<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ડેન્‍ગ્‍યુનો ઉપાડો ઘરે ઘરે રોગચાળો વકર્યો

શહેરમાં ડેન્‍ગ્‍યુના ૩૨, ટાઇફોડના ૪, કમળાના ૨ કેસ : ૮૨ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્‍ટી-તાવ-શરદી-ઉધરસના ૨ હજારથી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૧૬ સ્‍થળોએ તપાસઃ ૫૧૮ને નોટીસઃ ૬૬ હજારનો વહીવટી ચાર્જ લેવાયો

રાજકોટ તા. ૩૦: શહેરમાં છેલ્લા સપ્તાહમાં વરસાદી વાતાવરણના કારણે ઘરે ઘરે રોગચાળો  દેખાય રહ્યો  છે. દીવસે ને દીવસે મચ્‍છરજન્‍ય ડેંગ્‍યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૨ હજાર દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના  દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૨૩ થી ૨૯ સપ્‍ટે.  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૩૨ કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૩૨, મેલેરીયા તથા ચિકનગુનીયાનો એકપણ  કેસ નોંધાયો નથી.  સીઝનનાં મેલેરીયાના ૨૬, ડેન્‍ગ્‍યુના ૨૨૨ તથા ચિકનગુનિયાના ૨૭ કેસ નોંધાયા છે.  ડેન્‍ગ્‍યુ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

શરદી-તાવના  ૨૦૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૭૪ તેમજ સામાન્‍ય તાવના ૬૩૭ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૩૦ તથા ટાઇફોડનો ૪  સહિત કુલ ૨ હજારથી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ  સબબ ૫૧૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૧,૭૯૦  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૫૦થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૧૮  લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૬૬ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.

(2:31 PM IST)