News of Saturday, 5th October 2024
રાજકોટ શહેર - જીલ્લામાં પુરવઠા નિગમના તમામ ૧ર ગોડાઉનો હાઉસફુલઃ જથ્થો બધો આવી ગયોઃ હવે જગ્યા નથી!!
સસ્તા અનાજના દુકાનદારોની હડતાલને કારણે : રાજયભરમાં આ સ્થિતિઃ તંત્રે ઘઉં-ચોખા-ખાંડ-તેલ-ચણા-મીઠુ બધું ફાળવી દીધું: તુવેરદાળ હવે આવશે : મજૂરો બેકાર બની ગયાઃ ભારે દેકારો ચાલ્યા જવાનો ભય

રાજકોટ તા. પઃ સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો આજે પાંચમો દિવસ છે, પુરવઠા તંત્રે પરમીટ મૂકી છે, પરંતુ મહત્વના પ્રશ્નો બાબતે દુકાનદારોએ પરમીટ ઉપાડી નથી, અને તેના પરીણામે રાજકોટ શહેરમાં રહેલા-બે અને દરેક તાલુકાના થઇને કુલ ૧ર જેટલા પુરવઠા નિગમના ગોડાઉનો હાઉસફૂલ બની ગયા છે, હવે માલ મૂકવાની જગ્યા નથી તેમ નિગમના અધીકારીઓ ઉમેરી રહ્યા છે.
સાધનોએ ઉમેર્યું હતું કે આવી સ્થિતિ રાજયભરમાં છે, તમામ સ્થળે જથ્થો પહોંચી ગયો છે, તંત્રે ઘઉં-ચોખા-ખાંડ-તેલ-ચણા-મીઠૂ બધું ફાળવી દઇ મોકલાવી દીધું છે, ગયા વખતે ૩૦ ટકા ખાંડ આવી હતી, આ વખતે પુરતી ખાંડ ફાળવાઇ છે, જો કે તુવેરદાળમાં અંધારા છે, ફાળવાઇ છે, પરંતુ હજુ જથ્થો આવ્યો નથી.
અધીકારીઓએ ઉમેર્યું હતું કે તુવેર દાળનો જથ્થો હવે ફાળવાશે, બીજી બાજુ હડતાલને કારણે નિગમમાં કામ કરતા મજૂરો ઉપર અસર થઇ છે, પાંચ દિવસથી બેકાર બની ગયા છે, મજૂરોમાં દેકારો બોલી ગયો છે, જો હડતાલ લંબાશે તો મજૂરો ચાલ્યા જવાનો ભય વ્યકત થઇ રહ્યો છે, અને જો મજૂરો ચાલ્યા જશે, તો દુકાનો ઉપર સમયસર માલ પહોંચવો ભારે મુશ્કેલરૂપ બની જશે તે પણ હકીકત છે.
(2:35 PM IST)










