તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
રિક્ષાચાલક દિપકને છરી ઝીંકાઇ, પછી મારકુટ કરતાં હોય તેવો વિડીયો ઉતાર્યો
જુના મોરબી રોડ જકાતનાકા પાસે બનાવઃ લોકો ભેગા થઇ હુમલાખોરો અર્જુન રામાવત, કરણ રામાવત અને ગંઢી તથા અજાણ્યો ભાગી ગયાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર રિક્ષાચાલક યુવાનને ચાર શખ્સોએ જુના મનદુઃખને કારણે છરીથી ઇજા કરી તેમજ ઢીકાપાટુનો માર મારતાં અને તેનો વિડીયો પણ બનાવતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જુના મોરબી રોડ પર કે. કે. ધોળકીયા સ્કૂલ નજીક ખોડિયારપરા-૨માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં દિપકભાઇ જીવણભાઇ રામવાત (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અર્જુન રામાવત, તેના કાકાના દિકરા કરણ રમાવત અને ફઇના દિકરા ગંઢી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
દિપકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૨૪મી તારીખે રાતે અગિયારેક વાગ્યે મારા શેઠ સોહીલભાઇની રિક્ષા લઇ મોરબી રોડ જકાતનાકા પાસે અવધ હોટલ પાસે ગયો હતો અને ફ્રુટ લેવા ઉભો હતો. આ વખતે એક કાર આવી હતી. તેમાં અર્જુન છરી લઇને ઉતર્યો હતો. તેણે મને હાથની આંગળીમાં ઘા મારી દીધો હતો. તેમજ અર્જુનના કાકાના દિકરા કરણ અને ફઇના દિકરા ગંઢી તથા એક અજાણ્યાએ પણ મોઢા પર વાંસામાં હાથમાં ધોકાથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં કરણ મને મારતો હોય તેવો વિડીયો ઉતાર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ ચારેય ભાગી ગયા હતાં.
મેં મારા મિત્રને ફોન કર્યો હતો અને રિક્ષા મારફત હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સારવાર લીધા બાદ હવે ફરિયાદ નોંધાવી હતી. અગાઉના મનદુઃખનો ખાર રાખી આ લોકોએ હુમલો કર્યો હતો. હેડકોનસ. એચ. એમ. કોઠીવાળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:37 PM IST)










