<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

શહેરની ૧૪૦ થી વધુ શાળા-હોસ્‍પીટલોના ડોમને ફાયર એનઓસી નહીં મળેઃ મનપાનો નિર્ણય

ઇમ્‍પેકટનો લાભ લઇ ડોમના બાંધકામને કાયદેસર કરાવી લેનાર મિલ્‍કતો ઉપર તવાઇ : ડોમ માટે નિયત નિયમ મુજબ માચડો ખુલ્લો રાખવાનો હોય છેઃ પેક કરી રૂમ-લેબોરેટરી તરીકે ઉપયોગ ગેરકાયદેઃ સેલરમાં પણ રપ ટકાથી વધુ બાંધકામ તોડવું પડશે

રાજકોટ તા.૨: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્‌ટીના કડક નિયમો અમલમાં આવ્‍યા છે. જેમાં ખાસ કરીને શાળા અને હોસ્‍પિટલોની અગાસી ઉપર બનાવવામાં આવેલા ડોમને ગેરકાયદેસર ગણવવામાં આવી રહ્યા છે. છતાં ઇમ્‍પેક્‍ટ ફીનો કાયદો અમલમાં આવ્‍યા બાદ અંદાજે ૧૪૦થી વધુ શાળાઓ અને હોસ્‍પિટલોએ બીયુ માટે તેનો લાભ લઇ ડોમને કાયદેસર કરાવી લીધાનું ફાયર વિભાગના ધ્‍યાનમાં આવતા તેઓને ઇમ્‍પેક્‍ટનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર એનઓસી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

  એનઓસીની અરજી બાદ ડોમનું બાંધકામ ખુલ્લુ છે કે, પેક તે અંગેની ચકાસણી કર્યા બાદ  એનઓસી અંગે નિર્ણય લેવામાં આવશે. રાજકોટ મહાપાલિકા દ્વારા ડોમવાળી ૧૪૦ શાળા અને હોસ્‍પિટલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે ત્‍યારે ઈમ્‍પેકટના નામે ડોમને કાયદેસર કરાવી લેનારા કેટલાકને ઉતારવાની ફરજ પડશે અન્‍યથા ફાયર એન.ઓ.સી. નહિ મળી શકે.

ડોમમાં ખુલ્લુ બાંધકામ હોય તો તે માન્‍ય રહે છે પણ ડોમ આખો પેક કરી દેવાયો હોય તો તેમાં ફાયર એન.ઓ.સી. આપી શકાતી ન હોવાનું મનપાના સુત્રોએ જણાવ્‍યું હતું. રાજકોટમાં શાળા અને હોસ્‍પિટલોમાં ડોમ છે તે પેક કરી દેવાયેલા છે અને તે નિયમભંગ છે. અમે આવા સ્‍થળે ફાયર એન.ઓ.સી. નહિ આપી શકીએ. હાલ અમારી પાસે ઈમ્‍પેકટમાં આવરી લેવાયેલી કેટલીક અરજીઓ આવી છે પણ તેમાં સેલર અને ડોમના બાંધકામો નિયમભંગ જેવા હશે તો ઈમ્‍પેકટ હોવા છતા ફાયર એન.ઓ.સી. નહિ મળી શકે.

ડોમ માટે નિયત નિયમો પ્રમાણે  માચડો ખુલ્લો રાખવાનો હોય છે એક છાપરા તરીકે જ તેનો ઉપયોગ માન્‍ય છે. બાકી પેક કરીને રૂમ, લેબોરેટરી તરીકે તેનો ઉપયોગ કરી શકાતો નથી. ઈમ્‍પેકટમાં આવી ફાઈલ મંજૂર થયેલી હશે તો પણ ડોમના ગેરકાયદે બાંધકામ હટાવી લેવા પડશે. આવી જ રીતે સેલરમાં પણ ૨૫ ટકાથી વધારે બાંધકામ થઈ શકતું નથી તેને પણ તોડવું પડશે. આ દિશામાં તપાસ શરૂૂ કરવામા આવી છે. ફાયર એનઓસી અંગે હવે પછી ફાયર સ્‍ટાફ દ્વારા ચકાસણી થાય ત્‍યારે ડોમ અને સેલરના બાંધકામોના મામલે ચોકસાઈ રાખવામાં આવનાર છે.

મનપાના તત્‍કાલીન ચીફ ફાયર ઓફીસરની ધરપકડ થયા બાદ ફાયર વિભાગની કામગીરી ઠપ્‍પ થઇ ગઇ છે. આજ સુધી સીએફઓની જવાબદારી કોઇને સોંપવામાં આવી નથી. તેની સામે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સીલ કરવામાં આવેલ બાંધકામો દ્વારા ફાયર એનઓસીની અરજીઓ કરાયેલ જેનો ભરાવો થતા તાત્‍કાલીક ધોરણે સીલ ખોલી આપી સમય આપવામાં આવ્‍યો છે. પરંતુ ફાયરમાં બીયુ ફરજીયાત ન હોવાથી અનેક બાંધકામોએ ગેરકાયદેસર ડોમને ઇમ્‍પેક્‍ટમાં બતાવી બીયુ સર્ટી કાઢાવી લેતાહોવાનું ધ્‍યાને આવતા ફાયર વિભાગે હવે ઇમ્‍પેક્‍ટ ફીનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર એનઓસી ન આપવાનો નિર્ણય લીધો છે.

(4:39 PM IST)