તરીકે અમારી ફરજ બને છે કે કેશુબાપાના યોગદાનને યાદ કરીએ. ભાજપ શું કરે છે, કોંગ્રેસ શું કરે છે એ અમારો વિષય નથી. (દિવ્‍ય ભાસ્‍કરના જીજ્ઞેશ કોટેચાના અહેવાલમાંથી સાભાર)

 

(4:04 PM IST)