News of Monday, 30th September 2024
રાજકોટ જિલ્લા ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૧૦૩ કરોડઃ નફો ૧૨.૧૯ કરોડ : મંડળીઓને ૧૫ ટકા ડીવીડન્ડ
અકસ્માત વીમા કવચ યથાવત : પનીર પ્લાન્ટ સ્થાપવાની ગોરધનભાઇની જાહેરાત

રાજકોટ જિલ્લા (ડેરી) દૂધ ઉત્પાદક સંઘની જામકંડોરણા ખાતે વાર્ષિક સાધારણ સભા પ્રસંગે ભૂપેન્દ્રભાઇ પટેલ, મનસુખ માંડવિયા, કુંવરજી બાવળિયા, દિલીપ સંઘાણી, ભાનુબેન બાબરિયા, જયેશ રાદડિયા વગેરે ઉપસ્થિત રહેલ. ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ ગૌરવગાથા વર્ણવી હતી. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૩૦ : જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની ૬૪મી વાર્ષિક સાધારણ સભા કુમાર છાત્રાલય, જામકંડોરણા મુકામે રાખવામાં આવેલ. આ સમારંભ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકનાં ચેરમેન અને જેતપુર મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, કૃષિ અને પશુપાલન વિભાગનાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા, જળ સંપતિ વિભાગનાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય વિભાગનાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સહકાર વિભાગનાં મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકો-ન્યુ દિલ્હીનાં ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, નાફેડ - ન્યુ દિલ્હીનાં ચેરમેનશ્રી જેઠાભાઈ આહિર, ગુજરાત સ્ટેટ કો.-ઓપ. બેંકનાં ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ.શ્રી બી.કે.સીંઘલ, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેંકનાં વા.ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ અધ્યક્ષશ્રી ગોવિંદભાઈ રાણપરીયા તેમજ સંસદસભ્યો, ધારાસભ્યો અને સહકારી આગેવાનો હાજર રહયા હતા.
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ ૬.૧૪% વધેલ છે જેથી સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ ૧૭% વધારો થયેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા.૨૫ ‘મિલ્ક ફાઈનલ પ્રાઈઝ' માટે રૂા. ૨૧.૯૭ કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂા. ૮૪૩ ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા.૫૩વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.૧૨.૧૯ કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને ૧૫% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.૪.૭૮ કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂા.૨૬.૭૫ કરોડ પરત ચુકવશે.
દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ, લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેચાણ વધારવા પ્રયત્નો કરેલ છે. સંઘે ગત વર્ષની સરખામણીએ દૂધનાં વેચાણમાં ૪.૫%, દહીંનાં વેચાણમાં ૧૬%નો વધારો થયેલ છે. સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહે તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.
સંઘે ૮૦૭ કાર્યરત દૂધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ ૪.૧૨ લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૬.૧૪% છે. આગામી વર્ષમાં પણ દૂધ સંપાદનમાં વધારો થાય તે માટે સંઘના નિયામક મંડળનાં પ્રયત્નો રહેશે. સંઘ પશુપાલનની તકનીકી સેવાઓ મારફતે દૂધ ઉત્પાદકો માટે પશુ સંવર્ધન, સારવાર અને માવજતનાં કાર્યક્રમો કરે છે. સંઘે માદા બચ્ચા ઉછેર કાર્યક્રમમાં ૫૫૩૪ માદા બચ્ચાનો વૈજ્ઞાનિક પધ્ધતિઓ ઉછેર કરી આ યોજનામાં રૂા.૩.૨૭ કરોડની સહાય દૂધ ઉત્પાદકોને ચુકવેલ છે. ફર્ટીલીટી ઈમ્પ્રુમેન્ટ પ્રોગ્રામમાં ૪૬૫૬ વંધ્ય પશુઓ ગાભણ થયેલ છે.
સંઘે ૬૯૪ દૂધ મંડળીઓ સાથે જોડાયેલા ૪૦ હજાર દૂધ ઉત્પાદકોને રૂા.૧૦ લાખનાં ગૃપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે ૧૦૦% વિમા પ્રિમીયમ લેખે રૂા. ૧૨૯.૩૩ લાખ પ્રિમીયમની રકમ દૂધ ઉત્પાદકો વતી ભરેલ હતી. ગત વર્ષે ૧૧ દૂધ ઉત્પાદકોનું અવસાન થતા તેના વારસદારોને રૂા.૧૧૦ લાખની રકમ વિમા કંપની પાસેથી મંજુર કરાવીને ચુકવેલ હતી. આ વર્ષે પણ રૂા.૧૦ લાખની ગૃપ અકસ્માત વિમા પોલીસી ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.
દૂધ મંડળીઓ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની વિશ્વસનીયતા વધે તે માટે રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ કુલ ૮૫૫ દૂધ મંડળીઓમાંથી ૨૦૨ દૂધ મંડળીઓનાં ૧૮૦૫૪ દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં મિલ્ક ફાઈનલ ભાવની રકમ રૂા.૫.૫૦ કરોડ ડાયરેકટ જમા કરાવેલ છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની ૨કમ ડાયરેકટ જમા કરવાની પહેલ કરતો પ્રથમ દૂધ સંઘ છે.
દૂધ સંઘનાં ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેકટરશ્રી જયકિશન ગાબરાએ વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં ૫% વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે જે માટે ૩૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વૈચાણ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજય સરકારશ્રીની સહાયથી પ્રતિ દિન ૨ ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે તેમજ દહીં ઉત્પાદન કેપેસીટી ૩૦ ટન પ્રતિ દિવસ અને ઘી ઉત્પાદન કેપેસીટી ૧૪ ટન પ્રતિ દિવસ કરવાનું આયોજન છે. જે રાજય સરકારશ્રીનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. દૂધની ગુણવતાની ચોકસાઈ પૂર્વક ચકાસણી થાય તે માટે તમામ શીત કેન્દ્ર/યુનીટો ઉપર આધુનિક FT મશીન રાજય સરકારની ગ્રાન્ટમાંથી ખરીદ કરીને મુકવામાં આવેલ છે. ગુજરાત સરકારની રાજય પુરસ્કૃત યોજનાની મંજુર થયેલ ગ્રાન્ટની મદદથી નવા વિંછીયા ચીલીંગ સેન્ટરના બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે અને કાર્યરત થઈ ગયેલ છે.
(11:46 AM IST)










