તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
પડધરીના મેટોડામાં મહિલાના ખાતામાંથી ૬૭ હજાર ઉપડી ગયા
સાયબર ગઠીયાએ સોશ્યલ મિડીયા માધ્યમથી ફ્રોડ હાઇડ એપ કે ફોન હેક કરી ઠગાઇ કરીઃ પડધરી પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧૬ :.. પડધરીના મેટોડા ગામે વાડી વિસ્તારમાં રહેતા નેહાબેન કરણભાઇ મકવાણા (ઉ.વ.ર૪)નો ફોન હેક કરી અજાણ્યા શખ્સે તેના બેંક ખાતામાંથી રૂા. ૬૭ હજારની રોકડ ટ્રાન્સફર કરી છેતરપીંડી કર્યાની પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
નેહાબેન પોલીસને જણાવ્યું છે કે, તે મેટોડા ગામની સીમમાં વાડીમાં રહી ખેત મજૂરી કરે છે. ગઇ તા. ૧૪ના તે વાડીએ હતી ત્યારે તેના પતિના ફોનમાં પૈસા ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા હતા. જેથી તેના પતિએ બેંકમાં તપાસ કરતા અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂા. ૬૬,૯૯૮ રૂપિયા અજાણ્યા ગઠીયાએ ખાતામાંથી ઉપાડી લીધાનુ જાણવા મળ્યુ હતું.
જેથી આ મામલે તેણે સાયબર હેલ્પ લાઇન ઉપર કોલ કરી કમ્પલેઇન લખાવી હતી. અજાણ્યા ગઠીયાએ તેના ફોનમાં સોશ્યલ મિડીયા મારફતે કોઇ ફ્રોડ હાઇડ એપ કે અન્ય કારણે ફોન હેક કરી રકમ ઉપાડી લેતા અંતે ફરીયાદ નોંધાવતા પડધરી પીઆઇ એમ. જી. ચૌહાણે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(12:31 PM IST)










