<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વીસ વર્ષ જુના કારીગરનો વિશ્વાસઘાતઃ સોની બજારના બંગાળી વેપારીને ૨૦.૯૦ લાખનો ચૂનો લગાડી છૂમંતર

સોની બજારમાં ઘડામણનું કામ કરતાં અલીમભાઇએ હુગલીના નિખિલસિંગને બુટી બનાવવા ૨૭૦ ગ્રામ સોનુ આપ્‍યું હતું: તે લઇને ભાગી જતાં એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૪: સોની બજારમાં દાગીના ઘડામણનું કામ કરતાં અને ચાલીસ વર્ષથી કોઠારીયા નાકા પાસે રહેતાં મુળ બંગાળના સોની વેપારી સાથે તેનો વીસ વર્ષ જુનો વિશ્વાસુ બંગાળી કારીગર વિશ્વાસઘાત કરી જતાં અને બુટી બનાવવા અપાયેલુ રૂા. ૨૦ લાખ ૯૦ હજારનું સોનુ લઇ ભાડાની રૂમ છોડી પત્‍નિ સહિતના સાથે પલાયન થઇ જતાં વેપારીએ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર ગઢની રાંગ પાસે દશાશ્રીમાળી હોસ્‍પિટલની પાછળ ભટ્ટ શેરીમાં ગોલ્‍ડના પ્‍લાઝામાં રહેતાં મુળ બંગાળના અલીમભાઇ કાસીમભાઇ અબ્‍દુલ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી કોઠારીયા નાકા ગોલ્‍ડન પ્‍લાઝામાં જ રહેતાં મુળ પヘમિ બગાળના હુગલીના હારીત કૃપાઇ ગામના નિખીલસિંગ મધાયસિંગ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ દાગીના બનાવવા માટે  લઇ ગયા બાદ રૂા. ૨૦,૯૦,૩૯૯નું ૨૭૦ ગ્રામ સોનુ પાછુ ન આપી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

અલીમભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે ગોલ્‍ડના પ્‍લાઝામાં રહુ છું અને સોની બજારમાં ગોસીયા જ્‍વેલર્સ નામે દુકાન ધરાવી ચાલીસ વર્ષથી સોનાનું ઘાટકામ કરુ છું. નિખિલસિંગ જે મુળ બંગાળનો વતની છે તે વીસેક વર્ષથી મારી દુકાન પર કામ કરતો હતો અને મારી બીજી દુકાનનું સોનાનું ઘાટકામ સંભાળતો હતો. ગત તા. ૬/૯ના સવારે દસેક વાગ્‍ે મેં દુકાન ખોલી ત્‍યારે વેપારીએ ફોન કરી સોનાની બુટી બનાવવો ઓર્ડર આપ્‍યો હતો.

આથી મેં મારા વીસ વર્ષ જુના વિશ્વાસુ કારીગર નિખિલસિંગને મારી દુકાને બોલાવી તેને ૨૭૦ ગ્રામ ફાઇન સોનુ વિશ્વાસે આપ્‍યું હતું. તેમાંથી તેને ૧૮ કેરેટની ૯૦ જોડી બુટી બનાવવાની હતી. નિખિલસિંગે ત્રણ ચાર દિવસમાં જ બુટી બનાવીને આપી દેશે તેવી ખાત્રી આપી હતી. તે સોનુ લઇને મારી ઉપરની દુકાને કામ કરવા જતો રહ્યો હતો. બપોર બાદ ત્રણેક વાગ્‍યે નિખિલસિંગ દૂકાનને તાળુ મારીને ગયો હતો. પરંતુ સાંજે સાત વાગી જવા છતાં તે પાછો દુકાને ન આવતાં મેં તેને ફોન જોડતાં ફોન પણ બંધ હતો.

નિખિલસિંગ મારી દુકાનની બાજુમાં જ ભાડાના મકાનમાં તેના પરિવાર સાથે રહેતો હતો. ત્‍યાં ઘરે જઇ જોતાં દરવાજો ખુલ્લો હતો પરંતુ ઘરમાં તે કે તેની પત્‍નિ કે ભત્રીજો કોઇ નહોતાં. તેના ભત્રીજાને ફોન જોડતાં તેનો ફોન પણ બંધ હતો. આજ સુધી ઘરમેળે તપાસ કર્યા બાદ નિખિલસિંગનો પત્તો ન મળતાં અંતે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં અલીમભાઇએ કહેતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોનસ. આર. જી. ચોૈહાણે ગુનો નોંધતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:14 PM IST)