તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નશામુક્તિના સંદેશા સાથે સાયક્લોથોન યોજાઇ
બીઇંગ યુનાઇટેડ એનજીઓ, શહેર પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટીના ઉપક્રમે ૧૫૦ સાયકલીસ્ટોએ ૧૫ કિમીના રૂટ પર ફર્યા ગાંધી જયંતિની અનોખી ઉજવણીઃ જોઇન્ટ પોલીસ કમિશનર, ચારેય ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિતના સામેલ થયાઃ ભાજપ આગેવાનોએ ફલેગઓફ આપી

રાજકોટ તા. ૨: શહેરમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત લોકોમાં ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે આગે ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરા સમાજના યુવાનો દ્વારા પ્રેરિત બીઇંગ યુનાઇટેડ એનજીઓ, રાજકોટ શહેર પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉપક્રમે નશામુકિતનો સંદેશો આપતી સાયક્લોથોન યોજવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર દોઢસોથી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. આ તમામે પંદર કિલોમીટરના રૂટ પર ‘સે નો ટુ ડ્રગ્સ'ના સંદેશા થકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવાઓને માદક પદાર્થોના દૂષણ સામે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આજે તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે સાયક્લોથોનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલીસ્ટો જોડાયા હતાં. આ સાયકલોથોનનો મુખ્ય હેતુ ‘સે નો ટુ ડ્રગ્સ, કલીન ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા'નો હતો.
સાયકલોથોનમાં સામેલ તમામને ટીશર્ટ રિફ્રેશમેન્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. સાયકલોથોનનો આરંભ સવારે ૬-૩૦ કલાકે ગાંધી મ્યુઝિયમથી થયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શાસક પક્ષ દંડક કોર્પોરેટર મનિષ રાડીયા સહિતે ફલેગ ઓપી આપી આરંભ કરાવ્યો હતો. સાયકલોથોનનો રૂટ ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, પંચાયત નગર ચોક, કિસાનપરા ચોક, અંડર બ્રિજ, કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડથી હનુમાન મઢી ચોક, આમ્રપાલી અંડર બ્રિજ રિંગ રોડથી બહુમાળી ભવન ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુ સુધીનો રહ્યો હતો. બીઇંગ યુનાઇટેડના પ્રમુખ અને શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઇબ્રાહીમ સોની તેમજ સંસ્થાના સભ્યોની જહેમતથી આ આયોજન સફળ રહ્યું હતું.
સાયકલોથોનમાં જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, ટ્રાફિક પીઆઇ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતાં. એક બાળક મહાત્મા ગાંધીજીની વેશભુષા સાથે સામેલ થયેલ, જેણે આકર્ષણ જગાવ્યું હતું.
ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પુર્વ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતાં. ડો. દર્શીતાબેન શાહે યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સંદેશો આપ્યો હતો. આભારવિધી ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે કરી હતી. આરજે અજયસિંહે સંચાલન કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઇબ્રાહીમભાઇ સોની, તાહેરભાઇ પતરાવાલા, મુસ્તુફાભાઇ ગાંધી, બુરહાનભાઇ વૈદ, અલીઅઝગર ગાંધી, ઇમરાન કપાસી, હુસેન લહેરી, મુર્તુઝા ભારમલ, મઝહર ધનકોટ, યુસુફ ભારમલ, હુસેન વજીહી, હાતીમ વખારીયા, અલી હિરાણી, તાહેર ગોંડલવાલા, મોઇઝ સારીયા, શબ્બીર સોની, મુર્તુજા જુનાગઢી, હુસેન લોટીયા, તૈખુમ બાટલાવાલા, ચિરાગભાઇ, ગોૈરવભાઇ, મિડીયો કો-ઓર્ડિનેટર હુસેન બદાણી અને શહેર એસઓજીની ટીમે જહેમત ઉઠાવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)
(3:26 PM IST)










