<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સ્‍વચ્‍છ ભારતના સંકલ્‍પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્‍વચ્‍છતા ધર્મ બજાવવો જરૂરીઃ રાઘવજીભાઇ

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે ‘સ્‍વચ્‍છ ભારત દિવસ' ઉજવાયોઃ સાંસદશ્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્‍થિતિઃ સ્‍પર્ધાના વિજેતાઓને સન્‍માનિત કરાયા : દિલ્‍હીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઉદબોધનમાં વર્ચ્‍યુઅલી જોડાતા મહાનુભાવો અને રાજકોટવાસીઓ

રાજકોટ તા. ૨: કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે ‘સ્‍વચ્‍છ ભારત દિવસ'ની ઉજવણી મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, રાજકોટ ખાતે યોજાઇ હતી.

રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી અને સ્‍વચ્‍છતા અભિયાન ‘સ્‍વચ્‍છતા હી સેવા -૨૦૨૪'અંતર્ગત ‘સ્‍વચ્‍છ ભારત દિવસ'ના આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજના કાર્યક્રમનું મહત્‍વ સમજાવતા કહ્યું હતું કે, પૂજય બાપુનું ‘સ્‍વચ્‍છ ભારત'નું સ્‍વપ્‍ન પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ બીડુ ઝડપ્‍યું, સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા અભિયાનને શરૂ કરાવી જનજનમા સ્‍વચ્‍છતાની જયોત પ્રગટાવી લોકોને સ્‍વચ્‍છાગ્રહી બનવા પ્રેરણા પૂરી પાડી છે.

ગુજરાત રાજયમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ સ્‍વચ્‍છતા અભિયાન સક્રિય રીતે આગળ વધી રહ્યાનું જણાવી લોકોને આ સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાવા માટે શીખ આપતા કહ્યું હતું કે, આપણે આપણા ઘરની જેમ જ મહોલ્લા, ચોક, શેરી, ગામ, શહેર અને રાજયને સ્‍વચ્‍છ બનાવી સ્‍વચ્‍છ ભારતના સ્‍વપ્‍નને પરિપૂર્ણ કરવા આગળ આવીએ.

પ્રધાનમંત્રીશ્રીના વર્ષ ૨૦૫૦ માં ‘વિકસિત ભારત'ના સંકલ્‍પને પરિપૂર્ણ કરવા સ્‍વચ્‍છ ભારતની છબી પણ ખૂબ મહત્‍વની હોવાનું મંત્રી શ્રી રાઘવજીભાઈએ આ તકે જણાવ્‍યું હતું.

રાજકોટના સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાએ તેમના ઉદબોધનમાં ગાંધીજીના સત્‍યાગ્રહ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સ્‍વચ્‍છાગ્રહ ખૂબ મહત્‍વનો સાબિત થયો હોવાનું જણાવી કહ્યું હતું કે, આઝાદીની ચળવળમાં સત્‍યાગ્રહના પ્રભાવની જેમ જ દેશને સ્‍વચ્‍છ બનાવવામાં જન જનને સ્‍વચ્‍છ આગ્રહી બનાવવા આ અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.  નાગરિક ધર્મ બજાવી રોડ રસ્‍તા પર જાહેરમાં ગંદકી ન કરી સ્‍વચ્‍છ ગામ શહેર રાજય અને દેશના આ અભિયાનમાં સહભાગી બનવા સાંસદશ્રી રૂપાલાએ ખાસ અપીલ કરી હતી. મેયર શ્રી નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરને સુઘડ અને સ્‍વચ્‍છ બનાવી નિરામય બનાવવા માટે સૌ નાગરિકોને અપીલ કરી હતી.

કલેકટર શ્રી પ્રભવ જોશીએ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સ્‍વચ્‍છતાની કામગીરીની રૂપરેખા પૂરી પાડી તાલુકા તેમજ ગ્રામ્‍ય લેવલે વિવિધ સ્‍પર્ધાઓના આયોજન અને મેડિકલ કેમ્‍પની કામગીરીની માહિતી આપી હતી.

સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત દિલ્‍હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઉદબોધનમાં રાજકોટથી મહાનુભાવો વર્ચ્‍યુઅલી જોડાયા હતા. સ્‍વચ્‍છ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં યોજાયેલ વિવિધ સ્‍પર્ધાના વિજેતાઓને આ પ્રસંગે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, તેમ જ સ્‍વચ્‍છ વોર્ડ, સ્‍વચ્‍છ ગામના વિજેતાઓને પણ સન્‍માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકર, અગ્રણીઓ સર્વે શ્રી ડો. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, મનીષભાઈ રાડીયા, વિરેન્‍દ્રસિંહ, લીલુબેન જાદવ, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ડીબી દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણે, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એ. કે. વસતાણી, નાયબ કમિશનર હર્ષદ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (૨૨.૨૬)

(3:45 PM IST)