તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
જૈનમ-કામદાર રાસોત્સવઃ સાથી સંસ્થાઓનો સહયોગ
જૈન સમાજને એક તાંતણે બાંધવાનો ઉદ્શ્યઃ આ વખતે લેઝર શોનું પણ આયોજન

રાજકોટ : ‘જૈનો તો જૈનમમાં જ રમે' એવી ટેગલાઇન જેની આગવી ઓળખ છે તેવા જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ ર૦ર૪ ની તમામ તૈયારીઓ તેનાં આખરી ચરણ પર છે. સમસ્ત જૈન સમાજ જયાં એક સુત્રતાથી બંધાઇને માં જગદંબાની આરાધના સાથે નવરાત્રીનું પર્વ રાસોત્સવ દ્વારા માણે છે સતત સાતમાં વર્ષે એ જ સ્થળ પર યોજાવા જઇ રહેલ આ રાસોત્સવમાં આયોજકો દ્વારા દિર્ઘ દ્રષ્ટિ, માઇક્રોપ્લાનીંગ, વિવિધ કમીટીનાં કાર્યકર્તાઓનાં ટીમ વર્ક દ્વારા રાસોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેમાં વિવિધ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.
જૈનમ નવરાત્રી મહોત્સવમાં એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ, સંગીતકાર પંકજભાઇ ભટ્ટનાં નેજા હેઠળ સાજીંદાઓની ટીમ ગાયક કલાકારો, સ્પે. લાઇટીંગ ઇફેકટ સાથે લાખો સ્કે. ફુટમાં બનેલા પ્લેગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મુકીને રાસોત્સવ માણે છે. વાહનો માટે ફ્રી પાર્કિંગ, દર્શકો માટે અલાયદી બેઠક વ્યવસ્થા, ગઝેબો, અવનવી પ્યોર જૈન વાનગીઓ પીરસતુ ફુડ કોર્ટ, ખેલૈયાઓનાં પરિવારો તેમને ઘરે બેઠા રમતા જોઇ શકે તે માટે રોજેરોજનું લાઇવ પ્રસારણ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી કરવામાં આવે છે.
ખેલૈયાઓ માટે રોજેરોજની અલગ-અલગ થીમ દ્વારા વૈવિધ્યતા પૂર્ણ માહોલ, રોજેરોજની સરપ્રાઇઝ આર્ટ કે જે નેઇલ આર્ટ, ટેટુ, બીંદી, મહેંદી વગેરે જેવા આર્ટનો લાભ પણ ખેલૈયાઓને આપવામાં આવે છે. સિઝન પાસ હોલ્ડર ખેલૈયાઓને અવનવા સ્ટેપ્સ શિખવા માટે દર વર્ષે ફ્રી દાંડીયા કોચીંગ કલાસનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વખતે સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓને ત્રણ દિવસનાં કપલ વ્યુઅર્સ પાસ પણ વિનામુલ્યે આપવામાં આવનાર છે. ખેલૈયાઓને તંદુરસ્તીની ચિંતા કરતા જૈનમ દ્વારા આ વર્ષે સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ માટે પ્રિ-નવરાત્રી હેલ્થ ચેક-અપ પેકેજ પણ આપવામાં આવ્યુ છે. જેમાં નજીવા દરે ખેલૈયાઓ પોતાની ફીઝીશ્યન પાસે તપાસ, ઇ. સી. જી., સુગર સહિતનાં નિદાન કરાવી શકશે.
રોજેરોજના વિજેતા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે. ફાઇનલમાં વિજેતા થનાર ખેલૈયાઓને બાઇક, સ્કુટર, ગોલ્ડ જવેલરી, ટીવી, એસી, ફ્રીજ, વોશીંગ મશીન, સાઇકલ સહીતનાં લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ વખતે એક દિવસ લેઝર શો યોજવામાં આવ્યો છે. જેમાં તમામ લોકોને નિયોજન બ્રેસલેટ આપીને વાતાવરણને અદભુત બનાવવામાં આવશે. રોજ થોડા સમય માટે ડી.જે. દ્વારા ખેલૈયાઓ ફ્રી સ્ટાઇલમાં મન મુકીને નાચી શકશે.
રાષ્ટ્રભકિત ઉજાગર કરતી થીમ પણ રોજ યોજવામાં આવશે. રાષ્ટ્રગીત પર ત્રિરંગોઓ લહેરાવીને ખેલૈયાઓ દર્શકો, દાતાઓ, મહેમાનો વિગેરે દેશભકિતનાં માહોલ ખડો કરે છે. તેમ જૈનમ પરિવારના જીતુભાઇ કોઠારી, સુજીતભાઇ ઉદાણી અને જયેશભાઇ વસાએ જણાવેલ.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હિતેશભાઇ મહેતા, વિભાશભાઇ શેઠ, જયભાઇ ખારા, હેમલભાઇ શાહ, ચેતનભાઇ કામદાર, ભાવીનભાઇ ઉદાણી, બકુલેશભાઇ મહેતા, જીતુભાઇ લાખાણી તથા પારસભાઇ શેઠ, અમીષભાઇ દેસાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:25 PM IST)










