તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
વોર્ડ નં.૧૩માં ધાર્મિક સહિતના ૪૪ ગેરકાયદે બાંધકામોનો કડુસલો
બુલડોઝર દોડયુઃ મવડી પ્લોટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ટી.પી. રોડ ખુલ્લો કરવા ૨૨ નાના મકાનો, ૨૦ શેડ કેબીન તથા ઢોર વાડાના દબાણો દુરઃ ૨૫૦૦ ચો.મી. જમીન રૂા.૧.૨૫ કરોડની જગ્યા ખુલ્લી! સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં અનઅધિકૃત બા઼ધકામ દુર કરવા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે વોર્ડ નં.૧૩માં ૪૪ બાંધકામો તોડી ૨૫૦૦ ચો.મી. જગ્યા અંદાજિત રૂા.૧.૨૫ કરોડની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા.૩૦ના વોર્ડ નં.૧૩, ટીપી સ્કીમ-૩(રાજકોટ)ના રેલ્વે પાટા પેરેલલ ૧૨.૦૦ મીટર પહોળા, અંદાજે ૧૫૦ રનીંગ મીટર લંબાઇમાં ૨૨-નાના મકાનો, ર-નાના મંદિર, ૨૦-ઇન્ડસ્ટ્રીયલ શેડ (પાર્ટલી), ૧-પાનમસાલા કેબીન, ૧-ઢોર વાડો, વિગેરે દબાણગ્રસ્ત હોવાથી ડિમોલેશન કરી ૨૫૦૦ ચો.મી. જગ્યા અંદાજિત રૂા.૧.૨૫ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ ડિમોલેશન દરમ્યાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે વિજીલન્સના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સાથો-સાથ મનપાના તમામ વિભાગો જોડાયા હતા.
(3:56 PM IST)










