<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કાલે પ્રથમ નોરતે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાઃ મંદિરમાં ધ્‍વજારોહણ

રાજકોટ,તા. ૨: હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ કાલે તા. ૩ના ગુરુવારથી રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.  ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનનરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને શ્રી ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્‍યા બાદ મંદિરે ધ્‍વજારોહણ કરવામાં આવશે. 

નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્‍વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે. ગુરુવારે ૭ કલાકે કાગવડ ગામથી પદયાત્રાને પ્રસ્‍થાન કરાવાશે.

પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારી આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના ટ્રસ્‍ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્‍ટીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય કન્‍વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, અન્‍ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે. 

શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરાઈ છે. પ્રથમ નોરતે સવારે ૭ કલાકે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે થશે. મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્‍વજારોહણ કરી નવરાત્રિ મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્‍વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે

(3:43 PM IST)