<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

નવરાત્રીના ૯ દિવસ અને દશેરાએ રાતે ૧૨ પછી લાઉડ સ્‍પીકર પર રાસ ગરબા રમી શકાશે નહિ

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાએ જાહેરનામુ બહાર પાડયું

રાજકોટ તા. ૨: મા શક્‍તિની ભક્‍તિના પર્વ નવરાત્રીનો આવતી કાલથી શુભારંભ થઇ રહ્યો છે. ત્‍યારે શહેરમાં યોજાયેલા પ્રાચીન અર્વાચીન રાસોત્‍સવમાં રાત્રે ૧૨ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગાડી શકાશે નહિ તેવું પોલીસે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ નવરાત્રીના નવ દિવસ અને દશેરાના દિવસે કોઈપણ રાસ-ગરબાના કાર્યક્રમમાં રાત્રે ૧૨ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ અંગે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાએ જાહેરનામુ બહાર પાડયું છે

આ જાહેરનામામાં જણાવાયું છે કે તા.૩ ઓકટોબરથી તા. ૧૨ ઓકટોબર એટલે કે દશેરા સુધી રાસ-ગરબાના કાર્યક્રમમાં રાત્રે ૧૨ વાગ્‍યા પછી લાઉડ સ્‍પિકર કે માઈક ચાલુ રાખી શકાશે નહીં. નોઈસ પોલ્‍યુશન રૂલ્‍સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા અંતર્ગત આ જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે બીએનએસ અને જીપીએકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. શહેરમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ અને તેનાથી ઉપરના દરજજાના અધિકારીઓ આ જાહેરનામા ભંગનો ગુનો નોંધી શકશે.

મોડી રાત સુધી ગરબા રમી શકાશે એ મુદ્દે કેટલાક દિવસથી ખુબ ચર્ચા જાગી હતી. પરંતુ હવે આ જાહેરનામાથી સ્‍પષ્‍ટ થયું છે કે રાતે બાર વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર ચાલુ રાખીને રાસ ગરબા રમી શકાશે નહિ. નિયમ મુજબ સામાન્‍ય દિવસોમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્‍યા સુધી અને નવરાત્રિના દિવસો દરમિયાન રાત્રે ૧૨ પછી માઈક વગાડી શકાતા નથી. આ નિયમને આધિન જોઇન્‍ટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

(3:29 PM IST)