<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

પ્રાચીન સંસ્‍કૃતિ સંગ ધોળકીયા સ્‍કુલનો નવરાત્રી મહોત્‍સવ

સર્વ મંગલ માંગલ્‍યે... શિવ સર્વાથ સાધિકે... શરણ્‍યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્‍તુતે... : ધોળકીયા સ્‍કુલની ૩૦૦ દિકરીઓ પ્રાચીન રાસની રમઝટ બોલાવશે : લાઇવ સંગીતના સથવારે કલાત્‍મક રાસ રજૂ કરશે : આસો નવરાત્રી મહાપર્વની ઉજવણીની ટ્રસ્‍ટી જીતુભાઇ ધોળકીયાના નેતૃત્‍વમાં શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા તૈયારીઓ ધમધમાટ : ફેસબુક અને યુ-ટયૂબ ઉપર લાઇવ પ્રસારણ થશે

અકિલા કાર્યાલય ખાતે નવરાત્રી મહાપર્વની વિગતો વર્ણવતા ટ્રસ્‍ટી જીતુભાઇ ધોળકીયા, આચાર્યશ્રી વિરાંગનાબેન ગઢીયા, માહીબેન કૌર, નેહલબેન ગાંધી, પારૂલબેન સોમૈયા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૩૦ : આસો માસની મહાનવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે મા આદ્યશકિતની આરાધનામાં ધોળકિયા સ્‍કૂલ સૌને જોડવા આતુર છે.

આસો સુદ એકમથી આસો સુદ નોમ સુઘીમાં-નવદુર્ગાની ભકિત - પૂજા - અર્ચના - આરાધના કરવા માટેનું મહાપર્વ ‘નવરાત્રી પર્વ' નવલા નોરતાની એ જ પરંપરાને અનુસરવા - સંસ્‍કૃતિની ગરિમા જાળવવા અને ધર્મની ઘરોહરનું જતન કરવાના શુભ-આશયથી ‘મા આદ્યશકિતની ભકિત' મા નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી મા અંબા - નવદુર્ગાના  વધામણા કરવા ધોળકિયા શાળા પરિવાર થનગની રહ્યો છે.

‘મે તો શણગાર્યો ચાચર ચોક રે, કે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા' આવા પરંપરાગત ગરબાને જીવંત રાખવા સતત પ્રયાસ કરતી ધોળકિયા સ્‍કૂલની ભવ્‍યાતિભવ્‍ય પ્રાચીન ગરબીનાં ગરબા નિહાળવાનો લ્‍હાવો દરેક વર્ષે જી. કે. ધોળકિયા સ્‍કૂલને યુનિવર્સિટી રોડના આંગણે ચાચર ચોકમાં લઈએ છીએ....

મા પાવા તે ગઢથી ઉતર્યા,

હાલોને માળી ગરબે રમાડું

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ - રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ સંસ્‍કાર અને કુશળ નેતૃત્‍વના ગુણો વિકસાવવામાં સૌરાષ્‍ટ્રભરમાં ખ્‍યાતનામ છે. સાથે-સાથે આ બાળકોમાં ભારતીય સંસ્‍કૃતિની ઘરોહર સમાન મહાનતમ ધાર્મિક ઉત્‍સવ સ્‍વરૂપ ‘મા નવદુર્ગાના' પ્રાચીન રાસ-ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરી... બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્‍કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું રોપણ કરે છે. જેના ભાગરૂપે ધોળકીયા સ્‍કૂલ્‍સની બાળાઓ માતૃવંદના કરવા, માના ગુણલા ગાવા, માને રાજી કરવા થનગની રહી છે.         દાંડિયા, કરતાલ, બેડાં, દીવડાં, ટિપ્‍પણી, મંજીરા, તલવાર, ત્રિશુલ, ઘડા, દિવા, ખંજરી, લહેરિયા રૂમાલ, વિંઝડા, થાળી, ચુની, માંડવી અને અન્‍ય વિવિધ સાધનો વડે મા અંબાની ભકિત કરી, ગુણગાન ગાઈ માને રીઝવવાના સ્‍તુતિમય પ્રયાસો કરાય છે.

ગરબે ઘુમતી, રૂમઝૂમ કરતી, ઝાંઝર ઝમકાવતી, દિવડા પ્રગટાવતી અને મા નવદુર્ગાના શકિતસ્‍વરૂપનાં ગુણલાં ગાતી સાક્ષાત્‌ જગદંબા સ્‍વરૂપા ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ની    બાળાઓ જયારે સંપૂર્ણ મર્યાદા સાથે મા ની ભકિતમાં અને સુમઘુર સંગીતના તાલે તાલ  મિલાવી - ભારતીય ભાતીગળ વેશભૂષામાં સજજ બની મંચસ્‍થ થઈ મા આદ્યશકિતની સ્‍તુતિ, આરતી, વંદના અને મા અંબા-જગદંબાના ગુણગાન ગાવા માટે માના વિવિદ્ય રૂપ, ગુણ, સૌદર્ય અને મા ના પરાક્રમોના પ્રશંસાત્‍મક પ્રાચીન ગરબા વડે સુમધુર સંગીતના સથવારે - તાલબદ્ધ - વૈવિઘ્‍યસભર કૃતિઓ પીરસશે ત્‍યારે નવલાં નવરાતની દરેક રાતમાં આદ્ય શકિતને રીઝવવાનું અનોખું પર્વ બની રહેશે. જેને નિહાળવું, અનુભવવું, માણવું એ પણ એક અમૂલ્‍ય અને અવિસ્‍મરણીય લ્‍હાવો હશે.

છેલ્લા નવ વર્ષથી ધોળકિયા સ્‍કૂલના સમગ્ર ટ્રસ્‍ટીગણ, આચાર્યગણ, સ્‍ટાફગણ તથા સમગ્ર વિદ્યાર્થી તથા વાલીગણે જહેમત ઉઠાવી છે. જે વર્તમાન ગરબીમાં પણ પરોક્ષ રૂપથી સહભાગી બન્‍યા છે.

આ ઝડપથી કરવટ બદલતી સંસ્‍કારિતા અને સંસ્‍કૃતિના કપરા સમયમાં પણ મા જગદંબાની ભકિત, આરાધના અને સાધનાનું મૂલ્‍ય જળવાઈ રહે તેવા સ્‍તુત્‍ય અને સઘન પ્રયત્‍નો ધોળકિયા શાળા પરિવાર દ્વારા થઈ રહ્યો છે, અર્વાચીન દાંડિયા રાસનાં અગણિત આયોજનોમાં પ્રાચીન ગરબીને પ્રાધાન્‍ય આપી લોકોને પ્રાચીનતાના દર્શન કરાવવાનો આ પ્રયાસ એ અત્‍યંત પ્રશંસનીય છે.

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ રાજકોટ - છેલ્લા દસ વર્ષથી ઝોન, જિલ્લા અને પ્રાદેશિક કક્ષાના સોપાનો સર કરી પ્રથમ નંબર પ્રાપ્‍ત કરી રાજ્‍ય કક્ષાએ આ શાળાની બાળાઓ પ્રતિનિધિત્‍વ કરતી રહી છે, જે ખરેખર ગૌરવપૂર્ણ વાત છે. આ વરસે પણ પ્રાચીન  ગરબો લઈ રાજયકક્ષાએ પ્રતિનિધિત્‍વ કરવાની છે ધોળકિયા સ્‍કૂલ

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ - રાજકોટના પ્રાચીન રાસ-ગરબાને નિહાળવાં માનવ મહેરામણ જાણે ઉમટી પડે છે, જેની નોંધ લઈ આયોજકો દ્વારા સુંદર અને સુવ્‍યવસ્‍થિત વ્‍યવસ્‍થાનું આયોજન દરેક વર્ષે હોય છે.

સુમધુર સંગીતનો સથવારો સાંપડશે શ્રી એસ. ભાસ્‍કર અને તેમની સમગ્ર ટીમનો જેમાં ચિંતનભાઈ જોશી, કેતનભાઈ ટાટમિયા, ચેતનાબેન પોતાના સૂરીલા સ્‍વર દ્વારા ગરબાની પ્રસ્‍તુતિ કરશે જયારે કી બોર્ડ પર ભાસ્‍કર શિંગાળા અને હિતેશ ગૌસ્‍વામી કલા પીરસશે. રિધમમાં સેવા આપશે મિતેશભાઈ ઓઝા, રાજેશ લિંબચિયા, કેયુરભાઈ બુઘ્‍ધદેવ અને જનકભાઈ વ્‍યાસ.

નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા, મીતુલભાઈ ધોળકિયા, ધવલભાઈ ધોળકિયા અને વિરલભાઈ ધોળકિયા પોતાના અનુભવથી સુચારૂ રૂપથી સંચાલન કરી પ્રાચીન નવરાત્રી મહોત્‍સવને અનેરો ઓપ આપી રહ્યા છે.  તો સાથે મેનેજીંગ ટ્રસ્‍ટી  કૃષ્‍ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા સમગ્ર ટીમને પ્રોત્‍સાહીત કરી કાર્યક્રમની સફળતા બદલ રાજીપો વ્‍યકત કરી માની આરાધનામાં સૌને સહભાગી બનવા આમંત્રિત કરે છે. આ કાર્યક્રમને આપ લાઈવ યુ-ટયૂબ અને ફેસબુકના માઘ્‍યમથી નિહાળી શકો છો.

(3:48 PM IST)