<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

હોઠના ઓપરેશન બાદ ૫૫ વર્ષના નવીનભાઇ અસહ્ય પીડામાં ધકેલાઇ ગયાઃ ડોક્‍ટર હવે જવાબ દેતાં નથી

દાઢીમાં ગુમડુ થયું, કેન્‍સર હોસ્‍પિટલમાં દેખાડતાં નીચલો હોઠ કપાવવો પડયો હતો, પછી ખાનગી હોસ્‍પિટલમાં ઓપરેશન કરાવ્‍યું : રિક્ષાચાલકે પોતાના સમાજમાંથી મદદ મેળવી, પત્‍નિના દાગીના વેંચી ૬ લાખ ફી ચુકવી ઓપરેશન કરાવ્‍યું: પણ ટાંકાને કારણે છાતી-ગળામાં સતત ખેંચાણ થાય છેઃ ડોક્‍ટરને ટાંકા તોડી આપવા વિનંતી કરતાં કહ્યું-હવે તમારી બધી સારવાર પુરી થઇ ગઇ છે, તેમાં ંકઇ ફેરફાર નહિ થાય! : પોલીસ કમિશનરને ચાર ડોક્‍ટરોના નામ જોગ લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરીઃ ન્‍યાયી તપાસની ખાત્રી આપી

રાજકોટ તા. ૫: શહેરના ગોકુલધામ પાસે આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩૨ ક્‍વાર્ટર નં. ૧૬૭૯માં રહેતાં રિક્ષાચાલક નવીનભાઇ વલ્લભદાસ પાટડીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢને હોઠમાં ગુમડુ થયું હોઇ કેન્‍સર હોસ્‍પિટલમાં સારવાર કરાવતાં નીચેનો હોઠ કઢાવી નાંખવો પડયો હતો. બાદમાં નવા હોઠ માટેનું ઓપરેશન તેમણે રાજકોટના જાણીતા ડોક્‍ટરની હોસ્‍પિટલમાં કરાવતાં તેનો ૬ લાખ જેવો ખર્ચ થયો હતો. પરંતુ ઓપરેશન બાદ ટાંકા લેવાયા હોઇ તેના કારણે હોઠ અને પેઢાની ચામડી ચોંટી ગઇ આને લીધે દર્દી નવીનભાઇને સતત ખેંચાણ થતું નસ ખેંચાવાના કારણે હૃદયમાં પણ દુઃખાવો થતો હોઇ રાતે ઉંઘી પણ શકતાં નથી. સખત પીડા સહન કરી રહ્યા હોઇ ઓપરેશન કરનાર ડોક્‍ટર પાસે જઇ ટાંકા ખોલી આપવા વિનંતી કરતાં  તેઓ આ મામલે હવે કંઇ કરતાં ન હોઇ અને તમારી બધી સારવાર પુરી થઇ ગઇ છે તેમ કહી દેતાં હોઇ નવીનભાઇ અને તેમના પત્‍નિ સરલાબેન પાટડીયાએ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને લેખિત ફરિયાદ કરી તેમને રૂબરૂ મળી રજૂઆત કરતાં તેમણે તપાસ કરાવવાની ખાત્રી આપી છે.

નવીનભાઇ પાટડીયાએ પોલીસ કમિશનર કચેરી ખાતે તા. ૧૭/૯/૨૪ના રોજ અરજી ઇન્‍વર્ડ કરાવી છે. જેમાં ચાર ડોક્‍ટરોના નામ આપ્‍યા છે. નવીનભાઇએ અરજીમાં જણાવ્‍યું છે કે મને દાઢીના ભાગે ગુમડુ થતાં કેન્‍સર હોસ્‍પિટલમાં નિદાન કરાવતાં નીચલા હોઠની સર્જરી કરાવવી પડી હતી. એ પછી નવા હોઠ માટે એશ્વર્યા હોસ્‍પિટલમાં ૧૫-૫-૨૪ના રોજ ઓપરેશન કરાવ્‍યું હતું. તેમજ તેને અંતર્ગત સારવાર પણ કરાવી હતી. જેનો ખર્ચ ૬ લાખ થયો હતો. અમે અમારા સમાજમાંથી ૨,૩૦,૦૦૦ની મદદ મેળવી હતી અને ખુટતી રકમ મારા પત્‍નિના દાગીના વેંચીને  એકઠી કરી હતી.

કુલ ૬ લાખ ફી વવસુલી મારા હોઠનું ઓપરેશન કરી બાદમાં ટાંકા લીધા હતાં. પરંતુ ટાંકાને કારણે મને ગળા અને છાતીમાં સતત ખેંચાણ થાય છે, અસહ્ય દુઃખાવો થાય છે. આ તકલીફ થતાં અમે ફરી ડોક્‍ટર પાસે જઇ ટાંકા દૂર કરી આપવા અને તકલીફમાંથી છુટકારો અપાવવા વિનંતી કરતાં તેણે તમારી સારવાર પુરી થઇ ગઇ છે, હવે આમા કંઇ ન થાય તેમ કહી દીધુ હતું. સતત દુઃખાવાને કારણે હું ઉંઘી શકતો નથી, કામધંધે જઇ શકતો નથી, રોજીરોટી રળી શકતો નથી.  અમે રજૂઆત કરતાં ડોક્‍ટરે અમારી સાથે અસભ્‍ય વર્તન કર્યુ હતું. તેમજ બહાર કાઢી મુક્‍યા હતાં.

અમારે ઓપરેશન-સારવાર માટે અમારા સમાજમાંથી મદદ લેવી પડી છે, ઓપરેશન બાદ નવો હોઠ બનવાને બદલે બગડી ગયો છે અને તકલીફ ખુબ વધી ગઇ છે. આ અંગે અમને ન્‍યાય મળે તેવી અમારી માંગણી છે. તેમ વધુમાં નવીનભાઇ અને તેમના પત્‍નિ સરલાબેન પાટડીયાએ રજૂઆતમાં જણાવ્‍યું હતું. આ મામલે તેઓ પોલીસ કમિશનરને મળતાં તેમણે શાંતિથી સાંભળ્‍યા હતાં અને  તપાસ કરાવવાની ખાત્રી આપી હતી. તસ્‍વીરમાં દર્દી નયનભાઇ પાટડીયા તેમના પત્‍નિ સરલાબેન સાથે નજરે પડે છે

(3:54 PM IST)