News of Monday, 30th September 2024
હું ઘર પરિવારને મદદ ન કરી શકી, બીજાનું જોઇને ઓવરથીંકીંગ કરતી'તી...ચિઠ્ઠી લખી રાજકોટમાં માંગરોળની જીજ્ઞેશાનો આપઘાત
મેટોડા સિલ્વર કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતીઃ એક ભાઇથી નાની હતીઃ સાથે રહેતી રૂમ પાર્ટનર યુવતિ બહારથી આવી ત્યારે ઘટનાની જાણ થઇઃ છતના હુકમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દુનિયા છોડીઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૩૦: શહરેના યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટીમાં અન્ય ત્રણેક યુવતિ સાથે રૂમ રાખી પેઇંગ ગેસ્ટ રહેતી મુળ માંગરોળની યુવતિએ રાતે છતના હુકમાં દૂપટ્ટો બાંધીને દેહ લટકાવી દુનિયા છોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ તુરત પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. આપઘાત કરનારના પરિવારજનો પણ રાજકોટ પહોંચ્યા હતાં. પોલીસે તપાસ કરતાંરૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે-હું ઘર પરિવારને મદદ ન કરી શકી, હું બીજાનું જોઇને ઓવરથિંકીંગ કરતી હતી...આ સહિતની વિગતો તેણે બે પાનામાં લખી હતી. આ જોતાં તેણી માનસિક રીતે હતાશ થઇ જવાને કારણે કદાચ આ પગલુ ભર્યાના તારણ પર પોલીસ પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાવર હાઉસની બાજુમાં પેરેમાઉન્ટ સોસાયટી-૪માં રહેતી જીજ્ઞેશાબેન લક્ષમણભાઇ કાથડ (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ઘનશ્યામભાઇએ કરતાં યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, એએસઆઇ યશવંતભાઇ ભગત, રાઇટર જયશ્રીબેન સહિતનાએ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.
પોલીસે તપાસ કરતાં એવી વિગતો જાણવા મળી હતી કે આપઘાત કરનાર જીજ્ઞેશાબેન કાથડ મુળ જુનાગઢના માંગરોળની વતની હતી અને એક ભાઇથી નાની તથા માતા-પિતાની એકની એક દિકરી હતી. તેણી રાજકોટ માં અઢી વર્ષથી રહેતી હતી અને જ્યાં બનાવ બન્યો ત્યાં પેરેમાઉન્ટ સોસાયટીમાં અન્ય ત્રણેક યુવતિ સાથે અઢી મહિનાથી રહેતી હતી. પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. તે મેટોડાની સબ મર્શીબલ પંપ બનાવતી સિલ્વર કંપનીમાં નોકરી કરતી હતી અને પોતાના પરિવારને મદદરૂપ થતી હતી.
ગઇકાલે રવિવાર હોઇ રજા હતી. તેની સાથે રહેતી અન્ય સખીઓ બહાર ગઇ હતી. ત્યાંથી તે જીજ્ઞેશાબેનને ફોન જોડતી હતી, પરંતુ તેણી ફોન રિસીવ કરતી ન હોઇ રૂમ પાર્ટનર યુવતિઓ રૂમ ખાતે પહોંચી ત્યારે જીજ્ઞેશાબેનને લટકતી જોતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તુરત જ ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ તેના તબિબે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં રાતે જ તેણીના પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતાં. પોસ્ટમોર્ટમ બાદ રાતે જ મૃતદેહને અંતિમવિધી માટે માંગરોળ લઇ જવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જીજ્ઞેશાબેનના રૂમમાં તપાસ કરતાં એક બે પેઇજની સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણીએ હું ઘર પરિવારને મદદ ન કરી શકી, બીજાને જોઇને હું ઓવરથિંકીંગ કરતી હતી...આ સહિતની વિગતો હતી. અન્ય કોઇપણ જાતના આક્ષેપો કે બીજી વિગતો નથી. આ લખાણ જોતાં તેણી હતાશ થઇ ગયાનું તારણ નીકળ્યું હતું. અંતિમવિધી બાદ પોલીસ પરિવારજનોના, રૂમ પાર્ટનર સખીઓ સહિતના વિશેષ નિવેદન નોંધશે. આ બનાવથી કાથડ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:04 AM IST)










