તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નવરાત્રીમાં ૧૫૦૦ પોલીસ સ્ટાફ જાળવશે બંદોબસ્ત
૪૫૭ પ્રાચીન ગરબીઓ, ૧૬ અર્વાચીન રાસોત્સવમાં પોલીસનું સતત રહેશે પેટ્રોલીંગ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનરનાી રાહબરીમાં ત્રણ ડીસીપી બંદોબસ્તની જવાબદારી અને એક ડીસીપી ટ્રાફિકની વ્યવસ્થા સંભાળશેઃ તમામ પીઆઇ તેમની ટીમો સાથે વિસ્તારમાં સાંજે આઠથી જ પેટ્રોલીંગ શરૂ કરશે

રાજકોટ તા. ૨: આવતીકાલથી મા શક્તિની ભક્તિના પર્વ નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે ત્યારે આ પર્વની શાંતિપુર્વક ઉજવણી થાય અને કોઇપણ સ્થળે કાયદો વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જેસીપી મહેન્દ્ર બગડીયાએ જડબેસલાક પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી છે. ૧૫૦૦થી વધુનો પોલીસ સ્ટાફ શહેરના ૪૫૭ જેટલા પ્રાચીન ગરબીના સ્થળોએ અને ૧૬ જેટલા અર્વાચીન રાસોસ્તવના સ્થળે સતત પેટ્રોલીંગ કરી બંદોબસ્ત જાળવશે.
ગરબીઓમાં બાળાઓ અને અર્વાચીન રાસોસ્તવમાં ખેલૈયાઓ કોઇપણ જાતની ખલેલ વગર રાસ ગરબા રમી શકે, દર્શકો માણી શકે તે માટે શહેર પોલીસ સજ્જ બની છે. તે અંતર્ગત ૧૫૦૦ પોલીસ જવાનોનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ૭૩ ગરબી, માલવીયાનગર પોલીસ મથક હેઠળ ૭, એ-ડિવીઝનમાં પ્રાચીન અર્વાચીન મળી ૨૦ રાસોત્સવ, થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ ૪૫, ભક્તિનગર પોલીસ મથક હેઠળ ૫૧, તાલુકા પોલીસ મથક હેઠળ ૩૪, ગાંધીગ્રામ-૨ પોલીસ મથક હેઠળ ૭૬, કુવાડવા રોડ પોલીસ મથક હેઠળ ૫૦, બી-ડિવીઝનમાં ૭૨, પ્રઉનગરમાં ૪૭, ગાંધીગ્રામમાં ૩૧ ગરબીઓના આયોજન થયા છે. તેમજ સોળ સ્થળોએ અર્વાચીન રાસોત્સવ યોજાયા છે. આ તમામ સ્થળે પોલીસ સતત પેટ્રોલીંગ કરશે અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સતર્ક રહેશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા બંદોબસ્તની જવાબદારી અને ડીસીપી પૂજા યાદવ ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. તમામ પોલીસ મથકના પીઆઇ તેમની ટીમો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગ કરશે. વોર્ડનને સાંજે સાડા સાતે તેમના પોઇન્ટ પર તૈનાત કરી દેવાશે. ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબી, એલસીબીની ટીમો પણ જરૂર જણાયે પેટ્રોલીંગમાં સામેલ થશે. સાંજે આઠ વાગ્યાથી જ પોલીસની ટીમો પેટ્રોલીંગ શરૂ કરી દેશે. હોટેલ, ગેસ્ટહાઉસનું પણ ચેકીંગ થશે. વોર્ડનને રાતના બાર સુધી પોઇન્ટ પર હાજર રહેવાની સુચના અપાઇ છે.
દરમિયાન ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું કે આ વખતે ૧૬ શી ટીમો નવરાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરશે. મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડીશનલ અને ખાનગી ડ્રેસમાં પહોંચી વોચ રાખશે. કોઇને પણ અસામાજીક તત્વો તરફથી તકલીફ હોય તો તુરત ૧૦૦ નંબર કે ૧૮૧ નંબર ઉપર ફોન કરવાથી તુરંત પોલીસની મદદ મળી રહેશે.
(4:20 PM IST)










