News of Monday, 30th September 2024
૪ મકાનોમાં ચોરી, પાંચમાં પ્રયાસ કરી ફરીથી રેકી કરતા'તા ત્યાં રીઢા તસ્કર બાપ-બેટો પકડાઇ ગયા
છરી, કાતર, ગણેશિયો, પકડ, બેટરી સાથે રાખતાં: માથે વિગ પહેરી બુકાની બાંધી ત્રાટકતાં: બાપ ૧૫ ગુનામાં, દિકરો ૧૧ ગુનાઓમાં સામેલઃ ગાંધીગ્રામ-યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારને બે મહિનાથી ધમરોળતા'તા જેલમાં ગયા, છુટીને ફરી ચોરીઓ ચાલુ કરીઃ રાજસ્થાનના વતની પિતા-પુત્રને એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે.વી. ગોહિલ, રાજેશભાઇ, શક્તિસિંહ, રાહુલભાઇ સહિતની ટીમે દબોચ્યા

રાજકોટ તા. ૩૦: શહેરના ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે માસ દરમિયાન બંધ મકાનોમાં ત્રાટકી તરખાટ મચાવનારા રાજસ્થાનના પાલી જિલ્લાના રાની તાલુકાના રાહુલ ઉર્ફે પંડિત બાદલભાઇ બંજારા (ઉ.વ.૫૧-રહે. બાદલો સોમેશ્વ ઇન્દ્ર કોલોની તા. રાની જી. પાલી રાજસ્થાન) અને તેના પુત્ર બાદલ (ઉ.વ.૨૩)ને રાજકોટ એલસીબી ઝોન-૨ટીમે પકડી લઇ ચાર ઘરફોડી, એક બાઇક ચોરી અને પાંચ મકાનમાં ચોરીની કોશિષનો ભેદ ઉકેલ્યો છે. આ બંને જેલમાં હતાં અને છુટતાની સાથે જ ફરી તરખાટ મચાવવાનું ચાલુ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ એલસીબીની ટીમ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ રાજસ્થાની બાપ-બેટાને શીતલ પાર્ક પાસે બાઇક સાથે પકડી લીધા હતાં. આ બંને બંધ મકાનની રેકી કરતાં હતાં ત્યારે જ સાણસામાં આવી ગયા હતાાં. આરોપી રાહુલ ઘરફોડીમાં પાસા તળે રાજકોટ જેલમાં હતો. જ્યારે તેનો પુત્ર બાદલ ઘરફોડીમાં જામનગર જેલમાં હતો. બંને બે મહિના પહેલા છૂટયા હતાં. બંને રાજસ્થાનથી ખેડા આવ્યા હતા. જ્યાંથી એક બાઇક ચોરી કરી રાજકોટ પહોંચ્યા હતાં. નિર્મલા રોડ પરથી વધુ એક બાઇક ચોરી કરી તેમાં બેસી ચોરીઓ કરવાનું શરૂ કર્યુ હતું. બંને બાઇક લઇ બંધ મકાનની રાત્રે કે દિવસે રેકી કરતાં. સાથે છરી, કાતર, ગણેશિયો, પકડ, બુકાની અને ટોર્ચ વગેરે પણ રાખતા હતા. રાહુલ માથામાં વિગ અને મોઢે બૂકાની બાંધતો હતો. જ્યારે બાદલ પણ મોઢે બુકાની બાંધી લેતો હતો. રાહુલ ચોરી કરવા જતો જ્યારે બાદલ બહાર વોચ રાખતો હતો. રાહુલ મકાનના દરવાજાનું તાળુ પકડથી તોડી, અંદર ઘૂસી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી લેતો હતો.
વધુ માહિતી મુજબ છેલ્લા બે માસ દરમિયાન છોટુનગર, ગુણાતીતનગર, પૂજા પાર્ક અને છેલ્લે બજરંગવાડીમાં ઘરફોડી કરી હતી. બજરંગવાડીમાં એક સાથે પાંચ મકાનમાં ત્રાટકયા હતાં. જો કે તેમાં એકેયમાંથી કંઇ મળ્યુ નહોતું. તેમજ રૈયા રોડ પરની સૌરભ સોસાયટી, યુનિવર્સિટી રોડ પરની નિલકંઠનગર સોસાયટી, બજરંગવાડી નજીકની પુનિતનગર સોસાયટી, શ્યામનગર સોસાયટીમાં આવેલા બંધ મકાનોમાં ચોરીની કોશિષ પણ કરી હતી. બંને પાસેથી રોકડ, બાઇક, ચાંદીના સાંકળા મળી રૂા. ૭૯૮૩૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ઝડપાયેલા રાહુલ સામે રાજસ્થાન, સુરત, જામનગરમાં ચોરી સહિતના ૧૫ જ્યારે બાદલ સામે રાજકોટ, જામનગરમાં ચોરીના વગેરે મળી ૧૧ ગુના નોંધાયેલા છે. આ બંને રીઢા તસ્કર બાપ-બેટાને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા, ગાંધીગ્રામના પ્રદિપભાઇ ડાંગર અને રોહિતદાન ગઢવીએ દબોચ્યા હતાં.
(2:54 PM IST)










