તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
બેંક સાથે છેતરપીંડીના ગુનામાં બાવીસ વર્ષથી ફરાર રાજકોટના શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડે પુણેથી પકડયો
ખોટા દસ્તાવેજને આધારે અલ્હાબાદ બેંકમાંથી લોન લઇ લેતાં ભક્તિનગર પોલીમસાં ગુનો નોંધાયો હતો પુણેમાં સ્થાયી થઇ પ્રાઇવેટ નોકરી કરતો હતોઃ બીજી કામગીરીમાં ડીસીબીના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર શખ્સને પાંચવડાથી પકડી લેવાયોઃ પીઆઇ સી.એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયાની ટીમની કાર્યવાહી સજાના વોરન્ટમાં ૬ માસથી ફરાર લલીતને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો

રાજકોટ તા. ૩૦: શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી ફરાર હોય તેમજ સજાના વોરન્ટ નીકળ્યા બાદ ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવાની કામગીરી દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે બાવીસ વર્ષથી ભક્તિનગર પોલીસના ઠગાઇના ગુનામાં ફરાર શખ્સને પુનાથી પકડી લીધો છે. જ્યારે ડીસીબીના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર શખ્સને પાંચવડા ગામેથી પકડયો છે. બીજી તરફ સજાના વોરન્ટમાં છ મહિનાથી ફરાર શખ્સને ગાંધીગ્રામમ પોલીસની ટીમે દબોચ્યો છે.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૨માં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ઠગાઇનો ગુનો દાખલ થયો હતો. જે તે વખતે આરોપી નૈમિષ વિનોદભાઇ કાથરાણી (જે હાલ ૪૭ વર્ષનો છે) તે ભાગી ગયો હતો. પોલીસ આ શખ્સની શોધખોળ કરતી હતી પણ તે મળ્યો નહોતો. દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનામાં સામેલ શખ્સ નૈમિષ હાલ પુના-પુણે ખાતે રહે છે. તેના આધારે ટીમ ત્યાં પહોંચી હતી.
પુણેમાં ફલેટ નં. ૧૦૩, એ-વીંગ ૧૮, લેટીટયુટ ફેઇઝ-૧ ગાયકવાડનગર રોડ ખાતેની નૈમિષ કાથરાણીને પકડી લઇ ભક્તિનગર પોલીસને સોંપાયો છે. તેના વિરૂધ્ધ અલ્હાબાદ બેંકમાં ખોટા બાનાખત રજીસ્ટર કરી લોન મેળવી લેવાનો ગુનો ૨૦૦૨માં નોંધાયો હતો. પુણે જઇ તે પ્રાઇવેટ નોકરી કરતો હતો. થોડા સમય પહેલા તેના પરિવારને પણ ત્યાં લઇ ગયો હતો.
બીજા બનાવમાં ડીસીબી પોલીસના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર રાજુ વેલાભાઇ મકવાણા (ઉ.વ.૪૫-રહે. પાંચવડા તથા ખેરાણાની સીમ તા. ચોટીલા)ને પાંચવડાથી પકડી ડીસીબીને સોંપાયો છે. ૨૦૧૬માં દારૂનો ગુનો નોંધાયો તેમાં નામ ખુલ્યું ત્યારથી ફરાર હતો.
જ્યારે અધિક જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એ. પી. દવેની કોર્ટ મારફત ફોજદારી કેસ ૨૦૨૦નું સજાનું વોરન્ટ નીકળતાં તેમાં છ મહિનાથી લલીત મનસુખભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૫૬-ચાનો ધંધો, રહે. કલ્યાણ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧ ત્રીજો માળ, આઝાદ ચોક, રૈયા રોડ)ને ગાંધીગ્રામ ડી. સ્ટાફના હેડકોન્સ. શબ્બીરખા મલેક, કોન્સ. રોહીતદાન ગઢવીની બાતમી પરથી પકડી લેવાયો હતો.
તમામ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ સી.એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, મશરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, શબ્બીરખાન મલેક, કોન્સ. રોહિતદાન, મુકેશભાઇ, પ્રદિપભાઇ, રઘુવીરસિંહ, પ્રશાંતભાઇ, ભરતભાઇએ કરી હતી.
(1:56 PM IST)










