તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
‘હિટ એન્ડ રન' : રોડ ક્રોસ કરતી વખતે જગદીશભાઇ ચાવડાને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત
પુનિતનગર ટાંકા પાસે બનાવઃ નવરાત્રિ નિમિતે પોતાના ગામ પાટયાડી જવાનું નકકી કરવા માટે કાકાના ઘરે ગયાહતાઃ જગદીશભાઇ માતાજીના ભુવા હતાઃ ઘટના સ્થળ નજીક બાઇકની નંબરપ્લેટ મળીઃમાલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨: મવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે ‘હિટ અને રન' ની ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા આઘેડને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ પુનીતનગર હાઉસિંગ બોર્ડ- ૨, ભારતનગરના કવાર્ટર નં. ૯૧ માં રહેતા સંદીપભાઇ હરીભાઇ ચાવડા (ઉ.વ. ૩૦) એ માલવીયાનગર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. સંદીપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે મજૂરીકામ કરે છે. પોતાના મોટાભાઇ જગદીશભાઇ હરીભાઇ ચાવડા (ઉ.વ. ૪૫) પોતાની સાથે રહેતા હતા અને કડીયાકામ કરતા હતા. ગઇકાલે રાત્રે પોતે પોતાના ઘરે હતા ત્યારે કાકા કેશુભાઇનો ફોન આવતા તેણે કહેલ કે તારાભાઇ જગદીશભાઇનું એકસીડન્ટ મારા ધર સામે પુનીતનગર પાણીના ટાંકા પાસે સેફટી મોલની સામે થયું છે. તેમ વાત કરતા પોતે તુરતજ ત્યાં જતા કાકા હાજર હોઇ અને રોડ પર પોતાના ભાઇ જગદીશભાઇ બેભાન હાલતમાં પડેલા હતા. અને તેના માથાના ભાગે ઇજા થઇ હતી અને નાકના ભાગે લોહી નીકળતું હોઇ, આસપાસ એકઠા થયેલા લોકોમાંથી કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમેસ્થળપર પહોંચી તપાસ કશરતા જગદીશભાઇનું મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા માલવીયાનર પોલીસ મથકના પી.એસ. આઇ. એચ.આર. મોરી સહિતના સ્ટાફે સ્થળપર પહોંચી તપાસ હાથધરી હતી અને જગદીશભાઇના મૃતદેહને પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક જગદીશભાઇ ત્રણ ભાઇમાં મોટા હતા તે માતાજીના રાખડીબંધ ભુવા હતા. નવરાત્રી નિમિતે પોતાના ગામ પાટીયાડી જવાનું હોઇ તેથી તે ગઇકાલે રાત્રે ઘરનજીક રહેતા કાકા ના ઘરે ગામડે જવાનું નકકી કરવા માટે ગયા બાદ તેનનઘરેથી નીકળી ચાલીને પોતાના ઘરે આવતી વખતે પુનીતનગર પાણીના ટાંકા પાસે સેફટી મોલની સામે રોડ ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. પરિવારજનોએ તપાસ કરતા બનાવ સ્થળ નજીકથી વાહનની એક નંબર પ્લેટ મળી આવી હતી આ નંબર પ્લેટ બાઇકની હોવાનું તેના પરિવારજનો એ જણાવ્યું છે. પુત્રઅને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલકરી પી.એસ.આઇ.એચ.આર.મોરીએ તપાસ હાથધરી છે.
(2:40 PM IST)










