News of Sunday, 29th September 2024
વિરાણી હાઈસ્કૂલ પાછળ રેવન્યુ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના: વાળ ખરીદવાના ઓઠા હેઠળ આવેલી સાસુ વહુએ વૃધ્ધાના હાથ પકડી સોનાની માળા લૂંટી: એક પકડાઈ ગઈ

રાજકોટ: શહેરમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. વિરાણી હાઈસ્કૂલ પાસે રેવન્યુ સોસાયટીમાં રહેતા ભાનુબેન ત્રિભુવનદાસ હરીયાણી (ઉ.વ. ૮૫)ના ઘરમાં ઘુસી સરોજ રમેશભાઈ સોલંકી અને તેની પુત્રવધૂ સોનલે તેના બંને હાથ પકડી ગળામાંથી રૂા. ૧.૪૨ લાખની કિંમતની સોનાની માળાની લૂંટ કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ ભાનુબેને પોલીસને જણાવ્યું કે, તે - પતિ સાથે આજે સવારે ઘરે હતા ત્યારે દરવાજો ખટખટાવવાનો અવાજ આવતા તે ખોલવા ગયા હતા. જ્યાં બંને આરોપી ઉભા હોય તેણે ‘તમારે વાળ વેચવા હોય તો કયાં, અમે ૧૦૦ ગ્રામના ૫૦૦ આપીશું' કહેતા તેને ના પાડી હતી, ત્યારબાદ બંનેએ ‘અમને પાણી તો પીવડાવો' કહેતા તે પાણી ભરવા ઘરમાં ગયા હતા. આ સમયે તેની પાછળ-પાછળ ગયેલી બંને આરોપી તેના બંને હાથ પકડી ગળામાંથી રૂા.૧.૪૨ લાખની કિંમતની સોનાની માળાની લૂંટ કરી ભાગી ગયા હતા. બુમાબુમ થતાં લતાવાસીઓએ ભાગવાનો પ્રયાસ કરતી એક આરોપીને પકડી લીધી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઇ છે. એ ડિવિઝન પોલીસ વધુ તપાસ કરે છે.
(10:21 AM IST)










