<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જામજોધપુરના માંડાસણની આંગણવાડીમાં રસિલાબેન પર પતિ તલવારથી તૂટી પડયોઃ આઠેક ઘા ઝીંકયા

ઉપલેટા સાસરૂ ધરાવતી મહિલા આઠેક મહિનાથી માવતરે રિસામણે છેઃ ત્‍યાંથી નોકરીએ આવી હોઇ પતિએ તું કેમ પાછી ઘરે નથી આવતી? કહી આડેધડ ઘા ઝીંક્‍યાઃ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૪: જામજોધપુરના માંડાસણ ગામની આંગણવાડીમાં કાર્યકર્તા તરીકે નોકરી કરતી મહિલા ગઇકાલે આંગણવાડી ખાતે હતી ત્‍યારે ધસી આવેલા તેના પતિએ તલવારથી હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દેતાં તેણીને બંને હાથ, બંને પગ, માથા, આંખ પાસે અને શરીરે ઇજાઓ થતાંલોહીલુહાણ થઇ ગઇ હતી. દેકારો મચી જતાં બીજા લોકો દોડી આવ્‍યા હતાં અને હુમલાખોર ભાગે એ પહેલા દબોચી લઇ પોલીસને જાણ કરી હતી. મહિલા કેટલાક મહિનાથી રિસામણે હોઇ તે પરત આવતી ન હોઇ રીસ રાખીને પતિએ હુમલો કર્યાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ માંડાસણ ગામે સાસરૂ ધરાવતી અને હાલ ઉપલેટામાં મકાન રાખીને પતિથી અલગ રહેતી રસિલાબેન વિપુલભાઇ મકવાણા (ઉ.વ.૩૪) ગઇકાલે માંડાસણ ગામની આંગણવાડી ખાતે હતી ત્‍યારે તેનો પતિ પિવુલ પ્રેમજીભાઇ મકવાણા તલવાર લઇને ધસી આવ્‍યો હતો અને એકાએક હુમલો કરી દીધો હતો. તેણે પત્‍નિને આડેધડ ઘા ઝીંકી દેતાં બંને હાથ, બંને પગ, માથા, આંખ પાસે ઇજાઓ થતાં તે લોહીલુહાણ થઇ ઢળી પડી હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં વિપુલે ભાગી જવા દોટ મુકી હતી. પણ લોકોએ પકડી લઇ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

ગંભીર ઇજાગ્રસ્‍ત રસીલાબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેણીના લગ્ન પંદર વર્ષ પહેલા માંડાસણના વિપુલ સાથે થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. વિપુલ છુટક મજૂરી કરે છે. રસિલાબેનના સગાએ કહ્યું હતું કે પતિ વિપુલ દારૂ પી ત્રાસ ગુજારતો હોઇ આઠ દસ મહિનાથી રસિલાબેન તેના બંને સંતાનને લઇ ઉપલેટા માતા-પિતાના ઘરે રિસામણે આવી ગઇ છે. હાલમાં બાળકો તેના નાના નાની સાથે રહે છે અને રસિલાબેન પોતે ઉપલેટામાં જ બીજી રૂમ ભાડે રાખીને રહે છે. તેણી માંડાસણ આંગણવાડીમાં નોકરી કરતી હોઇ ઉપલેટાથી અપડાઉન કરે છે.

ગઇકાલે નોકરી પર હતી ત્‍યારે પતિ તલવાર સાથે ધસી આવ્‍યો હતો અને તું કેમ ઘરે પાછી આવતી નથી? કહી આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:02 PM IST)