News of Monday, 30th September 2024
વીર શહીદ ભગતસિંહની જન્મજયંતિઃ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી
કોર્પોરેટરોની પાંખી હાજરીઃઆંગળીના વેઢે ગણાઇ તેટલા જ નગરસેવકો દેખાયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮ના શહીદ વીર ભગતસિંહની ૧૧૭મી જન્મ જયંતિ નિમિતે, તેઓની શહીદ વીર ભગતસિંહ ગાર્ડન, યુનિવર્સીટી રોડ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ ધારાસભ્યો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આંગળીના વેઢે ગણાય તેટલા માત્ર ૭ જ પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ વીર ભગતસિંહ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતા ભગતસિંહ ૨૦ કિ.મી. પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા. અસહકાર ચળવળ વર્ષો સુધી ચાલી હતી. આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ ચળવળ વર્ષ ૧૯૨૦થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. શહીદ વીર ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટરો ડો.રાજેશ્રીબેન ડોડીયા, નરેન્દ્રસિહ વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રાજનીભાઈ ગોલ, વોર્ડના એસ. આઈ., એસ. એસ. આઈ. તથા સાંસ્કૃતિક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
(3:05 PM IST)










