<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

કરોડોની કિંમતની ‘આલાબાઇના ભઠ્ઠાવાળી' મિલ્‍કત અંગે મુળ માલીકનો દાવો ડીસ્‍ટ્રીકટ કોર્ટે ફગાવી દીધો

૨૮ વર્ષ બાદ કબજેદારની તરફેણમાં ચુકાદો : મિલ્‍કતના માલીક શરદકુમાર ગીરધરલાલ કોટકે ૧૯૯૬માં દાવો કરેલ : નીચેની કોર્ટના હુકમ સામે ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં થયેલ અપીલ ઉપર મુખ્‍ય ડીસ્‍ટ્રીકટ જજ ડી.એમ. સિંગે આપેલ મહત્‍વનો ચુકાદો : ટ્રાયલ કોર્ટનું હુકમનામુ રદ ફરમાવી કબજેદારની અપીલ મંજુર

પરેશ બી મારૂ કબજેદારના વકીલ

રાજકોટ, તા.૫: રાજકોટના હાર્દ સમા મહિલા કોલેજ નજીકના વિસ્‍તાર કે જે ‘આલાબાઈના ભઠ્ઠા' તરીકે ઓળખાતી મિલ્‍કત સંબંધે માલીકે કરેલ દાવો ડીસ્‍ટ્રીકટ કોર્ટે રદ કર્યો હતો. કરોડનો આ વિવાદી જમીન અંગેના વર્ષો જુના મિલ્‍કતના કબ્‍જેદારના કબ્‍જાને ડીસ્‍ટ્રીકટ કોર્ટે રક્ષણ આપીને મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ શહેરના હાર્દ સમા મહિલા કોલેજની સામે ‘આલાબાઈના ભઠ્ઠા' તરીકે ઓળખાતી મિલ્‍કતના માલિક શરદકુમાર ગીરધરલાલ કોટકે મિલ્‍કતના વર્ષો જુના કબ્‍જેદાર હુરબાઈ બાઉદીન સુમરા વિગેરે વિરૂધ્‍ધ રે.દિ.કે.નં.૧૮૯૯/૧૯૯૬નો વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ મેળવવાનો દાવો દાખલ કરેલ ત્‍યારબાદ મુળ વાદી શરદકુમાર ગીરધરલાલ કોટકે આશરે ૧૦ વર્ષ પછી સદરહુ દાવાની દાદમાં સુધારો કરીને કબ્‍જો મેળવવા અંગેની દાદ માંગેલ હતી.

આ કામના મુળ વાદી શરદકુમાર ગીરધરલાલ કોટક દ્વારા નીચેની કોર્ટ સમક્ષ એવી હકીકત જણાવેલ કે, રાજકોટ શહેરના સીટી સર્વે નં.૪૫૦ની ખેતીની જમીન કે જે તેઓ દ્રારા રજી.વેચાણ દસ્‍તાવેજથી સને ૧૯૭૫માં ખરીદ કરેલ અને તેઓ સદરહુ મિલ્‍કતના માલીક અને કબ્‍જે ભોગવટેદાર છે અને પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા વિગેરેએ તેઓની જમીનમાં ટ્રેસપાસ કરી કબ્‍જો જમાવેલ હોય જેથી કબ્‍જો પરત મેળવવાનો દાવો કરેલ. જે દાવો રાજકોટના મહે. પ્રિન્‍સીપલ સીની.સીવીલ જજની કોર્ટમાં ચાલી જતાં તેઓએ મુળ પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા વિરુધ્‍ધ એકસપાર્ટી ચલાવેલ અને સદરહુ દાવ મંજુર કરેલ હતો.

આ દાવાના મુળ પ્રતિવાદી હુરબાઈ બાઉદીન સુમરા અવસાન પામતાં તેમની જગ્‍યાએ તેમના વારસદાર જેનુબેન બાઉદીન સુમરાએ રાજકોટ પ્રિન્‍સીપલ સીની. સીવીલ જજ દ્વારા રે.દિ.કે. નં.૧૮૯૯/૧૯૯૬ના કામમાં જે જજમેન્‍ટ અને હુકમનામું અપાયેલ તેની લીગાલીટી રાજકોટના મહે. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટમાં રેગ્‍યુ દિવાની અપીલ નં.૭૪/૨૦૧૯થી લીગાલીટી ચેલેન્‍જ કરેલ અને અદાલતને સત્‍ય હકીકતથી માહિતગાર કરેલ કે મુળ વાદીનો દાવો કાયદા મુજબ ચાલવા પાત્ર નથી કારણકે અમે એપેલન્‍ટ જેનુબેન બાઉદીન સુમરાનો સદરહુ મિલ્‍કતમાં વર્ષોથી કબ્‍જો, ભોગવટો આવેલ છે જે હકીકત તેઓ જાણતાં હોવા છતાં કહેવાતા ૧૯૭૫ના દસ્‍તાવેજના આધારે ૧૯૯૬માં આશરે ૨૧ વર્ષ પછી કબ્‍જો મેળવવા માટેનો દાવો કરેલ છે જે દાવાને ડીલે, લેચીઝ, એકવીયન્‍સ અને સમય મર્યાદાનો બાદ નડે છે તેમજ  અદાલત સમક્ષ ૧૦ વર્ષ પછી કબ્‍જા સબંધેની જે દાદ માંગેલ છે તેવી દાદ માંગવા કે મેળવવા પણ તેઓ હકકદાર નથી. કારણકે, દાદ આપવાથી મુળ દાવાનો હાર્દ ચેઈન્‍જ થતો હોય જેથી ૧૦ વર્ષ પછી આવુ એમેડમેન્‍ટ કાયદાની અને રેકર્ડ પરની હકીકત ધ્‍યાને લેતા આવે તો આવુ એમેડમેન્‍ટ થઈ શકે નહીં તેમજ નીચેની કોર્ટમાં જે દાવો એકસપાર્ટી ચાલે છે તેમાં એપેલન્‍ટને કોઈ બચાવની યોગ્‍ય અને વ્‍યાજબી તક આપવામાં આવેલ નથી. કુદરતી ન્‍યાય સિધ્‍ધાંતનું પાલન થયેલ નથી તેમજ રેકર્ડ પર એપેલન્‍ટ મુળ પ્રતિવાદીને બચાવની તક આપવામાં આવે તો તેઓના પિતાશ્રીએ મુળ માલીક પાસેથી પોતાના કબ્‍જા ભોગવટામાં રહેલ મિલ્‍કત સને. ૧૯૪૮માં ખરીદ કરેલ તેવી તકરાર લીધેલ અને આ તકરારના સમર્થનમાં નામદાર સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ હતો.

 રાજકોટના પાંચમા એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ ડી.એસ.સિંગ દ્વારા રેકર્ડ પરની તમામ હકીકત તથા બંન્ને પક્ષકારોની રજુઆતો ધ્‍યાને લઈ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્‍યાને લઈને એવું માનેલ છે કે, મુળ વાદી શરદકુમાર ગીરધરલાલ કોટક વિગેરેએ હાલનો દાવો ૨૧ વર્ષ પછી દાખલ કરેલ હોય જેથી આ દાવો ટાઈમબાર્ડ ગણાય, લીમીટેશન એકટની જોગવાઈ વિરુધ્‍ધનો ગણાય તેમજ મુળ દાવો જોવામાં આવે તો તે દાવો ડેક્‍લેરેશન અને કાયમી મનાઈ હુકમનો દાવો છે. પરંતુ હાલનો દાવો તા. ૭/૧૨/૧૯૯૬ ના રોજ દાખલ કરવામાં આવેલ.

ત્‍યારબાદ તા. ૧/૧૦/૨૦૦૭થી કબ્‍જા સબંધેની દાદ આંક-૧૯૫થી માંગેલ જે દાદ આપવાથી લીમીટેશનની જોગવાઈનો ભંગ થતો હોય તથા સામેના પક્ષકારનો હકક છીનવાતો હોય તથા લીમીટેશન એકટની જોગવાઈ અન્‍વયે આર્ટીકલ-૫૮નો ભંગ થતો હોય તેમજ મિલ્‍કતને કબ્‍જો પરત લેવા માટેની સમય મર્યાદા લીમીટેશન એકટના આર્ટીકલ-૬૫ મુજબ ૧૨ વર્ષ હોય. પરંતુ હાલનો દાવો ૨૧ વર્ષ પછી દાખલ કરેલ હોય તેવી હકીકત રેકર્ડ પર સાબીત થતી હોય જેથી હાલનો આ દાવો સમય મર્યાદા બહાર છે તથા કાયદાની જોગવાઈ વિરુધ્‍ધનું એમેડમેન્‍ટ કરવામાં આવેલ છે. તેમજ સને. ૧૯૭૫માં મિલ્‍કત ખરીદ કરતી વખતે તેમાં મકાન અને બાંધકામ આવેલ હોય તથા માપણી વખતે પણ મકાન તથા બાંધકામ આવેલ હોય પરંતુ આ કોના આવેલ છે તેની કોઈ સ્‍પષ્ટતા મુળ દાવામાં કરેલ ન હોય તેમજ દાવા અરજીમાં પણ ૨૧ વર્ષથી કબ્‍જા, ભોગવટા સબંધેની હકીકત જણાવેલ છે. પરંતુ, કોનો કબ્‍જો છે તેની કોઈ સ્‍પષ્ટતા કરેલ ન હોય. આમ મુળ વાદી માલીક દાવાવાળી જગ્‍યાના કબ્‍જામાં દાવો દાખલ કરતી વખતે ન હોય જેથી આવો પક્ષકાર કાયમી મનાઈ હુકમ માંગવા કે મેળવવા હકકદાર ન હોય તેમ ઠેરવી નીચેની કોર્ટનું જજમેન્‍ટ અને હુકમનામું રદ કરી એપેલન્‍ટ જેનુબેન બાઉદીન સુમરાની અપીલ મંજુર કરેલ છે.

આ કામમાં એપેલન્‍ટ વતી રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ રોકાયેલ છે.

(3:07 PM IST)